ફ્લોરોકાર્બન : કાર્બન સાથે ફ્લોરિન સીધો જોડાયેલો હોય તેવાં કાર્બનિક સંયોજનો. પ્રવાહી પ્રાવસ્થામાં કાર્બન ટેટ્રાક્લૉરાઇડની હાઇડ્રોજન ફ્લોરાઇડ સાથે ઍન્ટિમની ટ્રાઇફ્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી સાદાં ફ્લોરોકાર્બન મળે છે.

2CCL4 + 3HF → CCl3F + CCl2F2 + 3HCl

નીપજનું પ્રમાણ તાપમાન તથા દબાણ ઉપર આધાર રાખે છે. CCl3F મુખ્યત્વે વાયુવિલય-નોદક (aerosol propellant) તરીકે તથા CCl2F2 પ્રશીતક તરીકે વપરાય છે. આ બંને નીચાં ઉ. બિં.વાળા, વાસરહિત, બિન-જ્વલનશીલ વાયુઓ છે.

ઉચ્ચ ફ્લોરોકાર્બનો મેળવવા માટે ફ્લોરિન દ્વારા પુનરુદભવન કરાયેલા કોબાલ્ટ ફ્લોરાઇડના પડ ઉપર ઓલેફિન પસાર કરવામાં આવે છે. વધારે ફ્લોરિન ધરાવતી નીપજો બિનઝેરી હોય છે.

ક્લૉરોફૉર્મ તથા SbF3ની ઉચ્ચ તાપમાને પ્રક્રિયા દ્વારા ટેટ્રાફ્લોરોઇથિલીન (CF2CF2) બને છે. આ પ્રક્રિયામાં જો મુક્તમૂલક પ્રારંભકની હાજરી હોય તો બહુલીકરણ થઈ જાય છે. ઍરોમૅટિક મૉનૉફ્લોરોકાર્બનો બનાવવા એમાઇનનું ડાએઝોટાઇઝેશન કરી ડાએઝોલવણના હાઇડ્રોજનનું ફ્લોરિન દ્વારા વિસ્થાપન કરવામાં આવે છે. આ ઉપરાંત ક્લોરિનયુક્ત ઍરોમૅટિક સંયોજનોમાંના ક્લોરિનનું ફ્લોરિન વડે વિસ્થાપન કરીને પણ તે મેળવાય છે. એક પછી એક વધુ ફ્લોરિન ઉમેરવા ખૂબ મુશ્કેલ હોય છે. પરફ્લોરો ઍરોમૅટિક સંયોજનો સાધારણ (moderate) ક્રિયાશીલતા દર્શાવે છે.

ફ્લોરોકાર્બનના વાયુ-વિલય-નોદક (aerosol propellant) તરીકેના ઉપયોગને લીધે સમતાપમંડલ(સ્ટ્રૅટોસ્ફિયર)માંના ઓઝોન સ્તર ઉપર તેની વિપરીત અસર પડે છે અને આવા ફ્લોરોસંયોજનોના નિર્ગંધકારક, કેશફુવારા (hairsprays), અત્તરો, જંતુઘ્ન વગેરે તરીકે વાપરવા ઉપર સરકારે હવે નિષેધ ફરમાવ્યો છે. ફ્લોરોકાર્બનોનો સૌથી વધુ ઉપયોગ પ્રશીતક તરીકે થાય છે. પૉલિયુરિધેન ફોમ રબર તથા પૉલિસ્ટાઇરીન તથા પૉલિઇથિલીન ફોમ બનાવવા માટે ફ્લોરોકાર્બનો ધમનકારી (blowing agent) તરીકે વપરાય છે. ફ્લોરોબહુલકો બનાવવા માટે પણ ફ્લોરોકાર્બનો વપરાય છે.

ટેટ્રાફ્લોરોઇથિલીનનો બહુલક (PTFE) સૌપ્રથમ વ્યાપારી ધોરણે ઉત્પન્ન કરવામાં આવેલો. આ PTFE રાસાયણિક રીતે નિષ્ક્રિય પદાર્થ ચોંટે નહિ તેવો, સારો વિદ્યુતરોધક ગુણ ધરાવે છે. આ બહુલકનું પ્રચલિત તાપસુનમ્ય ટૅકનિકથી પ્રવર્ધન (processing) થઈ શકતું નથી. તેનું ફૅબ્રિકેશન (સંવિરચન) સિરામિક્સ કે રિફ્રૅક્ટરી (દુર્ગલનીય) ધાતુઓમાં જે રીતો વપરાય છે તે રીતો દ્વારા કરવામાં આવે છે.

ટેટ્રાફ્લોરોઇથિલીનની          હેક્ઝાફ્લોરો પ્રોપીન, ઇથિલીન વિનાઇલિડીન, ફ્લોરાઇડ તથા વાઇનીલ ક્લૉરાઇડ જેવાં એકલક સાથે પ્રક્રિયા દ્વારા મળતા ફ્લોરોબહુલકો PTFE કરતાં સહેલાઈથી પ્રક્રમિત(process) કરાય છે. જોકે તેમના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો PTFEને મુકાબલે નિમ્ન પ્રકારના હોય છે.

જ. પો. ત્રિવેદી