બંગા, અજયપાલ સિંહ (જ. 10 નવેમ્બર 1959 પુણે, જિ. ખડકી, મહારાષ્ટ્ર) : વર્લ્ડ બૅન્ક સમૂહના અધ્યક્ષ.

ભારતીય મૂળના અજય બંગા વિશ્વ બૅન્કના14મા અધ્યક્ષ બન્યા છે. વિશ્વ બૅન્કના 25 સભ્યોના  કાર્યકારી બોર્ડે અજય બંગાને અધ્યક્ષના રૂપમાં પાંચ વર્ષના કાર્યકાળ માટે પસંદ કર્યા છે તેમનો કાર્યકાળ 2 જૂન  2023થી શરૂ થયો છે વિશ્વ બૅન્કની અધ્યક્ષતા કરનાર બંગા પ્રથમ ભારતીય-અમેરિકી અને અમેરિકી-શીખ સમુદાયમાંથી આવનાર પણ પ્રથમ વ્યક્તિ છે. અજય બંગા વિશ્વ બૅન્કના અધ્યક્ષ રહેલા ડેવિડ માલપાસના અનુગામી છે. વિશ્વની ટોચની નાણાકીય સંસ્થાઓ–વિશ્વ બૅન્ક અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ-આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળમાંથી કોઈ એકના વડા તરીકે અજય બંગા ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ છે

બીજા વિશ્વયુદ્ધના અંતે વિશ્વ બૅન્કની શરૂઆત થઈ ત્યારથી તેનું નેતૃત્વ એક અમેરિકન દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનું નેતૃત્વ એક યુરોપિયન દ્વારા કરવામાં આવ્યું છે . વિશ્વ બૅન્ક સમૂહની સ્થાપના બ્રેટન વુડ્સ સંમેલન દ્વારા 7  જુલાઈ 1944ના રોજ કરવામાં આવેલી. તેનું મુખ્ય મથક અમેરિકાસ્થિત વૉશિંગ્ટન ડી.સી.માં આવેલું છે 189 દેશ તેના સભ્ય છે. વિશ્વ બૅન્ક સમૂહ પાંચ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો સમૂહ છે. વિશ્વ બૅન્કે સત્તાવાર રીતે જૂન  1946માં કામગીરી શરૂ કરી હતી. આ વર્લ્ડ બૅન્કના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળનાર અજય બંગા ભારતીય મૂળની પહેલી વ્યક્તિ છે. અમેરિકી સરકારે ક્લાઈમેટ ચેન્જ જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે બંગાને વર્લ્ડ બૅન્કના વડા તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને ભારતીય મૂળના અમેરિકન શીખ બિઝનેસમૅન અજય બંગાનું નામ વર્લ્ડ બૅન્કના અધ્યક્ષ માટે સૂચવ્યું હતું.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અજય બંગાને ખૂબ પસંદ કરતા હતા. ઓબામા રાષ્ટ્રપતિ હતા ત્યારે અજય બંગાને સાયબર સિક્યૉરિટી કમિશનના સભ્ય બનાવવામાં આવ્યા હતા. 2015માં ઓબામાએ અજય બંગાને અમેરિકી રાષ્ટ્રપતિની સલાહકાર સમિતિમાં પણ સામેલ કર્યા હતા.

અજય બંગા ભારતીય મૂળના અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ છે. 2007માં અજય બંગાને અમેરિકન નાગરિકતા મળી. અજય બંગાની પત્ની રિતુ બિઝનેસ એક્ઝિક્યુટિવ છે. બંગા પરિવાર પોતાની બન્ને દીકરી જ્યોતિકા અને અદિતિ સાથે ન્યૂયૉર્કમાં રહે છે. બંગા હિન્દુસ્તાન યુનિલિવરના ભૂતપૂર્વ ચેરમેન માનવિંદર સિંહ બંગાના ભાઈ છે. મૂળ તેમનો પરિવાર પંજાબના જાલંધર જિલ્લાનો રહેવાસી હતો. માતાનું નામ જસવંત બંગા છે. પિતા હરભજન સિંહ બંગા આર્મીના સેવા નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ છે. પિતાની લશ્કરી નોકરીને કારણે વારંવાર બદલીઓ થતી. પરિણામે બંગાએ વિવિધ સ્થળે અભ્યાસ કર્યો. પ્રાથમિક શિક્ષણ સિમલામાં અને ત્યારબાદ હૈદરાબાદ પબ્લિક સ્કૂલમાં શિક્ષણ લીધું. અજય બંગા એ દિલ્હીની સેન્ટ સ્ટીફન કૉલેજમાંથી અર્થશાસ્ત્રમાં બી. એ. ઓનર્સ કર્યું. ત્યાર બાદ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મૅનેજમેન્ટ-આઇઆઇએમ, અમદાવાદમાંથી મૅનેજમેન્ટનો અભ્યાસ કર્યો.

બંગા 1981માં નેસ્લેમાં જોડાયા. અહીં તેમણે 13 વર્ષ કામ કર્યું. ત્યાર બાદ પેપ્સિકો અને સિટીગ્રૂપના એશિયા પેસિફિક સીઈઓ તરીકે તેમણે કામગીરી કરી. વર્ષ 2000થી 2002 સુધી અજય બંગાએ સિટી ફાયનાન્શિયલ અને યુએસ કન્ઝ્યૂમર એસેટ્સ ડિવિઝનનું નેતૃત્વ કર્યું. 2005થી 2008 દરમિયાન બંગા સિટીના ઇન્ટરનેશનલ ગ્લોબલ કન્ઝ્યૂમર ગ્રૂપના મુખ્ય કાર્યકારી હતા. 2008માં બંગા બૅન્કના એશિયા-પ્રશાંત વ્યવસાયના મુખ્ય કાર્યકારી બની ગયા.

વર્ષ  2010માં તેઓ માસ્ટર કાર્ડમાં જોડાયા. 11 વર્ષ સુધી માસ્ટર કાર્ડમાં પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. અજય બંગાના કાર્યકાળ દરમિયાન આવક છ ગણી વધી અને બજાર પૂંજીકરણ 30 અબજ ડોલરથી વધીને 300 અબજ ડોલર કરતાં પણ અધિક વધ્યું. આ અરસામાં પ્રતિષ્ઠિત ફોર્ચ્યુન સામયિકે 2012માં ‘પાવરફુલ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ-2012’ તરીકે અજય બંગા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. 2020માં અજય બંગાએ પર્યાવરણની સુરક્ષા અને જાળવણી માટે પ્રાઈસલેસ પ્લેનેટ કૉલિએશનના નિર્માણની ઘોષણા કરી. આ ગઠબંધન પર્યાવરણની રક્ષા કરવા કોર્પોરેટ રોકાણ કરનાર 100  ફર્મનો સમૂહ હતો. આ ગઠબંધન અંતર્ગત 100 મિલિયનવૃક્ષો-10 કરોડ વૃક્ષો વાવવા માટે માસ્ટરકાર્ડ પ્રતિજ્ઞા લેવાની રહેતી. જૂન 2018થી ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ-આઈસીસીના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત અજય બંગાની 2020માં અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી. અગાઉ તેઓ બંગા મધ્યઅમેરિકા માટે ભાગીદારીના અધ્યક્ષના સ્વરૂપમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના બાહ્ય સલાહકાર રહ્યા. દરમિયાન 31 ડિસેમ્બર 2021ના રોજ માસ્ટરકાર્ડમાંથી સેવા નિવૃત્ત થઈને 1 જાન્યુઆરી  2022થી જનરલ એટલાન્ટિકમાં ઉપાધ્યક્ષ તરીકે જોડાયા.

અજય બંગા અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

અજય બંગાને વિવિધ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. 2007માં મેરીલૅન્ડ યુનિવર્સિટી કૉલેજ વિશ્વવિદ્યાલય તરફથી ડૉકટરેટની માનદ પદવી, વ્યાપાર અને ઉદ્યોગક્ષેત્રમાં કરેલી પ્રશંસનીય કામગીરી બદલ ભારત સરકારે  2016માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. 2017માં હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર-સીઈઓની સૂચિમાં બંગાને ચાળીસમો ક્રમાંક આપ્યો, 2017માં જ ફોર્ચ્યુન પત્રિકાએ છઠ્ઠા સૌથી પ્રભાવશાળી વ્યાવસાયિક વ્યક્તિ તરીકે અજય બંગાની પસંદગી કરેલી. 2021માં સિંગાપુર સરકાર તરફથી પબ્લિક સર્વિસ સ્ટાર  2021નું સન્માન અજય બંગાને પ્રાપ્ત થયું છે.

 

ટીના દોશી