બંગાળી કાદંબરીકાર બંકિમચંદ્ર

January, 2000

બંગાળી કાદંબરીકાર બંકિમચંદ્ર (1961) : કન્નડ સાહિત્યના અગ્રણી વિવેચક અને બંગાળી સાહિત્યના અઠંગ અભ્યાસી એ. આર. કૃષ્ણશાસ્ત્રીએ કન્નડમાં લખેલો બંકિમચંદ્રની નવલકથાઓ વિશેનો વિવેચનગ્રંથ. તેમાં બંગાળી વિવેચકોનું ધ્યાન ન ગયું હોય એવા કેટલાક મુદ્દાઓ છે; જેમ કે, બંકિમચંદ્રની કઈ કઈ નવલકથાઓ પર પશ્ચિમની કઈ કઈ નવલકથાઓની કેવી અને કેટલી અસર છે, તે એમણે વિગતે દર્શાવ્યું છે. આ ઉપરાંત એમણે બંકિમની બહુ વખણાયેલી અને લોકપ્રિય કૃતિ ‘આનંદમઠ’ની ત્રુટિઓ તરફ અને એમાંના પ્રસંગોની અનૈતિહાસિકતા તરફ ધ્યાન ખેંચ્યું છે. વળી એમણે બંકિમચંદ્રની બંગાળી વિવેચકોએ કરેલી સમીક્ષાઓને તપાસી, એમના મૂલ્યાંકનની ખૂબીઓ તથા ખામીઓ દર્શાવી છે. કર્ણાટકની સાહિત્ય અકાદમીએ આ કૃતિને પુરસ્કાર માટે પસંદ કરી હતી.

ચન્દ્રકાન્ત મહેતા