બંગાળનો ઉપસાગર : હિન્દી મહાસાગરનું પૂર્વ તરફનું વિસ્તરણ. ભારતીય દ્વીપકલ્પના પૂર્વ ભાગમાં આવેલો ઉપસાગર. ભૌગોલિક સ્થાન : આ ઉપસાગર આશરે 5° ઉ. અ.થી 22° ઉ. અ. અને 80° પૂ. રે.થી 90° પૂ. રે. વચ્ચે પથરાયેલો છે. તેનો કુલ વિસ્તાર આશરે 21,73,000 ચોકિમી. જેટલો છે તથા તેની પહોળાઈ આશરે 1,600 કિમી. જેટલી છે. તેની સરેરાશ ઊંડાઈ 2,600 મીટર છે. જોકે વધુમાં વધુ ઊંડાઈ 4,694 મીટર નોંધાઈ છે. તેની પશ્ચિમે શ્રીલંકા અને ભારતીય દ્વીપકલ્પ, ઉત્તરે બાંગ્લાદેશ તથા પૂર્વમાં મ્યાનમાર અને મલેશિયાનો કેટલોક ભાગ આવેલા છે. દક્ષિણ તરફ તે હિન્દી મહાસાગરમાં ફેરવાય છે. હાઇડ્રોગ્રાફિક સંસ્થા દ્વારા નક્કી કર્યા મુજબ તેની દક્ષિણ સીમારેખા શ્રીલંકા, ઇન્ડોનેશિયા–સુમાત્રાના ટાપુઓને સ્પર્શે છે.

વિપુલ જળરાશિ ધરાવતી ભારત અને મ્યાનમારની મુખ્ય નદીઓ તેમનાં પાણી આ ઉપસાગરમાં ઠાલવે છે. તેમાં દક્ષિણ ભારતની કાવેરી, કૃષ્ણા, ગોદાવરી અને મહા; ઉત્તરની ગંગા અને બ્રહ્મપુત્ર તથા મ્યાનમારની ઇરાવદીનો સમાવેશ થાય છે. આ ઉપસાગરનો પશ્ચિમ કિનારો નિયમિત આકારવાળો છે, જ્યારે ઉત્તર અને પૂર્વ કિનારો અત્યંત અનિયમિત અને ખાંચાખૂંચીવાળો બની રહેલો છે.

ટાપુઓ-બંદરો : આ ઉપસાગરમાં આંદામાન-નિકોબારના ટાપુઓ તથા પૂર્વ ભાગમાં મરગુઈ દ્વીપસમૂહ આવેલા છે. કિનારા પર શ્રીલંકા, ભારત, બાંગ્લાદેશ તથા મ્યાનમારનાં ત્રિકોમાલી, કડલોર, ચેન્નઈ, વિશાખાપટનમ્, પારાદીપ, હલ્દિયા, કલકત્તા, ઢાકા, ચિતાગોંગ, આક્યાબ અને રંગૂન જેવાં બંદરો વિશેષ ઉલ્લેખનીય છે. મ્યાનમારના કિનારાથી દૂરના અંતરે ઉપસાગરમાં જ્વાળામુખીજન્ય ટાપુઓની હાર આવેલી છે.

અધ:સમુદ્રીય લક્ષણો : ઉપસાગરના ઉત્તર કિનારા હેઠળ વિશાળ ખંડીય છાજલી જોવા મળે છે. આ છાજલી નદીઓ દ્વારા ઠલવાતા વિપુલ જળરાશિના પ્રવાહ-ઘસારાથી રચાયેલાં અધોદરિયાઈ કોતરોથી ખંડિત થયેલી છે. અહીં કૃષ્ણા-ગોદાવરી કે ગંગા-બ્રહ્મપુત્રનાં કોતરો રચાયાં છે. કિનારાના નજીકના ભાગોમાં નદીજન્ય નિક્ષેપોથી પંખાકાર મેદાનો પણ બનેલાં છે, તેમાં ભારત-બાંગ્લાદેશના ત્રિકોણપ્રદેશની ગણના દુનિયાનાં પહોળાં દળદાર મેદાનોમાં થાય છે. તે પ્રદેશ ‘સુંદરવન’ તરીકે જાણીતો છે. આ ઉપરાંત સક્રિય જાવા-જ્વાળામુખીની એક સામુદ્રિક હારમાળા પણ આ ઉપસાગરમાં આવેલી છે. તેની નજીકમાં જ ‘નાઇન્ટી ઇસ્ટ’ નામની અધોદરિયાઈ પર્વતીય હારમાળા 90° પૂ. રે. પર ચાલી જાય છે. તે બંગાળના ઉપસાગર હેઠળનું અગત્યનું સમુદ્રતળ-લક્ષણ ગણાય છે. નદીઓ દ્વારા ઠલવાતા નિક્ષેપોની જમાવટ આંદામાન-નિકોબાર દ્વીપસમૂહ નજીક તથા નાઇન્ટી ઈસ્ટ હારમાળા પર થયેલી જોવા મળે છે.

બંગાળના ઉપસાગરમાં અવારનવાર ઉદભવતા ચક્રવાતી ઝંઝાવાતોથી નિર્માતું પૂરત્રસ્ત અને બેઘર લોકજીવન – એક અનુકંપાજનક ર્દશ્ય

આબોહવાત્મક લક્ષણો : નવેમ્બરથી એપ્રિલના અંત સુધી ઉત્તર તરફથી ઠંડા ખંડીય પવનોને કારણે અહીં ભારે દબાણ પ્રવર્તી રહે છે; જ્યારે જૂનથી સપ્ટેમ્બર માસ સુધી હલકા દબાણનું નિર્માણ થાય છે; પરિણામે ભારત અને બાંગ્લાદેશમાં વરસાદ પડે છે. એપ્રિલથી જૂનના ગાળામાં અહીં ચક્રવાતની પરિસ્થિતિ ઉદભવે છે. 1970માં ગંગાના મુખત્રિકોણ-વિસ્તારમાં, 1991માં બાંગ્લાદેશમાં અને 1998માં આંધ્રપ્રદેશમાં આવા ચક્રવાતનાં નિર્માણ થવાથી ખૂબ જાનહાનિ અને  પારાવાર નુકસાન થયેલું. વર્ષાઋતુની સમાપ્તિના ગાળામાં પણ ક્યારેક વિશાળ ભરતી-મોજાં સહિતના ચક્રવાત પણ ઉદભવે છે અને તારાજી કરી જાય છે. બંગાળના ઉપસાગરમાં ઉદભવતા ચક્રવાતનો સૌથી વધુ ભોગ બાંગ્લાદેશ બને છે. આથી ચક્રવાતો બાંગ્લાદેશ માટે તો ‘દિલગીરી’ સમાન ગણાય છે. આ ઉપસાગરમાં પાણીની ક્ષારતા લગભગ 33 %થી 34 % જેટલી છે. કિનારાના ભાગોમાં નવા શુદ્ધ પાણીનો ઉમેરો થતો રહેતો હોવાથી ક્ષારતાનું પ્રમાણ ત્યાં થોડું ઓછું રહે છે. એ જ રીતે કિનારાના પાણીનું તાપમાન પણ મધ્યના જળવિસ્તારો કરતાં ઓછું હોય છે. આ ઉપસાગરમાં જલપ્રદૂષણ પણ સૌથી વિશેષ થાય છે.

ઉપસાગરના કિનારાના ભાગોમાંથી ખનિજ તેલ તેમજ કેટલાંક ખનિજો શોધી કાઢવામાં આવ્યાં છે. વળી તે વિવિધ પ્રકારની મત્સ્યસંપત્તિનો વિપુલ ભંડાર પણ ધરાવે છે. આ ઉપરાંત સમુદ્રતળ પર જુદા જુદા પ્રકારની જીવસૃષ્ટિ મળી આવે છે. બીજા વિશ્વયુદ્ધ બાદ જુદા જુદા દેશો દ્વારા આ ઉપસાગરમાં સંશોધનો થયાં છે, જેમાં યુ.એસ., રશિયા અને ડેન્માર્કે વધુ રસ દાખવ્યો છે. વર્તમાન સ્થિતિસંજોગો હેઠળ સાર્ક દેશોના સહકારથી વધુ સંશોધનો હાથ પર લેવાયાં છે, જેમાં ભારતનો ફાળો વિશેષ છે.

નીતિન કોઠારી