ફ્લૉરેન્સ : મધ્ય ઇટાલીમાં આવેલું ઐતિહાસિક અને જોવાલાયક શહેર. નવજાગૃતિ(renaissance)ના જન્મસ્થળ તરીકે આ શહેર પ્રસિદ્ધ છે. ફ્લૉરેન્સ પ્રાંત અને ટસ્કની પ્રદેશનું તે પાટનગર છે. તે આર્નો નદીના બંને કિનારે વિકસ્યું છે.
ચિત્રો અને શિલ્પની અગણિત કૃતિઓના કોશ-સમાં ફ્લૉરિડાનાં
ઈ. પૂ. પહેલી સદીમાં રોમન લશ્કરી વસાહત તરીકે ફ્લૉરેન્સની સ્થાપના કરવામાં આવી હતી. 14મીથી 16મી સદી દરમિયાન તે શિક્ષણ, કલાઓ, વેપાર અને વાણિજ્યમાં પ્રસિદ્ધ થયું હતું. લિયૉનાર્દો દ વિન્ચી, ઍન્જેલિકો, જિયૉટો અને માઇકલૅન્જેલો જેવા મહાન કલાકારોએ ચિત્ર અને શિલ્પની કેટલીક શ્રેષ્ઠ કૃતિઓનું ફ્લૉરેન્સમાં રહીને સર્જન કર્યું હતું. બૉકાચિયો, દાન્તે અને પૅટ્રાર્ક જેવા મહાન લેખકો આ શહેરમાં રહ્યા હતા. સ્થપતિ ફિલિપો બ્રુનેલેશી અને રાજનીતિજ્ઞ મૅકિયાવેલી આ શહેરમાં જન્મ્યા હતા. ખગોળશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી ગૅલિલિયોએ તેના કેટલાક મહત્વના પ્રયોગો અહીં કર્યા હતા. આવા મહાન પુરુષોને કારણે ફ્લૉરેન્સ વિશ્વવિખ્યાત બન્યું છે.
આર્નો નદીની ઉત્તરે, જમણા કાંઠે શહેરની જાણીતી ઇમારતો આવેલી છે. સેન્ટ જૉનની બૅપ્ટિસ્ટરી, જૂના સમયનાં અનેક ચર્ચ, અનેક જૂના મહેલો તથા બગીચા અને યુફિઝી ગૅલેરી સહિત કલાનાં 40થી વધારે સંગ્રહાલયો ત્યાં આવેલાં છે. પ્રતિવર્ષ લાખો પ્રવાસીઓ ઐતિહાસિક અને ધાર્મિક ઇમારતો તથા કલાનાં સંગ્રહાલયો જોવા ફ્લૉરેન્સની મુલાકાત લે છે. તેમાંથી ઘણી આવક થાય છે. ત્યાંના કેટલાક પરંપરાગત ગૃહઉદ્યોગોમાં ચર્મઉદ્યોગ તથા ચિનાઈ માટીનાં વાસણો, રાચરચીલું, અને સોના-ચાંદીના દાગીના બનાવવાના ઉદ્યોગો વગેરેનો સમાવેશ થાય છે. સૅન્ટા ક્રૉચેના ચર્ચમાં ગૅલિલિયો, મૅકિયાવેલી માઇકલૅન્જેલો અને બીજા જાણીતા ફ્લૉરેન્સવાસીઓની કબરો આવેલી છે. ત્યાંના પ્રખ્યાત મેહિચી પરિવારના સભ્યોએ 15મીથી 18મી સદી સુધી શાસન કર્યું હતું. 1865થી 1870 સુધી તે ઇટાલીનું પાટનગર હતું.
જયકુમાર ર. શુક્લ