બંદરો (ports)
નાનાંમોટાં વહાણો, જહાજો માટે દરિયાકાંઠે કુદરતી રીતે કે ખાસ તૈયાર કરેલ ટર્મિનલ; જ્યાં માલસામાનની આપ-લે કે મુસાફરોની અવર-જવર માટે સગવડ ઊભી કરવામાં આવી હોય. બંદરની જરૂરિયાતો આ પ્રમાણે છે : તે રેલ અને રસ્તાથી જોડાયેલું હોવું જોઈએ. તેના બારામાં જહાજોને લાંગરવા માટેની અનુકૂળતા હોવી જોઈએ. જહાજોને સહેલાઈથી ઉતરાણસ્થાન(berth) મળી રહે તેવી જોગવાઈ જોઈએ. અને માલ-સામાનની હેરાફેરી તેમજ સંગ્રહ કરવાની પણ સુવિધા હોવી જોઈએ.
કુદરતી રીતે રક્ષાયેલ બંદરોને દરિયાકિનારે બહાર નીકળતો ભૂભાગ, ટાપુઓ કે ખડકો રક્ષણ આપે છે. ભૂભાગ અને ખડકોથી રક્ષાયેલ બંદરનું ઉદાહરણ મુંબઈ બંદર છે. ગુજરાતના રાજુલા બંદરનું રક્ષણ શિયાલ બેટ કરે છે. ઇંગ્લૅન્ડનો કિનારો તેના પશ્ચિમ ભાગ પર આવેલ આયર્લૅન્ડથી રક્ષિત છે.
જે જળક્ષેત્રોનો ઉપયોગ વહાણોના માલસામાનની હેરાફેરી માટે કરવાનો હોય તે જો તરંગો(દરિયાઈ મોજાં)થી વિક્ષુબ્ધ હોય તો તેમને કૃત્રિમ બાંધકામથી રક્ષવાં પડે છે. એ માટે તરંગરોધક દીવાલ (break water) બાંધવામાં આવે છે. ચેન્નાઈ (મદ્રાસ) બંદર આનું ઉદાહરણ છે.
નદી પર અથવા ખાડીમાં આવેલાં બંદરો અંદરના ભાગમાં હોય છે; તેથી પવનથી સર્જાતા તરંગોથી રક્ષાયેલાં રહે છે. હુગલી નદી પર આવેલું જૂનું કલકત્તા, નવલખી અને કંડલા આ પ્રકારનાં બંદરો છે.
ભારતનાં બંદરો : ભારતનો દરિયાકિનારો 6,100 કિમી. લાંબો છે. તે પૈકી ગુજરાતનો કિનારો 1,600 કિમી. લાંબો છે. ભારતમાં 11 મોટાં, 22 મધ્યમ કક્ષાનાં અને 111 લઘુ બંદરો છે.
મોટાં બંદરો પૈકી કલકત્તા (1893), મુંબઈ (1875), ચેન્નાઈ (1916), વિશાખાપટ્ટનમ્ (1933) અને કોચીન (1930) આઝાદી પૂર્વે બ્રિટિશ શાસન દરમિયાન અસ્તિત્વમાં આવ્યાં. માર્માગોવા પૉર્ટુગીઝોએ બાંધ્યું હતું. આઝાદી બાદ (15–8–47) કરાંચીની ખોટ પૂરવા કંડલા બંદર 1955માં ખુલ્લું મુકાયું. 1966માં પારદીપ અને તુતિકોરીન, ન્યૂ મૅંગલોર કે પેરામ્બુર (1974) અને પન્હવા શેવા કે જવાહરલાલ નેહરુ બંદર (1988માં) અસ્તિત્વમાં આવ્યાં.
કંડલા : આ બંદર કચ્છના દક્ષિણ-પૂર્વભાગે 22° 58´ ઉ. અ. અને 70° 13´ પૂ. રે. ઉપર આવેલું છે. કચ્છના મહારાવ ખેંગારજીએ 1930-31માં સૌપ્રથમ જેટી બંધાવી આ બંદરની શરૂઆત કરી હતી. ત્યારબાદ 1948માં કસ્તૂરભાઈ સમિતિની ભલામણ મુજબ તેનું આગળનું બાંધકામ વ્યવસ્થિત રીતે હાથ ધરાયું. અને 1955માં વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે તેનું ઉદ્ઘાટન થયું. ઉત્તર ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ, કાશ્મીર, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ મધ્યભારતનો દસ લાખ ચોકિમી. વિસ્તાર ધરાવતો અને તેર કરોડથી વધુ વસ્તીવાળો તેનો પીઠપ્રદેશ છે. કંડલાને ડીસા સાથે જોડતી મીટરગેજ રેલવે 278.40 કિમી. અને ઝુંડ-કંડલાને જોડતી બ્રૉડગેજ રેલવે 234.11 કિમી. લાંબી છે. કંડલાને અમદાવાદ સાથે જોડતો 8-એ રાષ્ટ્રીય ધોરી માર્ગ 1968માં પૂર્ણ થયો. 1952થી કંડલાનું વિમાની મથક અસ્તિત્વમાં આવ્યું છે.
1957માં 1,159.9 મી. લાંબી અને 9.6 મી. પહોળી કાર્ગો જેટી પૂર્ણ થઈ હતી. 206 મી. લાંબી છઠ્ઠી અને સાતમી જેટી ત્યારપછી બંધાઈ છે. 9.4 મી.ના ડ્રાફ્ટવાળી 224.2 મી. લાંબી સ્ટીમર છેક ધક્કા સુધી આવે છે. જૂના કંડલા બંદરે ઑઇલ જેટીનો પેટ્રોલિયમ-પેદાશ, ખાદ્ય તેલ અને પ્રવાહી રસાયણોની આયાત માટે ઉપયોગ થાય છે. અહીં બે ઉતરાણ-સ્થાન છે. ત્રીજી જેટી રૂ. છ કરોડના ખર્ચે તૈયાર થઈ છે. બંદર બેઝિન ખાતે ત્રણ વ્હાર્ફ (ઉતરાણ-સ્થળ) છે. બંદરથી લંગરસ્થાન (anehorage) 22 કિમી. દૂર છે. અહીં 170 મી. લાંબી અને 10.36 મી. ડ્રાફ્ટવાળી સ્ટીમરો થોભે છે.
ઉદ્યોગોના વિકાસ માટે તથા નિકાસ વધારવા માટે 1965માં 283 હેક્ટરમાં ‘મુક્ત વ્યાપાર ઝોન’ની રચના કરાઈ હતી. 1982માં રૂ. 117 કરોડની કિંમતનાં સ્ટીલનાં વાસણો, દવા, રસાયણો, મગફળી, રબરની વસ્તુઓ, તૈયાર કપડાં, પ્લાસ્ટિકના પાઇપ, વીજળીનાં સાધનો વગેરેની નિકાસ થઈ હતી. અહીં સો ઉપરાંત કારખાનાં છે. યંત્રો અને તેના ભાગો અને કાચા માલની આયાતને જકાતમાંથી મુક્તિ આપવામાં આવી છે. નિકાસ માટે દેશનાં અન્ય રાજ્યોમાંથી કાચો માલ મંગાવાય છે. પાણી અને વીજળીના દરમાં પણ રાહત અપાય છે. રૂ. 200 કરોડની નિકાસ 1992–93માં થઈ હતી.
આયાત–નિકાસ : કંડલા ખાતે પેટ્રોલિયમ પેદાશો, ફૉસ્ફૉરિક ઍસિડ, અનાજ, લોખંડનો ભંગાર, ખાતર, મ્યુરિયેટ ઑવ્ પૉટાશ, રૉક ફૉસ્ફેટ, ગંધક, જસત અને ત્રાંબાના ગઠ્ઠા–પોટૅશિયમ ક્લોરેટ, સિમેન્ટ, ન્યૂઝ-પ્રિન્ટ, કોક વગેરે આયાત થાય છે; જ્યારે મોલાસિસ (ગોળની રસી), આલ્કોહૉલ, ચોખા, ખાંડ, મીઠું, ગુવારગમ, હાડકાંનો ભૂકો, બેન્ટોનાઇટ, તાંબાના રિવેટ, બૉક્સાઇટ, ચા, ચિરોડી, ઢોર વગેરેની નિકાસ થાય છે.
રેલવેલાઇન દ્વારા કંડલાનું ઉત્તર અને પશ્ચિમ ભારત સાથે જોડાણ હોઈ આ બંદરનું મહત્ત્વ ઘણું છે.
વાડીનાર : આ બંદર કંડલાથી 45 નૉટિકલ માઈલ દૂર (1 નૉટિકલ માઈલ = 1.852 કિમી.) કચ્છના અખાતના પૂર્વ કિનારે જામનગર જિલ્લામાં સલાયા અને સિક્કા વચ્ચે આવેલું છે. બંદરની નાળ (ચૅનલ) 23 કિમી. લાંબી અને પાણીની લઘુતમ ઊંડાઈ 23.5 મી. અને પહોળાઈ 1,500 મી. છે. આ બંદરે 22 મી. ડ્રાફ્ટની 3.5 લાખ ટનની ટૅન્કરો અને જહાજો આવી શકે છે.
ઑફ-શોર ટર્મિનલનું કામ ઑગસ્ટ 1978માં પૂર્ણ થયું હતું. લંગરસ્થાન દરિયાકિનારાથી 5.8 કિમી. દૂર છે. ત્યાંથી સમુદ્રના પાણીમાં અને જમીન ઉપર થઈને નાખેલી પાઇપલાઇન દ્વારા સ્ટોરેજ ટાંકી સુધી ક્રૂડ ઑઇલ લઈ જવાય છે. દરેક ટાંકી 75,000 ટન ક્રૂડ સંઘરવાની ક્ષમતા ધરાવે છે. આવી આઠ ટાંકીઓ છે. ટગ, લૉન્ચ, બાર્જ વગેરે માટેની જેટી 150 મી. લાંબી છે. અહીં 9 મી. પાણીની ઊંડાઈ છે. અહીંથી પાઇપલાઇન દ્વારા 416 કિમી. દૂર વડોદરા નજીકની કોયલી રિફાઇનરી ખાતે ક્રૂડ ઑઇલ શુદ્ધ કરવા મોકલાય છે. વિરમગામથી પાઇપલાઇનનો બીજો ફાંટો 803 કિમી. દૂર મથુરા ખાતે આવેલી રિફાઇનરી સુધી ક્રૂડનું વહન કરે છે. 1991–92માં અહીં 120 લાખ ટન ક્રૂડની આયાત થઈ હતી. હાલ આ આયાત 200 લાખ ટનની થઈ છે. ગુજરાત સરકારની ભાગીદારીમાં રહી ભારત સરકાર આ બંદરેથી આઠ લાખ ટન અન્ય માલની આયાત કરવા ધારે છે; તેથી બીજા મુરિંગસ્થાનની જરૂર રહેશે. આ ઉપરાંત ખાતર, ગંધક, રૉક-ફૉસ્ફેટ, લોખંડનો ભંગાર, મીઠું વગેરે જથ્થાબંધ માલ ચડાવવા-ઉતારવા ક્રેનો, ટગ, બજરા તથા જેટીની જરૂરિયાત ઊભી થઈ રહી છે.
મુંબઈ : મુંબઈ મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં 18° 54´ ઉ. અ. અને 72° 48´ પૂ રે. ઉપર આવેલું, બધી ઋતુઓમાં કાર્યરત રહી શકે તેવું કુદરતી બંદર છે. પશ્ચિમ ભારતનું તે પ્રવેશદ્વાર ગણાય છે.
નાના અને મધ્યમ કક્ષાનાં જહાજો ઠેઠ ધક્કા સુધી આવી શકે છે અને મોટાં જહાજો અને ટૅન્કરો દરિયાકાંઠાથી માત્ર 9.6 કિમી. દૂર લંગર-સ્થાને થોભે છે. ચૅનલની લઘુતમ ઊંડાઈ 10.5 મી. અને લઘુતમ પહોળાઈ 336 મી. છે. મુંબઈ અગાઉ સાત નાના અલગ ટાપુઓનું બનેલું હતું. કૉઝ-વે તથા બ્રેકવૉટર દ્વારા બધા ટાપુઓ જોડાઈ જતાં સમગ્ર વિસ્તાર એક બની ગયો છે. મુંબઈનું બારું ત્રણ ધક્કાઓ ધરાવે છે. તેનો કુલ વિસ્તાર 114 એકર છે. જ્યારે ‘ક્વે’ પ્રકારનું ઉતરાણ-સ્થળ 7,776 મી. લાંબું છે. બંદરકાંઠાને સંલગ્ન દીવાલ 853 મી. છે. પ્રિન્સ ડૉકની 1880માં, વિક્ટોરિયા ડૉકની 1888માં અને ઇન્દિરા ડૉકની રચના 1914માં થઈ હતી.
ઇતિહાસ : ઈ. સ. 1661માં ઇંગ્લૅન્ડના રાજા ચાર્લ્સ બીજા સાથે પૉર્ટુગીઝ રાજકુમારીનાં લગ્ન થયાં અને મુંબઈનો ટાપુ દાયજામાં મળ્યો. મુંબઈ મૂળ માછીમારોનું ગામડું હતું. અને આ ટાપુ વાર્ષિક 10 પાઉંડના ભાડાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તેની કોઠી માટે 1668માં ભાડે આપ્યો. ઈ. સ. 1686માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૂરતની તેમની કોઠી (વેપારી મથક) ત્યાંના મુઘલ સૂબેદારના ત્રાસથી મુંબઈ ખાતે ફેરવી હતી. અહીં કિલ્લો બાંધીને આંગ્રે તથા જંજીરાના સીદી તથા પૉર્ટુગીઝોના આક્રમણ કે ચાંચિયાગીરીથી બચાવ થઈ શક્યો હતો. ગુજરાતના ખંભાતના અખાત ઉપર આવેલાં ખંભાત, ભરૂચ અને સૂરતનાં બારાં કાંપથી પુરાઈ જતાં આ બંદરોની જાહોજલાલી અસ્ત થઈ અને સૌરાષ્ટ્ર તથા ઉપર્યુક્ત શહેરોના સાહસિક વેપારીઓએ મુંબઈ સ્થળાંતર કરતાં તથા 1869થી સૂએઝની નહેરના ટૂંકા જળમાર્ગને કારણે મુંબઈનો દરિયાઈ વેપાર ખૂબ વધી ગયો. થળઘાટ અને બોરઘાટ દ્વારા રેલવેમાર્ગથી મુંબઈ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદર્ભના પીઠપ્રદેશનો લાભ મળ્યો. થાણાથી ભરૂચ સુધી રેલવે થતાં ગુજરાત અને રાજસ્થાનનો એના પીઠપ્રદેશમાં ઉમેરો થયો.
મુંબઈમાં મિલઉદ્યોગ સ્થપાતાં કાપડ અને સૂતરનું ઉત્પાદન શરૂ થયું. ત્યારબાદ તૈયાર કપડાં, વેજિટેબલ ઘી, રંગ, રસાયણો, દવાઓ, તેલ, ઇજનેરી અને ઇલેક્ટ્રૉનિક્સ સાધનો અને જહાજી ઉદ્યોગનો સરંજામ વગેરેનો ઉમેરો થયો. મુંબઈ શહેર અને આસપાસના થાણાથી પુણે અને સિંહગઢ સુધીના પ્રદેશોમાં ઉદ્યોગો સ્થપાયા. આ રીતે મુંબઈનો પ્રથમ વ્યાપારિક શહેર અને પછી ઔદ્યોગિક શહેર તરીકે ખૂબ વિકાસ થયો.
આયાત–નિકાસ : મુંબઈ ખાતે અનાજ, ખાતર, ગંધક, રૉક-ફૉસ્ફેટ, પ્રવાહી એમોનિયા, લોખંડનો ભંગાર, ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ-પેદાશો, સિમેન્ટ, ચૂનાના પથ્થરો, મચ્છી, બેન્ટોનાઇટ, રંગ, રસાયણો, નળિયાં, લાદી, બળતણનું અને ઇમારતી લાકડું, લાકડાનો માવો, કાર્બન બ્લૅક, વાંસ, સિન્થેટિક રેઝિન, ઘાસ, રેતી વગેરે આયાત થાય છે. ઍસબેસ-ટૉસ, આસ્ફાલ્ટ, પીણાં, સાઇકલ અને તેના છૂટા ભાગો, રસાયણો, કૉફી, રૂ, દવા, રંગ, ચિનાઈ માટીનાં વાસણો, પાઇપ વગેરે, હાડકાં અને તેનું ખાતર, ખોળ, શિંગદાણા, ફળો, શાકભાજી, કાચ, હોઝિયરી, કોપરાં, વાળ, ઊન, આલ્કોહૉલ, યંત્રો, લોખંડ અને સ્ટીલની વસ્તુઓ, મોટર અને તેના છૂટક ભાગો, કાગળ, કાચ, ચા, તમાકુ, ઝવેરાત, સિગારેટ, બીડી, ખાંડ, મસાલા વગેરેની નિકાસ થાય છે. ટ્રૉમ્બે ખાતેની ઑફ-શોર બર્થ ઉપર પેટ્રોલિયમ અને પ્રવાહી રસાયણો ને એમોનિયા ઉતારાય છે. બેલાર્ડ પિયર ખાતે ઉતારુ જહાજો આવે છે. કુલ 64 લંગર-સ્થાનો છે. દારૂગોળો અને સળગી ઊઠે તેવા પદાર્થો માટે અલગ ત્રણ લંગર-સ્થાનો છે.
કન્ટેનર-ટ્રાફિક : 1969થી તેની શરૂઆત થઈ. ઇન્દિરા ડૉક ખાતે સ્વતંત્ર કન્ટેનર-ટર્મિનલ વિકસાવાયું છે. બેલાર્ડ પિયર અને તેના વિસ્તૃત ભાગનો પણ તે માટે ઉપયોગ થાય છે. કન્ટેનર-ટ્રાફિકનું પ્રમાણ સતત વધતું રહ્યું છે.
જવાહરલાલ નેહરુ બંદર : આ બંદર મુંબઈના બારાની સામે 11 કિમી. દૂર થાણે જિલ્લામાં 18° 56´ ઉ. અ. અને 72° 57´ પૂ. રે. વચ્ચે આવેલું છે. મુંબઈ બંદર ખાતે ટ્રાફિકના ભારે ભરાવાને કારણે સ્ટીમર કંપનીઓને 5% થી 10 % નૂર સરચાર્જ ભરવો પડતો હતો અને મહિના સુધી દરિયામાં રાહ જોવી પડતી હતી. તે દબાણ આ નવા બંદરથી દૂર થયું છે.
અહીં લઘુતમ ઊંડાઈ 19.6 મી. અને નાળના પ્રવેશદ્વાર પાસે લઘુતમ પહોળાઈ 220 મી. છે. અહીં કન્ટેનરો માટે ત્રણ બર્થ છે. 13.5 મી. ડ્રાફ્ટવાળી 500 મી. લાંબી 70,000 ટનની સ્ટીમરો ધક્કા સુધી આવે છે. આ બંદરનો પીઠપ્રદેશ મુંબઈ બંદર પ્રમાણે છે. કન્ટેનર-ટ્રાફિક મુખ્ય છે.
માર્માગોવા : માર્માગોવા કોંકણના ભાગરૂપ અરબી સમુદ્રના કાંઠે 15° 25´ ઉ. અ. અને 73° 47´ પૂ. રે. ઉપર ઝુઆરી નદીના મુખ ઉપર આવેલું છે. બધી ઋતુઓ માટે તે ઉપયોગી છે. આ કુદરતી બંદરનું 519.3 મી. લાંબો બ્રેકવૉટર તથા બ્રેકવૉટરના બહારના છેડાથી પૂર્વ તરફ બંધાયેલ 268.2 મી. લાંબો બાંધ (mole) રક્ષણ કરે છે. તે મુંબઈથી દક્ષિણે 370 કિમી. દૂર છે. લંગરસ્થાન બંદરના પ્રવેશદ્વારથી 5 કિમી દૂર છે. નાળ(ચૅનલ)ની લઘુતમ ઊંડાઈ 13.7 મી. અને પહોળાઈ 250 મી. છે. કુદરતી બારાની ઉત્તર અને પશ્ચિમે ખુલ્લું બંદર (roadstead) છે. અહીં 50 વહાણો ચોમાસામાં સુરક્ષિત રહે છે. માલ ચડાવવા-ઉતારવા સાત બર્થ (ઉતરાણ-જેટી) છે. જાપાનને માટે લોખંડની કાચી ધાતુની નિકાસ આ બંદરેથી થાય છે તે કારણે આ બંદર વિકસ્યું છે. 2,75,000 ટનનાં તોતિંગ જહાજો અહીં જેટી સુધી આવે છે.
પીઠપ્રદેશ : આ બંદરના પીઠપ્રદેશમાં ગોવા, મહારાષ્ટ્રનો નૈર્ઋત્ય ભાગ, ઉત્તર કર્ણાટક અને આંધ્રપ્રદેશનો પશ્ચિમ ભાગ આવે છે. મુંબઈ-બૅંગલોર રેલવે દ્વારા તથા મુંબઈથી કન્યાકુમારી સુધીના કાંઠાના રાષ્ટ્રીય ધોરી માર્ગ દ્વારા તે દેશના અન્ય ભાગો સાથે જોડાયેલું છે. ગોવાનો મુખ્ય પાક ડાંગર, કઠોળ, રાગી, શેરડી, કેળાં, કાજુ, કેરી, નાળિયેર અને સોપારી છે. લોખંડ, મગેનીઝ, બૉક્સાઇટ અને સિલિકા-ખનિજો નીકળે છે. ગોવાની ચોપાટી પ્રવાસીઓને આકર્ષે છે.
આયાત–નિકાસ : આ બંદરે ખાતર, રૉક-ફૉસ્ફેટ, ગંધક, અનાજ, આયર્ન અને સ્ટીલ, યંત્રો, પ્રવાહી રસાયણો, પેટ્રોલિયમ અને તેની પેદાશો, કોક, સિમેન્ટ વગેરે આયાત થાય છે. લોખંડની કાચી ધાતુ અને પૅલેટ, મૅંગેનીઝ, ક્રોમ, ખોળ, ખાંડ એલ્યૂમિના, ડાંગરનું ભૂસું, જિંગા, મોલાસિસ વગેરેની અહીંથી નિકાસ થાય છે.
ગોવા શિપયાર્ડની સૂકી ગોદી મરામત માટે વપરાય છે. પાઇલટ સેવા ફરજિયાત છે. બાર્જ, ક્રેન, દીવાદાંડી, યાંત્રિક લોડર, ગોડાઉનો, ટ્રાન્ઝિટ શેડ, ગ્રૅબ લોડર, ટગ વગેરેની સગવડો છે. માર્માગોવા ખાતે પરદેશી પ્રવાસીઓ તથા દેશના અન્ય ભાગમાંથી સહેલાણીઓ ઉનાળામાં આવે છે.
ન્યૂ મૅંગલોર : ન્યૂ મૅંગલોર બંદર જૂના મગલોર બંદરથી ઉત્તરે 9 કિમી. દૂર 12° 55´ ઉ. અ. અને 74° 48´ પૂ. રે. ઉપર આવેલું કર્ણાટક રાજ્યનું મુખ્ય બંદર છે. લંગરસ્થાન બારાના પ્રવેશદ્વારથી 6 કિમી. દૂર છે. ચૅનલની ઊંડાઈ 13.5 મી. છે. 1950માં બંદર પસંદ કરવા માટે નીમવામાં આવેલી સમિતિની ભલામણ મુજબ 1964થી વ્હાર્ફ (ઉતરાણ સ્થળ), બ્રેકવૉટર વગેરેનું બાંધકામ હાથ ધરીને તે 1968માં પૂર્ણ કરાયું. અહીં વ્હાર્ફ ઉપરાંત ઑઇલ જેટી છે. 60,000થી એક લાખ ટન સુધીની ટૅન્કરો અહીં આવે છે. બંદરની ચૅનલ 3 કિમી. લાંબી છે. લંગરસ્થાને પાણી 18 મી. ઊંડું છે.
પીઠપ્રદેશ : બગલોરથી પૂર્વ દિશાનો તથા ઈશાન ખૂણા તરફનો તામિલનાડુ નજીકનો ભાગ બાદ કરતાં સમગ્ર કર્ણાટક રાજ્ય તેનો પીઠપ્રદેશ છે. મુંબઈ–કન્યાકુમારી રાષ્ટ્રીય ધોરી માર્ગ ન્યૂ મૅંગલોર નજીકથી પસાર થાય છે. રેલવે દ્વારા બૅંગલોર, કાલિકટ, હસન અને ચેન્નાઈ સાથે જોડાયેલું છે. અહીં હવાઈ મથક પણ છે.
આયાત–નિકાસ : અહીં પેટ્રોલિયમ-પેદાશો, ક્રૂડ ઑઇલ, અનાજ, ખાતર, સુપર ફૉસ્ફેટ, ગંધક, સિમેન્ટ, યંત્રો, કાચાં કાજુ, લોખંડનો ભંગાર વગેરે આયાત થાય છે; તો લોખંડની કાચી ધાતુ, લોખંડના પૅલેટ, મૅંગેનીઝ, ક્રોમ, કૉફી, કાથી, ઇમારતી લાકડું, કાજુના ફળનો રસ, તમાકુ, વિલાયતી નળિયાં, ગ્રૅનાઇટ પથ્થરો, ટોપી આર્કાની કાતરી, ડિટરજન્ટ પાઉડર, રોઝવુડ, ફેરો સિલિકૉન, માંસ અને માછલીની અહીંથી નિકાસ થાય છે.
સગવડો : માલ રાખવા ટ્રાન્ઝિટ શેડ, વેરહાઉસ (વખાર) અને ખુલ્લી જમીન છે. પ્રવાહી માલ ભરવા 26,000 મે.ટનની ક્ષમતા ધરાવતી ટાંકીઓ, ગોડાઉનો, ક્રેન, બજરા (barges), લૉન્ચ, ટગ, બોયાં માટેનું ટેન્ડર વગેરે સાધનો છે.
કોચીન : કોચીન કેરળ રાજ્યનું મુખ્ય બંદર છે. તે 9° 58´ ઉ. અ. અને 76° 14´ પૂ. રે. વચ્ચે વેમ્બનાડ સરોવર ઉપરના બ્રેકવૉટર(આડબંધ)ના કિનારે આવેલું છે. બંદરના મુખથી લંગરસ્થાન (anehorage) 10.5 કિમી. દૂર છે. પ્રવેશ માટેની ચૅનલ 11.7 મી. ઊંડી અને 185 મી. પહોળી છે. અરબી સમુદ્ર ને વેમ્બનાડ સરોવરનો જ્યાં સંગમ થાય છે ત્યાં મુખ 365 મી. પહોળું છે. કોચીનનો કિલ્લો અને વિપિન ટાપુ તેની ઉત્તરે છે. કુદરતી સૌંદર્ય અને લીલોતરીને કારણે કોચીનને ‘અરબી સમુદ્રની રાણી’નું બિરુદ મળ્યું છે. પેરિયર નદી ઉપરનું ક્રેગેનોર બંદર કાંપથી પુરાઈ જતાં કોચીનનો ઉદય થયો હતો. પૉર્ટુગીઝોના આગમન પૂર્વે અહીંથી મરી, સોપારી, એલચી અને ઔષધિ મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી. ચીનથી રેશમ અને બંગાળથી ખાંડની આયાત થતી હતી. કોચીનના રાજાની મંજૂરીથી પૉર્ટુગીઝોએ અહીં તેમની કોઠી સ્થાપી કિલ્લો બાંધ્યો. 1578માં સ્પેને પૉર્ટુગલ જીતી લેતાં કોચીન સ્પેનની સત્તા નીચે આવ્યું. 1865માં કોચીનને અંગ્રેજોએ કબજે કર્યું.
પીઠપ્રદેશ : કેરળનો ઔદ્યોગિક અને પ્લાન્ટેશન-વિસ્તાર, કર્ણાટક, આંધ્ર અને તામિલનાડુનો થોડો પશ્ચિમ ભાગ તેનો પીઠપ્રદેશ છે. રેલવે દ્વારા તે કાલિકટ, કાનાનોર, મગલોર, કુનર, ચેન્નાઈ, ક્વિલોન, ત્રિવેન્દ્રમ્ અને કન્યાકુમારી સાથે જોડાયેલું છે. 47 નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ કોચીન સાથે સંલગ્ન વિલિંગ્ડન ટાપુ પાસેથી પસાર થાય છે. જમીનમાર્ગો રેલવેની સમાંતર આવેલા છે.
આયાત–નિકાસ : આસ્ફાલ્ટ, ડામર, રસાયણો, કોલસા, રૂ, દવાઓ, ચોખા, ઘઉં, કઠોળ, કાચાં કાજુ, ગંધક, રૉક-ફૉસ્ફેટ, લાકડાનો માવો (pulp), હાર્ડવેર, યંત્રો, ખાતર, હાડકાંનો ભૂકો, રંગો અને વાર્નિશ, મરી, ખનિજ તેલ અને તેની પેદાશો, મીઠું, જિંજરલીનાં બિયાં, લોખંડનાં પતરાં, તમાકુ, કોપરાં, ખોળ, સાબુ વગેરે અહીં આયાત થાય છે.
ઈંટો અને લાદીઓ, પેટ્રોલ, ડીઝલ ઑઇલ, કોલસો, નાળિયેરના રેસા અને તેમાંથી બનતી ચટાઈ વગેરે ચીજો, કાજુ અને તેનું તેલ, ઇલ્મેનાઇટ, કોપરેલ, લેમન-ગ્રાસ, ઇમારતી લાકડું, રબર અને તેની વસ્તુઓ વગેરેની અહીંથી નિકાસ થાય છે.
સગવડો : કોલસાની આયાત માટે બે બર્થ (ઉતરાણ-સ્થાન), ટૅન્કરો માટે બે બર્થ, માલવાહક બજરા (barge) ટગ, ડ્રેજર, ક્રેનો, લૉન્ચ, ગોદામો, ટ્રૅક્ટર-ટ્રૅઇલરો, પાઇલટ લૉન્ચ, ટ્રાન્ઝિટ શેડો, તેલ માટેની ટાંકીઓ વગેરે સગવડો અહીં છે. વહાણો અને સ્ટીમરો દ્વારા માલનું પરિવહન થાય છે.
તુતિકોરીન : તુતિકોરીન એ કોરોમાંડલ કિનારાના છેડે જમીનથી ઘેરાયેલા મનારના અખાતથી પશ્ચિમે 8° 43´ ઉ. અ. અને 70° 15´ પૂ. રે. ઉપર ચેન્નાઈથી 650 કિમી. અને કોચીનથી 420 કિમી.ના અંતરે આવેલું છે. આ કુદરતી બંદર બે ભાગમાં વહેંચાયેલું છે. ‘એ’ ઝોનમાં ઊંડા પાણીવાળા બારામાં સ્ટીમરો ધક્કાને અડકીને થોભે છે. ‘બી’ ઝોનમાં મધદરિયામાં સ્ટીમરો થોભે છે અને બજરા દ્વારા માલની હેરફેર થાય છે. બ્રેકવૉટર દ્વારા બારાંઓ સુરક્ષિત બનાવાયાં છે. લંગરસ્થાન 9.6 કિમી. દૂર છે. ઉત્તર તરફનો બ્રેકવૉટર 4,103 મી. અને દક્ષિણ બાજુનો બ્રેકવૉટર 3,368 મી. લાંબો છે. કાંપના જમાવનું પ્રમાણ દર વરસે 10 સેમી. જેટલું છે.
પીઠપ્રદેશ : તમિલનાડુના મદુરાઈ, રામનાથપુરમ્ અને તિરુનેલવેલ્લ જિલ્લાઓનો તેના પીઠપ્રદેશમાં સમાવેશ થાય છે. આ બંદરના પીઠપ્રદેશમાં પેટ્રોકેમિકલનું ખાતરનું કારખાનું, થર્મલ પાવર-સ્ટેશન, હેવી વૉટરનું કારખાનું, ધ્રાંગધ્રા કેમિકલ વકર્સ, સિમેન્ટ વગેરેનાં કારખાનાં આવેલાં છે. તે ઉપરાંત મીઠાના અગરો, સૂતરની મિલો તથા હાથશાળકાપડ બનાવતાં કારખાનાં પણ છે. તુતિકોરીન નજીક સમુદ્રમાંથી મોતી મળે છે. મચ્છીમારી મહત્વનો ઉદ્યોગ છે. 11 જુલાઈ 1974થી તુતિકોરીનને મોટા બંદર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
આયાત–નિકાસ : કોલસા, યંત્રો, રૂ, ઘઉં, ઇમારતી લાકડું, ખાતર, પ્રવાહી એમોનિયા, પેટ્રોલિયમ-પેદાશો વગેરેની અહીં આયાત થાય છે; જ્યારે મીઠું, સૂતર, સૂકી મચ્છી, સિમેન્ટ, ઇલ્મેનાઇટ, ચિરોડી, ખાંડ, ખાતર, ગોળ, ચોખા અને ઘઉંની નિકાસ થાય છે. લંકા–તુતિકોરીન વચ્ચે મુસાફરોની આવજા મોટા પ્રમાણમાં થાય છે.
ચેન્નાઈ (મદ્રાસ) : તામિલનાડુ રાજ્યનું આ મુખ્ય બંદર 13° 76´ ઉ. અ. અને 80° 18´ પૂ. રે. વચ્ચે બંગાળના ઉપસાગર પર આવેલું બધી ઋતુઓ માટેનું બંદર છે. બંદરના પ્રવેશસ્થાનથી લંગરસ્થાન 18.6 કિમી. દૂર છે. પ્રવેશ માટેની ચૅનલની લઘુતમ ઊંડાઈ 18.6 મી. અને પહોળાઈ 245 મી. છે. બંદર 1,005 મી. લાંબા બ્રેકવૉટરથી રક્ષિત કૃત્રિમ બંદર છે. અહીં 14.02 મી. ડ્રાફ્ટનાં જહાજો આવી શકે છે. મત્સ્ય-બંદરે પચાસ ટ્રૉલરો અને 500 યાંત્રિક હોડીઓ થોભી શકે છે. આ બંદરનું બેઝિન 6 મી. ઊંડું છે.
પીઠપ્રદેશ : તામિલનાડુનો ઉત્તર ભાગ, કર્ણાટકનો દક્ષિણ ભાગ, આંધ્રપ્રદેશનો દક્ષિણ-પશ્ચિમ ભાગ અને કેરળના ઈશાન ભાગનો તેના પીઠપ્રદેશમાં સમાવેશ થાય છે. મદ્રાસ રેલવે તથા દરિયાઇ માર્ગે કલકત્તા પારદીપ તથા વિશાખાપટ્ટનમ્, પૉંડીચેરી અને તુતિકોરીન સાથે અને જમીનમાર્ગ દ્વારા તામિલનાડુનાં તથા આંધ્ર, કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્રનાં મહત્વનાં શહેરો સાથે જોડાયેલ છે. વળી સ્ટીમરસર્વિસ દ્વારા તે કલકત્તા, કોલંબો, રંગૂન, પૉર્ટ બ્લેર, સિંગાપોર, દૂર પૂર્વનાં તથા ઑસ્ટ્રેલિયાનાં અને યુ.એસ.ના પશ્ચિમ કાંઠાનાં બંદરો સાથે તો હવાઈ માર્ગે કોલંબો, સિંગાપોર, જાકાર્તા, હાગકાગ તથા ભારતનાં પ્રમુખ શહેરો સાથે જોડાયેલ છે.
આયાત–નિકાસ : આયાતમાં મુખ્યત્વે અનાજ, ખાતર, ગંધક, રૉક-ફૉસ્ફેટ, કોલસો, કોક, લોખંડ અને પોલાદ, યંત્રો, કાગળ, રબર, લોખંડનો ભંગાર, સિમેન્ટ, ઇમારતી લાકડું, હાર્ડવેર, દવા, કાચનો સામાન, મોટર, નેપ્થા, હાઈ ડીઝલ તેલ, કેરોસીન, ખાદ્ય તેલ, ઍલ્યુમિનિયમના ગઠ્ઠા, ફૉસ્ફૉરિક ઍસિડ, સોડા ઍશ વગેરે મુખ્ય છે. મુખ્ય નિકાસ ઈંટ, વિલાયતી નળિયાં, લાદી, હાડકાં અને તેનો ભૂકો તથા ખાતર, કૉફી, સિમેન્ટ, રૂ, કાપડ, સૂતર, ચામડાં ને તેની બનાવટો, લોખંડની કાચી ધાતુ, અબરખ, મોટર, ડુંગળી, ખોળ, તેલીબિયાં, રેલવેના ડબ્બા, મોલાસિસ, મૅંગેનીઝ, રબરનાં ટાયર, માછલી, જિંગા અને ગ્રૅનાઇટ પથ્થરની છે.
કન્ટેનરો માટે અલગ બર્થ, પાર્કિંગ-વાડો, ક્રેનો, ગૅન્ટ્રી ક્રેનો, 20 ટ્રેઇલરો, 12 ટ્રૅક્ટરો, 12 ફૉર્ક લિફ્ટ ટ્રકો વગેરેની સગવડો છે.
આ બંદરેથી મુસાફરોની અવરજવર પણ સારા પ્રમાણમાં રહે છે.
વિશાખાપટ્ટનમ્ : આંધ્રપ્રદેશનું આ બંદર મેઘાદ્રિ નદીના મુખ આગળ 17° 41´ ઉ. અ. અને 83° 18´ પૂ. રે. વચ્ચે બંગાળના ઉપસાગર ઉપર આવેલું બધી ઋતુઓ માટે ઉપયોગી એવું મહાબંદર છે. તે ચેન્નાઈથી ઉત્તરે 780 કિમી. અને કલકત્તાથી દક્ષિણે 840 કિમી. દૂર છે.
વિશાખાપટ્ટનમના અંદરના અને બહારના ભાગમાં મળીને બે બારાં છે. અંદરના બારાનું ‘ડૉલ્ફિનોઝ’ તરીકે ઓળખાતા ભૂભાગ અને દુર્ગા ટેકરીઓ દ્વારા રક્ષણ થાય છે. આંતરિક બંદરના પ્રવેશદ્વારથી લંગરસ્થાન 4.4 કિમી.ના અને બહારના બારાથી 2.6 કિમી.ના અંતરે છે. આંતરિક બારાની ચૅનલ 10.7 મી. ઊંડી અને 80 મી. પહોળી છે. બહારના બારાની ચૅનલની લઘુતમ ઊંડાઈ 19 મી. અને પહોળાઈ 200 મી. છે. ભારતનું આ સૌથી ઊંડું બારું છે. દક્ષિણ, ઉત્તર અને પૂર્વ ભાગે અનુક્રમે 1,543, 412 અને 1,070 મી. લાંબા ત્રણ બ્રેકવૉટર બાહ્ય બારાનું રક્ષણ કરે છે. દર વરસે 10થી 12 લાખ ટન રેતી ડ્રેજિંગ કરી ખસેડાય છે. અંદરના બારા ખાતે 10 બર્થ છે. 35,000 ટનનાં જહાજો પ્રવેશી શકે છે. બહારના બારા ખાતે બે બર્થ છે. અહીં 1.20 લાખ ટન સુધીનાં જહાજો, ટૅન્કરો આવે છે.
પીઠપ્રદેશ : આ બંદરના પીઠપ્રદેશ તરીકે આંધ્રનાં વિશાખાપટ્ટનમ્, શ્રીકાકુલમ્, પૂર્વ અને પશ્ચિમ ગોદાવરી, કૃષ્ણા, ગંતુર, નલગોંડા, ખમામ, વારંગલ, મેડક, હૈદરાબાદ, નિઝામાબાદ, કરીમગંજ અને આદિલાબાદ એમ 14 જિલ્લાઓ; દક્ષિણ મધ્ય પ્રદેશના છ જિલ્લાઓ, દક્ષિણ ઓરિસાના અને મહારાષ્ટ્રના ચાંદા અને ભંડારા જિલ્લાઓ આવેલા છે. કુલ વિસ્તાર 3,40,640 ચો.કિમી. છે. તેમાં આંધ્રનો 46 %, મધ્યપ્રદેશનો 31.3 %, ઓરિસાનો 31 % અને મહારાષ્ટ્રનો 10 % વિસ્તાર છે. દક્ષિણ-પૂર્વ રેલવે તથા રાષ્ટ્રીય ધોરી માર્ગો દ્વારા તે ભુવનેશ્વર, કટક, કોરાપુટ, જુગદાલપુર, વિજયવાડા, હૈદરાબાદ, વારંગલ, કરીમનગર, કલકત્તા અને ચેન્નાઈ સાથે જોડાયેલું છે.
1950 પછી હિંદુસ્તાન શિપયાર્ડ, કાલટેક્સની રિફાઇનરી, કોરોમંડલ ફર્ટિલાઇઝર, ભારત હેવી વૉટર પ્લાન્ટ, ઇન્ડિયન ઑક્સિજન કું., આંધ્ર સ્ટીલ કૉર્પોરેશન, ઝિંક સ્મેલટર, હિંદુસ્તાન પૉલિમર, ઇન્ડિયન પ્લાસ્ટિક્સ, લાઇટ મેટલ ઇન્ડસ્ટ્રિઝ, પોલાદ અને શણનાં તેમજ ખાંડ અને રસાયણોનાં કારખાનાં વિશાખાપટ્ટનમ્ અને નજીકનાં શહેરોમાં આવેલાં છે.
આયાત–નિકાસ : મુખ્યત્વે રંગવાના અને કમાવવાના પદાર્થો, મૅંગેનીઝ, જિંજેલી અને નાઇજરનાં બિયાં, ખાંડ, શણ, તમાકુ, સિગાર, લોખંડની કાચી ધાતુ, ફેરો-મૅંગેનીઝ, ઘડતર-લોખંડ, રૂ, ઘઉં, મચ્છી, જિંગા, હાડકાં અને તેના ભૂકાની નિકાસ થાય છે; જ્યારે બાંધકામનો સામાન, નળિયાં, લાદી, સુતરાઉ કાપડ, સૂતર, ઇમારતી લાકડું, સિમેન્ટ વગેરે આયાત થાય છે.
1982–83થી કન્ટેનરો દ્વારા આયાતનિકાસની શરૂઆત થઈ છે. હાલ 50,000 ચોમી. ક્ષેત્રફળ ધરાવતો ક્ધટેનર પાર્ક છે. તે દ્વારા શાકભાજી, તમાકુ, ફળો, ક્રોમ, મૅંગેનીઝની નિકાસ થાય છે. નિકાસની ર્દષ્ટિએ તેનું મુંબઈ અને કલકત્તા પછી ત્રીજું સ્થાન છે.
પારદીપ : મહાનદીના મુખથી 16 કિમી. દૂર તેના જમણા કાંઠે 20° 55´ ઉ. અ. અને 86° 42´ પૂ. રે. ઉપર આવેલું ઓરિસાનું તે મહાબંદર છે. કલકત્તાથી 210 કિમી., કટકથી 96 કિમી. અને વિશાખાપટ્ટનમથી 260 નૉટિકલ માઈલ છે. ફ્રેન્ચ નિષ્ણાતોએ બંદરના અનુકૂળ સ્થાન તથા બ્રેકવૉટર માટે તેની ભલામણ કરી હતી. અંતે મહાનદીના મુખથી દક્ષિણે અથરબંકી ખાડી ઉપર બંદર બાંધવામાં આવ્યું. બારાનું 538 મી. અને 1,217 મી. લાંબા બ્રેકવૉટરથી રક્ષણ થાય છે. 60થી 80 હજાર ટનનાં જહાજો અહીં આવે છે.
બંદરના પ્રવેશદ્વારથી લંગરસ્થાન 5.8 કિમી. દૂર છે. ચૅનલની લંબાઈ 3.1 કિમી., ઊંડાઈ 12.8 મી. અને લઘુતમ પહોળાઈ 160 મી. છે. અહીં ત્રણ બર્થ છે. 50થી 55 હજાર ટનનાં જહાજો બારામાં આવે છે. લોખંડની હેરફેર યંત્રો દ્વારા થાય છે. તે માટે 155 મી. લાંબી જેટી છે. ખાતર માટે 252 મી. લાંબી જેટી છે. દક્ષિણ તરફ ‘ક્વે’ પ્રકારનો ધક્કો 215 મી. લાંબો છે.
પીઠપ્રદેશ : પારદીપનો પીઠપ્રદેશ ખનિજો અને વન્ય સંપત્તિની સમૃદ્ધિ ધરાવે છે. ઉત્તરમાં બાલાસોરથી દક્ષિણમાં બેરહામપુર અને પૂર્વમાં તેલચેર સુધી પ્રારંભમાં પીઠપ્રદેશ હતો. રેલવે અને ધોરી માર્ગની સગવડ વધતાં ઈશાન ભાગને બાદ કરતાં સમગ્ર ઓરિસા, બિહારનો સિંગભૂમ જિલ્લો, પૂર્વ મધ્યપ્રદેશ, મનોહરપુર, બિલાસપુરનો પૂર્વપ્રદેશ અને આંધ્રપ્રદેશનો ઉત્તર ભાગ તેનો પીઠપ્રદેશ છે. ઓરિસાની કુલ વસ્તી પૈકી 73 % અને ઓરિસાનો 52,860.8 ચો.કિમી. પ્રદેશ તેનો પીઠપ્રદેશ છે. પારદીપ અગત્યનું મત્સ્ય-બંદર છે. અહીં મોટી સંખ્યામાં યાંત્રિક મછવા મચ્છી પકડવાના કામમાં રોકાયેલા છે.
પારદીપ કટક, તેલચેર, રૂરકેલા નજીકના વન્ય અને ખનિજસંપત્તિથી સમૃદ્ધ પ્રદેશ સાથે રેલવે તથા ધોરી માર્ગો દ્વારા જોડાયેલું છે.
આયાત–નિકાસ : 1970 પૂર્વે લોખંડની કાચી ધાતુ અહીંથી નિકાસ થતી હતી, તે ઉપરાંત હવે ક્રોમાઇટ, મૅંગેનીઝ, કોલસો, ચોખા, શણ, પિગ-આયર્ન, ફેરો-મૅંગેનીઝ, ફેરો-સિલિકૉનની પણ નિકાસ થાય છે; જ્યારે ગોળ, તલ અને અન્ય તેલીબિયાં વગેરેની દક્ષિણ ભારતમાંથી આયાત થાય છે. અનાજ, ખાતરનો કાચો માલ અને ખાતર, લોખંડ, સ્ટીલ, લોખંડનો ભંગાર, કોક, કોલસા, અને ઇતર વસ્તુઓની અહીં આયાત થાય છે. આ મુખ્યત્વે આયાતી બંદર છે.
કલકત્તા : કલકત્તા પૂર્વ અને ઉત્તર ભારતનું પ્રમુખ બંદર છે. હુગલીના મુખથી 129 કિમી. અને બંગાળના ઉપસાગરથી 232.47 કિમી. દૂર 22° 32´ ઉ. અ. અને 88° 18´ પૂ. રે. વચ્ચે આવેલું છે. અગ્નિ એશિયા ને પેસિફિક મહાસાગરના યુ.એસ. વગેરે દેશો સાથે વેપાર માટે તે સૌથી વધુ નજીક છે. અહીંથી સિંગાપોર 2,640 કિમી., ઑસ્ટ્રેલિયાનું ફ્રીમૅન્ટલ 5,800 કિમી. અને કોલંબો 1,968 કિમી., પારદીપ 210 કિમી., વિશાખાપટ્ટનમ્ 752 કિમી. અને ચેન્નાઈ 1,248 કિમી. દૂર છે.
ચૅનલનું પ્રવેશદ્વાર 201 મી. લાંબું છે. લઘુતમ પહોળાઈ 467 મી. અને ઊંડાઈ 6.7 મી. છે. લંગરસ્થાન પ્રવેશદ્વારથી 40 કિમી. દૂર છે. કાંપનો ભરાવો દૂર કરવા સતત ડ્રેજરનો ઉપયોગ કરવો પડે છે. સાગર ટાપુ, કાલ્પી, ડાયમંડ હાર્બર, રૉયપુર, હલ્દિયા, ઉલુબેરિયા અને ગાર્ડનરીચ એ તેનાં લંગર–સ્થાનો છે.
પીઠપ્રદેશ : પૂર્વ ઈશાન, અને ઉત્તર ભારતનાં રાજ્યો, આસામ, મેઘાલય, અરુણાચલ, મીઝોરમ, નાગાલૅન્ડ, ત્રિપુરા, મણિપુર, પશ્ચિમ બંગાળ, બિહાર, નેપાળ, ભૂતાન, ઉત્તરપ્રદેશ, સિક્કિમ અને ઓરિસાના કેટલાક ભાગ સહિત આઠ લાખ ચોકિમી.નો વિસ્તાર અને 20 કરોડની વસ્તી ધરાવતો પ્રદેશ આ બંદરનો પીઠપ્રદેશ છે. હવાઈ માર્ગે ભારત તથા દુનિયાનાં મુખ્ય શહેરો સાથે તે જોડાયેલું છે. રેલવે, રસ્તા તેમજ ગંગાનદી અને તેની શાખાઓના જળમાર્ગો દ્વારા આ રાજ્યોની ખેતીની પેદાશો, ખનિજો અને ઔદ્યોગિક પાકોનો માલ અહીં આવે છે અને તેમની અહીંથી નિકાસ થાય છે. તે જ પ્રમાણે આ પ્રદેશો માટેની આયાત માટે પણ આ બંદર ઉપયોગી થાય છે.
આયાત–નિકાસ : કલકત્તા ખાતે સિમેન્ટ, રસાયણો, વીજળીનો સામાન, ખાતર, અનાજ અને લોટ, યંત્રો, ખનિજ તેલ, પેટ્રોલિયમ, રંગ અને રસાયણો, વાર્નિશ, રબર, રેલવેનો સામાન, પાટા, ડબા, એંજિન, ઇમારતી લાકડું, મીઠું, લોખંડ, લોખંડ સિવાયની અન્ય ધાતુઓ–પોલાદ વગેરે, ચરબી, ખાદ્યતેલ અને તમાકુ આયાત થાય છે; જ્યારે મુખ્યત્વે શણ (jute) અને તેના કોથળા, ગાલીચા, અળશી, અનાજ, ચા, સિમેન્ટ, દિવેલ, રૂ, સૂતર, ખાંડ, તેલીબિયાં, લોખંડનો ભંગાર, ઘડતરનું લોખંડ, રેલવેનાં વેગનો, લોખંડની કાચી ધાતુ, ઇજનેરી સામાન. પોલાદ વગેરેની અહીંથી નિકાસ થાય છે.
સગવડો : વહાણો ઉપરાંત 1869માં સ્ટ્રેન્ડ બૅન્કના સ્થાને ચાર સ્ક્રૂ પાઇલ જેટીઓ, વરાળ-સંચાલિત સ્ટીમરો, ક્રેનો, ગોડાઉનો વગેરેની સગવડો હતી. 1870માં પૉર્ટ કમિશને બંદરનો વહીવટ સંભાળ્યો હતો. હાલ પૉર્ટ ટ્રસ્ટ છે. ચાર જેટીઓ, હાઇડ્રૉલિક ક્રેનો ઉપરાંત કીડરપોર ખાતે પ્રવાહી માલ માટેની જેટી, બજબજ ખાતે પેટ્રોલિયમ-પેદાશો માટેની જેટી, 1925માં ગાર્ડનરીચ ખાતે ચાર જેટીઓ નદી ઉપર બંધાઈ હતી. ત્યાં કોલસા માટે પણ ખાસ જેટી બંધાઈ હતી. 1928માં સુભાષ ડૉક બંધાયો હતો. કીડરપોર ડૉક ખાતે 29 બર્થ છે. સુભાષ ડૉક ખાતે 9 બર્થ છે. 1985–86માં કન્ટેનરો દ્વારા 3.97 લાખ ટન અને ’89–90માં 7.52 લાખ ટન આયાત-નિકાસ થઈ હતીં.
ઇતિહાસ : 1686માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમની વેપારી કોઠી અહીં નાખી હતી. 1690માં ઔરંગઝેબના પુત્રની સૂબાગીરી દરમિયાન ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સુતનીતિ, કાલિકાતા અને ગોવિંદપુરનાં ગામો ખરીદ્યાં અને ફૉર્ટ વિલિયમનો કિલ્લો બાંધ્યો. 1772થી 1912 સુધી તે ભારતનું પાટનગર હતું. બંગાળ અને પૂર્વ ભારતનું તે આર્થિક પાટનગર રહ્યું છે. કલકત્તામાં ડૉરિક, ગૉથિક, હેલેનિક અને મુઘલ શૈલીનાં ભવ્ય મહાલયો છે. તે ‘મહેલોના શહેર’ (City of Palaces) તરીકે ઓળખાતું હતું. 1852માં તેની વસ્તી ત્રણ લાખથી ઓછી હતી, તો 1991માં તેની વસ્તી 111 લાખ હતી.
હલ્દિયા : બંદરની ડ્રાફ્ટ અને લંબાઈની મર્યાદાને કારણે મોટી સ્ટીમરો અને ટૅન્કરો હુગલી નદીમાં કલકત્તા સુધી પ્રવેશી શકતાં ન હતાં; તેથી કલકત્તાથી હુગલીના નીચાણવાળા ભાગમાં 56.5 નૉટિકલ માઈલ દૂર 22° 2´ ઉ. અ. અને 90° 6´ પૂ. રે. ઉપર આવેલા હલ્દિયા ખાતે ધક્કા ઉપર સીધો માલ ઉતારી શકાય તેવા બારમાસી બંદરની રચના કરાઈ છે. બારાથી લંગરસ્થાન 116.7 કિમી. દૂર છે. ચૅનલની લઘુતમ ઊંડાઈ 9.14 મી. છે અને સરેરાશ પહોળાઈ 288 મી. છે. નદી ઉપર જેટી અને ડૉકની વ્યવસ્થા છે. જથ્થાબંધ પ્રવાહી માલ માટે 229 મી. લાંબી બર્થ છે. બાકીની સાત બર્થ ઉપર 10 મી. ડ્રાફ્ટવાળી સ્ટીમરો અને ટૅન્કરો આવી શકે છે. ઑઇલ-જેટી ઉપર 236.3 મી. લાંબી ટૅન્કર આવી શકે છે. હલ્દિયા અને બરુની (બંગાળ અને આસામ) રિફાઇનરીઓ માટેનું ક્રૂડ અહીંથી પાઇપલાઇન દ્વારા લઈ જવાય છે. બીજી જેટી 60 લાખ ટન ક્રૂડ શુદ્ધ કરી શકે તેવી રિફાઇનરી માટે તથા સૂકા માલ માટે છે. ત્રીજી જેટી લોખંડની કાચી ધાતુની નિકાસ કરવા માટે છે. કોલસા માટેની બર્થ ઉપર 60 હજાર ટનનાં જહાજો આવી શકે છે. ખાતર અને ગંધક, રૉક-ફૉસ્ફેટ ઉતારવા માટે અલગ જેટી છે. કન્વેયર-બેલ્ટ દ્વારા 40 હજાર ટન મીઠું ઉતારી તેનો સંગ્રહ કરવાની સગવડ છે. જનરલ કાર્ગો (માલ) માટે બે બર્થ છે. 60 એકર જમીન માલ રાખવા માટે છે. હલ્દિયા ખાતે જથ્થાબંધ માલની આયાતનિકાસ થાય છે. હલ્દિયા હાવરા-ખડ્ગપુર રેલવેના પંચકરા સ્ટેશન સાથે જોડાયેલું છે. હાવરાથી હલ્દિયા 71 કિમી. છે. કલકત્તા અને હલ્દિયાનો પીઠપ્રદેશ સમાન છે. અહીં ‘લેશ’ પ્રકારનાં જહાજો આવે છે.
આયાત–નિકાસ : કૉફી, ચા, શણ અને કોથળા, ગાલીચાના અસ્તરનું કાપડ, ઇજનેરી સામાન, મશીન-ટૂલ વગેરેની કન્ટેનરો દ્વારા નિકાસ થાય છે. લોખંડ સ્ટીલ, રસાયણો, ન્યૂઝપ્રિન્ટ, યંત્રો, ખાતર અને તેનો કાચો માલ, લોખંડ અને ભંગાર, સિમેન્ટ વગેરે અહીં આયાત થાય છે.
કન્ટેનર-સેવા : 1988–89 અને 1989-90માં અનુક્રમે 1.03 અને 2.26 લાખ ટન માલની કન્ટેનરો દ્વારા નિકાસ થઈ હતી; જ્યારે 64 અને 97 હજાર ટનની આયાત થઈ હતી. સામાન્ય માલની નિકાસ અને આયાત 2.21 અને 1.66 લાખ ટન હતી. બંદર ઉપર 10,000 કન્ટેનરો રાખવાની સગવડ છે.
રશિયા, જર્મની, ઈરાની અખાતના દેશો, યુ.કે., જાપાન, યુ.એસ., ઑસ્ટ્રેલિયા, કુવૈત, બાંગ્લાદેશ, સ્વિટ્ઝર્લૅન્ડ, અમેરિકન, આફ્રિકન અને યુરોપીય દેશો સાથે તે સંકળાયેલું રહે છે. કલકત્તા–હલ્દિયા વચ્ચે મુસાફરોની આવજા રહે છે. અહીં માત્ર સ્ટીમરોની આવજા છે.
મહારાષ્ટ્રનું રત્નાગિરિ, કર્ણાટકનું જૂનું મૅંગલોર, કારવાર, કેરળનું કાલિકટ, નિંડાકર અને એલેપ્પી, તામિલનાડુનાં નાગપટ્ટિનમ્ અને કુડ્ડાલોર અને આંધ્રપ્રદેશનું કાકીનાડા મધ્યમ કક્ષાનાં બંદરો છે.
ગુજરાતનાં બંદરો : ગુજરાતનો દરિયાકિનારો 1,600 કિમી. લાંબો છે. ખંભાતના અખાત ઉપર આવેલાં બંદરોનું મહી, સાબરમતી, નર્મદા અને તાપીના કાંપથી પુરાણ થાય છે. સૌરાષ્ટ્રનો દક્ષિણ કિનારો ખુલ્લો અને અરક્ષિત છે. કચ્છના અખાત ઉપરનાં બંદરો કાંપના ભરાવાથી લગભગ મુક્ત છે. વળી કિનારા નજીકના બેટો અને બાધક ખડકો (reeb)ને કારણે તેઓ વાવાઝોડાના ભયથી મુક્ત, વહાણવટા માટે સલામત છે.
ગુજરાતમાં કંડલા અને વાડીનારનાં પ્રમુખ બંદર સિવાય 11 મધ્યમ કક્ષાનાં અને 28 લઘુ બંદરો છે. માંડવી, નવલખી, બેડી, સિક્કા, ઓખા, પોરબંદર, વેરાવળ, મૂળ દ્વારકા, જાફરાબાદ, ભાવનગર અને મગદલ્લા મધ્યમ કક્ષાનાં બંદરો છે. હજીરા, દહેજ અને મુંદ્રા વિકસતાં બંદરો છે. અલંગ ભારતનું સ્ટીમરો ભાંગવા માટેનું સૌથી મોટું બંદર છે. 28 લઘુ અને મત્સ્ય-બંદરો છે. ટ્રાફિક ધરાવતાં કુલ 20 બંદરો છે.
માંડવી : કચ્છનું મધ્યમ કક્ષાનું અરબી સમુદ્ર ઉપર દક્ષિણ કિનારે આવેલું આ બંદર 20° 19´ ઉ. અ. અને 69° 21´ પૂ. રે. ઉપર છે. માંડવીનો અર્થ જકાતનાકું થાય છે. જૈન પ્રબંધગ્રંથોમાં તેનું ‘રિયાણપત્તન’ નામ મળે છે. કચ્છના મહારાવ ખેંગારજી–1ના શાસન દરમિયાન ઈ. સ. 1580માં તેની સ્થાપના થઈ હતી. નગરઠઠ્ઠાથી આવેલા ભાટિયા વેપારી ટોપણ શાહે તેના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. બ્રેકવૉટર દ્વારા અહીંના બારાનું રક્ષણ થાય છે. અહીંની જેટીનો વહાણો ઉપયોગ કરે છે.
પીઠપ્રદેશ : રેલવેના આગમન પૂર્વે કચ્છ, ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને સિંધનો થરપારકર જિલ્લો તેનો પીઠપ્રદેશ હતો. કચ્છ ભારત સરકારના કસ્ટમ યુનિયનમાં જોડાયું ન હોવાથી તથા આગબોટયુગના આગમનને કારણે તેમજ કરાંચીના ઉદયને કારણે અને ભારતનાં અન્ય રાજ્યો સાથે રેલવેથી જોડાયું ન હોવાથી તેનો વેપાર રૂંધાયો હતો. ઈરાની અખાતના દેશો અને પૂર્વ આફ્રિકા સાથે, તથા મલબાર ને કોંકણ સાથે તેનો થોડો વેપાર હતો.
મુખ્યત્વે અહીંથી બેન્ટોનાઇટની નિકાસ થાય છે. મીટરગેજ અને બ્રૉડગેજ રેલવેના જોડાણથી વંચિત હોઈને તેની આયાત–નિકાસ ઘટી છે જ. લખપત–મુંબઈ કોસ્ટલ હાઈવે માંડવીથી પસાર થાય છે.
નવલખી : આ બંદર કચ્છના અખાતના પૂર્વ કિનારે 22° 20´ ઉ. અ. અને 70° 20´ પૂ. રે. ઉપર આવેલું છે. 1909માં મોરબી ઠાકોર વાઘજીએ નવલખી બેટનું પુરાણ કરી તળભૂમિ સાથે તેને જોડી દીધું હતું. વરસામેઠી અને સૂઈ ખાડીના સંગમસ્થાને આ બંદર આવેલું છે. લંગરસ્થળ કિનારાથી 2.5 કિમી. દૂર છે. આ બારમાસી બંદર છે. ભરતીનું પ્રમાણ 6થી 8 મીટર છે. 1935માં 43.3 કિમી. લાંબી રેલવે-લાઇન દ્વારા તેનું મોરબી સાથે જોડાણ થયું હતું.
પીઠપ્રદેશ : મીટરગેજ રેલવે દ્વારા સૌરાષ્ટ્રનાં મુખ્ય શહેરો, ઉત્તર ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હી સુધીનો પ્રદેશ તેનો પીઠપ્રદેશ છે.
આયાત–નિકાસ : આઝાદી પૂર્વે ઉદ્યોગોના વિકાસના અભાવને કારણે તે મુખ્યત્વે આયાતી બંદર હતું. ઇમારતી લાકડું, મસાલા, સોપારી, વિલાયતી નળિયાં, સિમેન્ટ, રંગ, કાપડ વગેરેની આયાત થતી. હાલ અનાજ, ખાતર, કોલસા, ખાદ્યતેલ વગેરેની આયાત થાય છે; જ્યારે મીઠું, ખોળ, તેલીબિયાં, ચિનાઈ માટીનાં વાસણો અને ઢોરની નિકાસ થાય છે. 1988–89 અને 1989–90માં અનુક્રમે તેની આયાત-નિકાસ 2.72 અને 3.12 લાખ ટન હતી.
ખાતર, અનાજ અને કોલસાની આયાતનું પ્રમાણ ખૂબ વધ્યું છે; જ્યારે નિકાસ ઘણી ઘટી છે. નવલખી–કંડલા વચ્ચે મુસાફરોની આવ-જા માટે અહીં ફેરી-સર્વિસ હતી. ડીસા–કંડલા રેલવે-લાઇન નખાતાં તે બંધ પડી છે. અહીં 15થી 20 હજાર ટનની સ્ટીમરો લંગરસ્થાને થોભે છે. બજરા દ્વારા માલની હેરફેર થાય છે. મીઠું અને મચ્છીમારીના ઉદ્યોગનો અહીં વિકાસ થયો છે.
બેડી : તે ભૂતપૂર્વ જામનગર રાજ્યનું પ્રમુખ બંદર હતું. જામનગરથી તે 4 કિમી. દૂર છે. 1926થી 1935 દરમિયાન આ બારમાસી બંદરનો રૂ. 166 લાખનો ખર્ચ કરીને વિકાસ કર્યો હતો. ખાડી ઊંડી કરી; રેલવે નાખી તથા ટગ, બજરા, ગોડાઉનો, ક્રેનો વગેરે સગવડો વધારી તેને અદ્યતન બંદર બનાવ્યું હતું. વિરમગામની જકાતબારીને કારણે તેનો વિકાસ રૂંધાયો હતો. કિનારે ધક્કા સુધી 1,000 ટનની સ્ટીમર આવે છે. લંગર-સ્થાન 11.27 કિમી. દૂર છે. અહીં ઓટ વખતે નહિવત્ પાણી હોય છે. રોઝી ખાતે જેટી નજીક 5.5 મી. પાણી કાયમ રહે છે. પીરોટન વગેરે ટાપુઓને કારણે અહીંનું બારું સુરક્ષિત છે.
ખજૂર, કાથી, ઇમારતી લાકડું, બાંધકામનો સામાન, ખનિજ-તેલ, ઘઉં, નાળિયેર, કપાસિયાં, લોખંડ વગેરેની આયાત અને ખોળ, ચા, ઊન, શિંગદાણા, મીઠું, બૉક્સાઇટ, લસણ, ડુંગળી, એરંડા, હાડકાં, બોનમિલ, વગેરેની નિકાસ થતી હતી. પરદેશ સાથે બહોળો વેપાર હતો.
ઓખા : તે સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણે 22° 28´ ઉ. અ. અને 69° 05´ પૂ. રે. ઉપર છે. મુંબઈથી 330 નૉટિકલ માઈલ, પોરબંદરથી 74 નૉટિકલ માઈલ અને માંડવીથી તે 24 નૉટિકલ માઈલ દૂર છે. આ બારમાસી બંદરે ધક્કાને અડકીને બે સ્ટીમરો એકીસાથે થોભે છે. સમિયાણી અને શંખોદ્વાર બેટો દ્વારા બારું સુરક્ષિત છે. વધુ રક્ષણ માટે બ્રેકવૉટર છે. સયાજી પિયર ખુલ્લા બારાનું લંગરસ્થાન 2.4 કિમી. દૂર છે. અન્ય લંગરસ્થાન 4.5 કિમી. દૂર છે. મોટી સ્ટીમરો બે બોયાંવાળાં મુરિંગસ્થાન ઉપર થોભે છે. બજરા દ્વારા માલની હેરફેર થાય છે. ત્રણ નાળો (ચૅનલ) પૈકી પૂર્વ તરફની ચૅનલનો વધુ ઉપયોગ થાય છે. 1926માં આ બંદર ખુલ્લું મુકાયું હતું. વિરમગામ-ઓખા બ્રૉડગેજ રેલવે દ્વારા ભારતના અન્ય ભાગો સાથે તે જોડાયેલું છે. લખપતથી મુંબઈ સુધીનો કાંઠાનો ધોરી માર્ગ ઓખાથી પસાર થાય છે. પહેલી યોજના દરમિયાન 304.5 મી. લાંબો વ્હાર્ફ બંધાયેલ છે. આ અર્ધકુદરતી બંદર કાંપના જમાવથી મુક્ત છે.
પીઠપ્રદેશ : આઝાદી પૂર્વે વડોદરા રાજ્ય પૂરતો તેનો પીઠપ્રદેશ હતો. હાલ દિલ્હી અને કાશ્મીર સુધીનો સમગ્ર પ્રદેશ, તેનો પીઠપ્રદેશ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાનો તેમાં સમાવેશ થાય છે. દ્વારકા ખાતે સિમેન્ટનું કારખાનું અને મીઠાપુર ખાતે તાતા કેમિકલ્સનું રસાયણનું કારખાનું આવેલ છે. તેના પીઠપ્રદેશમાં ચૂનાના પથ્થરોની ખાણો છે. ઓખામંડળ સૂકો અને ઓછા વરસાદવાળો (358 મિમી.) પ્રદેશ છે. જામનગર વિસ્તારમાંથી બૉક્સાઇટ ને ચિરોડી મળે છે. ઓખા નજીક 107 કિમી. લાંબી ખંડની છાજલી માછીમારી માટે ખૂબ ઉપયોગી છે.
બેટ દ્વારકા અને ઓખા વચ્ચે ફેરી સર્વિસ છે. કાંઠાનાં બંદરો સાથે લગભગ 60થી 70 હજાર ટનની આયાત–નિકાસ થાય છે.
પોરબંદર : મધ્યમ કક્ષાનું બધી ઋતુઓમાં ખુલ્લું રહેતું આ બંદર 21° 38´ ઉ. અ. અને 69° 37´ પૂ. રે. ઉપર આવેલું છે. 2,625 મી. લાંબી અને 14 મી. પહોળી બ્રેકવૉટર દીવાલ બાંધીને જૂના બંદરથી 11 કિમી. દૂર નવું બંદર બંધાયું છે. પાણીની ઊંડાઈ 12.80 મી. છે. બ્રેકવૉટરથી અર્ધો કિમી. અને કિનારાથી બે કિમી. દૂર લંગરસ્થાન છે. અહીં 17.2 મી. ઊંડું પાણી છે. ધક્કાને અડકીને બારામાં 21,000 ટન સુધીની સ્ટીમરો આવે છે. 235 મી. લાંબી અને 13.40 મી. પહોળી જેટી ઉપરાંત વહાણો અને લાઇટરો માટે 2,128 મી. લાંબી દીવાલ (ક્વે) અને બીજા પાંચ ધક્કા લાકડું અને જથ્થાબંધ માલના ઉતરાણ માટે છે. તેનું પ્રાચીન નામ બોરડેક સીમા છે.
પીઠપ્રદેશ : જૂનાગઢ જિલ્લાનો પશ્ચિમ ભાગ, જામનગર જિલ્લાનો જામજોધપુર તાલુકો, મોરબી અને પડધરી તાલુકાઓ સિવાયનો સમગ્ર રાજકોટ જિલ્લો, સુરેન્દ્રનગરનો ચોટીલા તાલુકો, ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તેના પીઠપ્રદેશમાં આવેલ છે.
આયાત–નિકાસ : બરડાનાં મગફળી અને રૂ તેના આંતરપ્રદેશના મુખ્ય પાકો છે. રસાયણ, સિમેન્ટ, મીઠું અને મત્સ્ય-ઉદ્યોગ તથા તે માટે હોડીઓ બાંધવાનો જહાજવાડો જેવા ઉદ્યોગો અહીં વિકસ્યા છે. રાજકોટ–જેતલસર–પોરબંદર રેલવે-પરિવહન માટે ઉપયોગી છે. આઝાદી પૂર્વે વિરમગામની જકાતબારીની રુકાવટ હતી. આઝાદી પછી સિમેન્ટ, રસાયણ, કાપડની મિલ, તેલમિલો, સાબુનું કારખાનું વગેરે સ્થપાતાં ઔદ્યોગિક વિકાસ વધુ થયો છે.
ખાતર, કોક અને કોલસા, રૉક-ફૉસ્ફેટ, ખજૂર, સૂકો મેવો, પસ્તી, ભંગાર, રેક્ઝિન, રેડ ઑક્સાઇડ અને કઠોળની અહીં આયાત થાય છે. મીઠું, મચ્છી, અગ્નિ એશિયાના દેશો ખાતે તથા પોલૅન્ડ ખાતે ખોળ, બાંધકામનો સામાન, કૅલ્શિયમ કાર્બોનેટ, રસાયણો, ચૉક અને ચૂનાના પથ્થરો, અનાજ, સિમેન્ટ, તેલીબિયાં, લસણ અને ડુંગળી તેમજ બૉક્સાઇટની નિકાસ થાય છે.
વેરાવળ : જૂનાગઢ જિલ્લામાં 20° 54´ ઉ. અ. અને 70° 22´ પૂ. રે. ઉપર આવેલું મધ્યમ કક્ષાનું બ્રેકવૉટરથી સુરક્ષિત બંદર છે. બ્રેકવૉટર ખાતે 10 મી. ઊંડું પાણી છે. લંગરસ્થાન 1.5 કિમી. દૂર છે. લંગરસ્થાને એકીસાથે 15 સ્ટીમરો થોભી શકે છે. આ બંદરનું પ્રાચીન નામ ‘વેલાકુલ’ અને ગ્રીક નામ ‘સુરાષ્ટ્રીન’ છે.
આયાત–નિકાસ : આ બંદરે ઇમારતી લાકડું, ખાતર, બાંધકામનો સામાન, યંત્રો, રેયૉન પલ્પ (માવો), અનાજ, કઠોળ, કપાસિયા, કોલસા, પિગ આયર્ન વગેરેની આયાત થાય છે; જ્યારે ખોળ, કપાસ, સોડા ઍશ, સિમેન્ટ, ચૂનો અને ચૂનાના પથ્થરો, બૉક્સાઇટ, ઊન, રૂ, ઘી, માછલાં (બૂમલા) અને ડુંગળીની નિકાસ થાય છે.
જાફરાબાદ : મૂળ જંજીરાના નવાબના તાબાનું જાફરાબાદ અરબી સમુદ્રના દક્ષિણકાંઠે 20° 52´ ઉ. અ. અને 71° 22´ પૂ. રે. ઉપર આવેલું મધ્યમ કક્ષાનું બંદર છે.
જાફરાબાદનું બંદર ખાડીના અંદરના ભાગમાં હોઈ વાવાઝોડાથી મુક્ત રહે છે. નવું બંદર ખાડીના પૂર્વ કિનારે નર્મદા સિમેન્ટના કારખાના નજીક છે. 400 મી. લાંબા બ્રેકવૉટરથી તેના બારાનું રક્ષણ થાય છે. જૂના બંદરને કાંપના પુરાણની અસર થઈ છે. જાફરાબાદ ખાતે 211 મી. લાંબી આર.સી.સી.ની બાંધેલી જેટી છે. સિમેન્ટ માટેની જેટી 260 મી. લાંબી છે, જ્યારે મીઠાની નિકાસ માટેની જેટી 45.7 મી. લાંબી છે. મત્સ્ય-ઉદ્યોગ માટેની જેટી 150 મી. લાંબી છે. વહાણો માટે 30 મી.નો ઢોળાવ છે. ડ્રેજિંગ કરીને બારું ઊંડું બનાવાયું છે. લંગરસ્થાન કિનારાથી 2.5 માઈલ દૂર છે. અહીં પાણીની ઊંડાઈ 14 મી. છે. લૉન્ચ, ટગ અને બજરાની અને ગોડાઉનો વગેરેની સગવડો છે. ધક્કા સુધી 1,500થી 2,000 ટનના બજરા આવે છે.
પીઠપ્રદેશ : અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાઓ તેનો પીઠપ્રદેશ છે. જાફરાબાદ નજીકનું રેલવેસ્ટેશન ડુંગર છે. કોસ્ટલ હાઈવે તેની નજીકથી પસાર થાય છે. અમરેલી અને ભાવનગર સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા તે જોડાયું છે. નર્મદા સિમેન્ટનું કારખાનું આઠ લાખ ટન સિમેન્ટ ઉત્પન્ન કરે છે. ચૂનાના પથ્થરો તેની આસપાસના પ્રદેશમાંથી નીકળે છે. જાફરાબાદ અને ભેરાઈ ખાતે મીઠાનાં કારખાનાં છે. બૂમલા માછલી પુષ્કળ પ્રમાણમાં મળે છે. તેની અહીં સુકવણી થાય છે. તેની પરદેશ અને મુંબઈ નિકાસ થાય છે.
આયાત–નિકાસ : આ બંદરેથી માછલી, મીઠું, ચિરોડી અને સિમેન્ટની નિકાસ થાય છે; જ્યારે અનાજ, કઠોળ, કોલસા, બાંધકામનો સામાન, કપાસિયાં, લાકડું વગેરેની આયાત થાય છે.
સિમેન્ટની મગદલ્લા અને રત્નાગિરિ ખાતે નિકાસ થાય છે. મીઠું જાપાન ખાતે નિકાસ કરાતું હતું તે હાલ બંધ છે. તેની નિકાસ કર્ણાટક, કેરળ અને મુંબઈ ખાતે થાય છે. ચિરોડી મીઠાની પેટાપેદાશ છે. કોલસાની આયાત સિમેન્ટના કારખાના માટે થાય છે.
સિમેન્ટ અને મીઠાની નિકાસને કારણે તેનો ટ્રાફિક વધ્યો છે. કાંઠાનાં બંદરો સાથે તેનો મર્યાદિત વેપાર છે.
ભાવનગર : ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે કાળુભાર નદીની ખાડીના મૂળ ઉપર 21° 46´ ઉ. અ. અને 72° 13´ પૂ. રે. ઉપર આવેલું આ મધ્યમ કક્ષાનું બંદર છે. આ બારમાસી બંદરે ધક્કા સુધી નાની સ્ટીમરો આવે છે. સમુદ્રના ખાંચામાં નવું બંદર આવેલું હોઈ તે વાવાઝોડાના ભયથી મુક્ત છે. જૂનું બંદર કાંપથી પુરાઈ ગયું છે. મોટી સ્ટીમરો બંદરથી 10 કિમી. દૂરના લંગરસ્થાને થોભે છે અને ટગની મદદથી બજરા દ્વારા માલનું વહન થાય છે. નવું બંદર રૂવાની હદમાં ભાવનગરથી 10 કિમી. દૂર છે. બંદરની ચૅનલ સાંકડી હોઈ તેને 12 મી. ભરતીનો લાભ મળે છે. પાણીની સપાટી જાળવી રાખવા ‘લૉક ગેટ’ની રચના કરાઈ છે. નવા બંદરે કાયમ 10 મી. પાણી રહે છે. 1998–99માં 5.06 લાખ ટન આયાત અને 1.15 લાખ ટનની નિકાસ મળીને કુલ આયાત-નિકાસ 6.21 લાખ ટનની થઈ હતી. ભાવનગર બંદરમાં કાંપ દૂર કરવાનું કામ ખૂબ ખર્ચાળ ને મુશ્કેલ છે. કૉન્ક્રીટ જેટી, ક્વે, વ્હાર્ફ, ગોડાઉન, ટગ, લૉન્ચ, બજરા, ક્રેન તથા અન્ય આધુનિક સગવડો છે. પાઇલટ સેવા ફરજિયાત છે.
મગદલ્લા : આ બંદર તાપી નદીના મુખથી દક્ષિણે 20 કિમી. દૂર 21° 78´ ઉ. અ. અને 72° 44´ પૂ. રે. ઉપર આવેલું છે. લંગરસ્થાન ખુલ્લા સમુદ્રથી 4 કિમી. અને જેટીથી 24 કિમી. દૂર છે. કાંપ દૂર કરીને આ બારું ઊંડું કરાયું છે અને જેટી બંધાઈ છે. મોટી ભરતી વખતે લંગરસ્થાને જહાજો આવે છે.
પીઠપ્રદેશ : દક્ષિણ ગુજરાતનો ઉમરગામથી ભરૂચ સુધીનો સમગ્ર પ્રદેશ અને પશ્ચિમ ખાનદેશ તેના પીઠપ્રદેશમાં આવે છે. આર્ટસિલ્ક, કાપડ, જરી અને હીરા ઘસવાનો ઉદ્યોગ; હળવો ઇજનેરી ઉદ્યોગ; પાવરલૂમ કાપડ વગેરે ઉદ્યોગો મુખ્ય છે. અહીં જાફરાબાદથી 5થી 7 લાખ ટન સિમેન્ટ 5,000 ટનના બજરા મારફત લવાય છે. હજીરા ખાતે ખાતરનું કારખાનું થતાં યંત્રો, રૉક-ફૉસ્ફેટ, ગંધક, લોખંડની ધાતુ, ઇથિલીન ખાતર, સિમેન્ટ, બૂટેન, એલ. પી. જી., સ્ટીલ, ઘડતરનું લોખંડ, કોલસો, ચૂનાના પથ્થર, નાળિયેર, મીઠું, અનાજ, ઇમારતી લાકડું વગેરે આયાત થાય છે.
સૂરત અને વલસાડ જિલ્લામાં રસાયણ, ઇજનેરી અને હીરા ઘસવાનો ઉદ્યોગ વિકસતાં આયાત-નિકાસ વધી છે.
મૂળ દ્વારકા : આ બંદરે અંબુજા સિમેન્ટનું કારખાનું થતાં 1995–96માં કોલસાની 2,44,000 ટન આયાત થઈ હતી. 1998–99માં આ બંદરની આયાત 4,14,000 ટનની અને નિકાસ 16,56,000 ટન મળીને કુલ આયાત-નિકાસ 20,70,000 ટન હતી. ચૂનાના પથ્થરો, કોલસાની આયાત અને સિમેન્ટ તથા તેના ગઠ્ઠાની નિકાસ મુખ્યત્વે હતી.
અલંગ : અહીં 1998–99માં 30.38 ટનનાં જહાજો ભાંગવા માટે આવ્યાં હતાં. 180 પ્લૉટો છે. 30,000 માણસોને રોજી મળે છે. આ ઉદ્યોગને કારણે ઑક્સિજન પ્લાન્ટો અને ફાઉન્ડ્રીની સંખ્યામાં વધારો થયો છે. 1982-83થી અલંગ કાર્યરત છે. (જુઓ : ‘નાવભંજન’, ગુ. વિ. ખંડ 10, પૃ. 129).
દહેજ : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં 21° 40´ ઉ. અ. અને 72° 32´ પૂ. રે. ઉપર આવેલું બંદર છે. દહેજ બંદરે 10થી 12 હજાર ટનનાં જહાજો લંગરસ્થાન સુધી આવી શકે છે. જેટી, વ્હાર્ફ, ગોડાઉન વગેરેની સગવડ છે. લંગરસ્થાન જેટીથી 6.7 કિમી. દૂર છે. 1991–92માં 20,454 ટનની આયાત થઈ હતી. 1998–99માં 5,90,000 ટનની આયાત અને 49,000 ટનની નિકાસ હતી. તમાકુ, અનાજ, મગેનીઝ, ફ્લુઓસ્પારની નિકાસ અને રૉક-ફૉસ્ફેટ, ગંધક, ખાતર, યંત્રો, સિમેન્ટ વગેરેની આયાત થાય છે. ઘોઘાદહેજ વચ્ચે ફેરી-સર્વિસ થવાની શક્યતા છે.
હજીરા : તાપીના ડાબા કાંઠે આવેલું બંદર છે. 1985થી તેના વિકાસની શરૂઆત થઈ છે. અહીં કૃષકભારતીનું ખાતરનું કારખાનું, નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશન, રિલાયન્સ કંપનીનું કારખાનું અને લાર્સન ઍન્ડ ટુબ્રોનું ભારે ઇજનેરી સામાનનું કારખાનું છે. વળી એસ્સાર કંપનીનો ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ પણ અહીં છે. ઔદ્યોગિક વિકાસ થતાં આઠ લાખ ટન માલની આયાત-નિકાસની શક્યતા છે.
મુંદ્રા : કચ્છના અખાત આગળની બોખા ખાડી ઉપર મુંદ્રા શહેરથી 10 કિમી. દૂર ભૂખી અને કેવડી નદીના સંગમ ઉપર આ બંદર આવેલું છે. તેનું લંગરસ્થાન કિનારાથી 2.5 કિમી. દૂર છે. નવી નાળ ખાતે 20 મી. પાણી રહે છે. અદાણી એક્સપૉર્ટ કંપની દ્વારા ખાનગી ક્ષેત્રે જેટી બંધાઈ છે અને બીજી સગવડો ઊભી થઈ છે. વળી આ જ કંપની દ્વારા નવા બંદર ખાતે બ્રેકવૉટર બંધાયો છે. તેથી 25,000 ટનથી મોટી સ્ટીમરો અહીં હવે આવી શકે છે.
પીપાવાવ : ગુજરાતના આ સુંદર કુદરતી બંદરની ઉપેક્ષા કરાઈ છે. શિયાલ અને ભેંસલો બેટ દ્વારા રક્ષિત આ બંદર વાવાઝોડાના ભયથી મુક્ત છે. ભાવનગર રાજ્યના બાહોશ ઇજનેર સિમ્સે તે ઝોલાપુરી નદીની મોટા પટની ખાડી ઉપર બાંધ્યું હતું. 1892માં તેને પૉર્ટ વિક્ટર નામ અપાયું હતું. તે 20° 59´ ઉ. અ. અને 71° 33´ પૂ. રે. ઉપર આવેલું છે. ડુંગરથી પીપાવાવ સુધી રેલવે છે અને લખપતથી મુંબઈ સુધીનો કોસ્ટલ હાઈવે પીપાવાવ નજીકથી પસાર થાય છે.
તેનો પીઠપ્રદેશ રાજુલા, સાવરકુંડલા અને મહુવા તથા જૂનાગઢ જિલ્લાનો ઊના તાલુકો અને અમરેલીનો કોડીનાર તાલુકો છે. બાંધકામના પથ્થરો અને મીઠાની અહીંથી નિકાસ તથા ખાતર, ઇમારતી લાકડું, નળિયાં વગેરેની આયાત અહીં થાય છે.
નવાં બંદરો : મુંદ્રા, રોઝી (બેડી), પોશિત્રા (ઓખા નજીક), સીમર, પીપાવાવ, ખારી મીઠી વીરડી, ધોલેરા, દહેજ, હજીરા, વાંસી બોરસી અને મરોલી ખાતે આવેલાં બંદરો પૈકી ચાર બંદરો જાહેર ક્ષેત્ર દ્વારા અને બાકીનાં છ બંદરો ખાનગી ક્ષેત્રે વિકસાવવાની ગુજરાતના બંદર ખાતાની મુરાદ છે.
શિવપ્રસાદ રાજગોર
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ