બંગાળ શૈલીની કળા : ઓગણીસમી સદીના અંતભાગમાં ઉદભવેલા બંગાળના નવજાગરણ નિમિત્તે લાધેલી કલાશૈલી. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પરંપરાગત ભારતીય કળાની દુર્દશા થવાની સાથોસાથ યુરોપિયન શૈલીની, ત્રિપરિમાણની ભ્રમણા કરાવતી વાસ્તવમૂલક ચિત્રકળા વ્યાપક બનવા લાગી. તેનું સૌથી લાક્ષણિક ઉદાહરણ રાજા રવિ વર્મા છે. આ ઉપરાંત ઇંગ્લૅન્ડની રૉયલ એકૅડેમીની ઢબે આબેહૂબ આલેખનના અભિગમ દ્વારા કળા-શિક્ષણ આપતી 4 કળા-શાળાઓ ઓગણીસમી સદીના છઠ્ઠા દાયકામાં અંગ્રેજોએ મુંબઈ, લાહોર, કલકત્તા અને ચેન્નઈ ખાતે શરૂ કરી.
આ નવી સ્થપાયેલી કળા-શાળાઓના પ્રભાવને કારણે તથા અંગ્રેજ સરકારની ઔદ્યોગિક, આર્થિક ને સાંસ્કૃતિક નીતિને પરિણામે પરંપરાગત ભારતીય કળાકારીગરી નામશેષ થવા માંડી. મેકૉલેની શિક્ષણનીતિ ભારતીય કળા ને સંસ્કૃતિ માટે વિઘાતક નીવડી. એ શિક્ષણનીતિને પરિણામે ભારતીય લોકો પણ રસ-રુચિમાં અંગ્રેજ બનવા માંડ્યા. તેમણે ભારતીય કળા-કારીગરી તરફ તુચ્છકાર કેળવ્યો.
પણ ઓગણીસમી સદીના અંતમાં બંગાળમાં જે પુનર્જાગરણ શરૂ થયું તેના પ્રભાવે અંગ્રેજ જીવનશૈલીના આંધળા અનુકરણ સામે વિરોધ થવો શરૂ થયો. આ દરમિયાન ઠાકુર ઘરાણાનો પ્રભાવ પણ વિસ્તરવા માંડ્યો હતો. 1896માં કલકત્તાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’ના આચાર્ય ઈ. બી. હૅવેલ અને અત્યંત સંવેદનશીલ ચિત્રકાર અવનીન્દ્રનાથ ઠાકુરનું મિલન આધુનિક ભારતીય ચિત્રકળા માટે ઘણું લાભકારી પુરવાર થયું. એ બંનેની મૈત્રીમાંથી બંગાળ શૈલીનો ઉદભવ થયો. હૅવેલે ‘એકૅડેમિક’ તરીકે ઓળખાતી યુરોપની વાસ્તવમૂલક નકલખોર શિક્ષણપદ્ધતિની જાહેરમાં સખત ટીકા કરી અને કલકત્તાની કળા-શાળાના શિક્ષણમાળખામાં જરૂરી ફેરફારો કરી પરંપરાગત ભારતીય કળાને પણ અભ્યાસક્રમમાં સ્થાન આપ્યું. આમ કરવા બદલ અંગ્રેજ સરકારે તેમને બરતરફ કર્યા. આમ છતાં હૅવેલે ભારતીય કળાના પરંપરાગત વલણને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું. હૅવેલ અને અવનીન્દ્રનાથનાં સમજ અને સહિયારા પુરુષાર્થ વડે વીસમી સદીના પ્રથમ દશકમાં ‘બંગાળ શૈલી’નો ઉદય થયો. તેમાં અવનીન્દ્રનાથ ઠાકુર, નંદલાલ બસુ, કે. વેંકટપ્પા, અસિતકુમાર હાલદાર, ક્ષિતીન્દ્રનાથ મજુમદાર, દેવીપ્રસાદ રાયચૌધરી અને લાહોરસ્થિત અબ્દુરરહેમાન ચુઘતાઈ મુખ્ય ગણી શકાય. આ કળાકારોએ ભારત, ચીન, તિબેટ, જાપાન, ઇન્ડોનેશિયા અને ઈરાનની પ્રાચીન અને મધ્યકાલીન કળાઓનો અભ્યાસ શરૂ કર્યો. આમાં અજંતાનાં મ્યુરલ, ભારતીય લઘુચિત્રો, તિબેટના થાન્ગ્કા-પટ, ચીનનાં નિસર્ગચિત્રો, ઈરાનનાં લઘુચિત્રો, જાપાનનાં છાપચિત્રો ઇત્યાદિનો અભ્યાસ સમાવિષ્ટ હતો. યુરોપની પરંપરાગત અને આધુનિક કળાને બાકાત રાખી વિવિધ એશિયાઈ દેશોની પરંપરાના અભ્યાસ પાછળનો હેતુ એક પૌરસ્ત્ય ઢબની કળાનું સર્જન કરવાનો હતો.
બંગાળ શૈલીના કળાકારોને આનંદ કુમારસ્વામી તથા સ્ટેલા ક્રેમરિશ જેવાં બે મહત્વનાં કલામર્મજ્ઞ તથા કળા-ઇતિહાસવિદોએ સમર્થન આપ્યું. આ ઉપરાંત બંગાળ શૈલીના પોતે કડક ટીકાકાર હોવા છતાં રવીન્દ્રનાથ ઠાકુરે પણ જરૂરી વાતાવરણ, સંસ્થા-સ્થાપના, નાણાભંડોળ અને પુસ્તકો દ્વારા બંગાળ શૈલીને પ્રોત્સાહન આપ્યું. નંદલાલ બસુને તેમણે શાંતિનિકેતનના કળાભવનના આચાર્ય નિયુક્ત કર્યા. ભારતીય મ્યુરલ અને લઘુચિત્રોની પરંપરા નવેસરથી ઊભી કરવામાં બંગાળ શૈલીના કળાકારોનું આગવું પ્રદાન છે. ભારતીય વિષયને તે પરંપરાગત ભારતીય વાતાવરણમાં રજૂ કરતા. સ્વાતંત્ર્ય પછી અબ્દુરરહેમાન ચુઘતાઈએ પાકિસ્તાનમાં બંગાળ શૈલીનાં પ્રસાર અને શિક્ષણ ચાલુ રાખ્યાં, તો ભારતમાં ચિત્રકાર બિનોદબિહારી મુખર્જી, જ્યૉર્જ કીટ અને શિલ્પકાર રામકિંકર બૈજે બંગાળ શૈલીનો પ્રાણ ધબકતો રાખ્યો.
અમિતાભ મડિયા