બંગાળના ગ્રામ-આવાસો : બંગાળ અને પૂર્વીય  હિમાલયના વિસ્તારોમાં વનસ્પતિજન્ય માલસામાન તથા નદીના તટપ્રદેશોની માટીના ઉપયોગવાળાં બાંધકામની પદ્ધતિઓ. તે ઘણી જ પ્રચલિત છે. વાંસ તથા વળીના ઉપયોગની સાથે સાથે આ કુદરતી રીતે પ્રાપ્ય સામાનને લગતી કારીગીરીનો પણ ખૂબ જ વિકાસ થયેલો છે. પ્રણાલિકાગત ઘરોમાં, ગામડાંઓમાં વળી તથા વાંસના આધારો પર લાંબાં બે ઢાળિયાં છાપરાં ગોઠવી બાંધકામ કરવામાં આવતું. ઘણી વખતે વળી અને વાંસને કમાનાકાર આપવા વચ્ચોવચ આધાર આપી ઊંચકી અને તેના પર છાપરું ગોઠવવામાં આવતું. આનાથી ઘરનાં છાપરાંઓને બંને બાજુ ઢળતો સુંદર કમાનાકાર દેખાવ મળતો. આ આકાર તેની સુંદરતાને લઈને બંગાળનાં મંદિરો માટે પ્રેરણારૂપ બન્યાં. બાંકુરાનાં વિષ્ણુપુરનાં મંદિરોમાં એના નમૂના જોવા મળે છે. છેક રાજસ્થાન સુધી એ પથ્થરોનાં બાંધકામોમાં પણ કમાનાકાર પ્રભાવક રહ્યો હોવાનું નજરે પડે છે. કમાનાકારના આ બાંધકામમાં પાટડા અને પીઢિયાં માટે તાકાત જાળવવા ઘણી જગ્યાએ એનો ઉપયોગ થયેલો જોવામાં આવે છે. અલબત્ત, બંગાળના ગ્રામ-આવાસોની આ પદ્ધતિ અને તેની અસર તે જ પ્રદેશના સ્થાપત્ય પર વિશેષ વરતાય છે. બંગાળના ગ્રામ-આવાસોમાં બાંધકામની આ પદ્ધતિ અત્યંત પ્રભાવશાળી રીતે ત્યાંની પ્રકૃતિસંબંધિત રીતરસમો ધરાવતી સ્થાપત્ય-પ્રણાલી સાથે સુંદર સમન્વય સ્થાપિત કરે છે.

રવીન્દ્ર વસાવડા