ફ્લેમિંગ, સર ઍલેક્ઝાન્ડર (જ. 6 ઑગસ્ટ 1881, લૉચફિલ્ડ, આયશૉયર, સ્કૉટલૅન્ડ; અ. 11 માર્ચ 1955, લંડન) : સ્કૉટિશ જીવાણુવિજ્ઞાની (bacteriologist). તેઓ ખેડૂતપુત્ર હતા અને સ્થાનિક ગામઠી શાળામાં પ્રારંભિક અભ્યાસ કર્યા પછી તેમને ક્લિમાર્નોક એકૅડેમી ખાતે મોકલવામાં આવ્યા હતા. તેમની 13 વર્ષની વયે તેમના પિતાનું અવસાન થવાથી તેઓ લંડનમાં પોતાના ભાઈ સાથે રહેવા ગયા. તેમના ભાઈ વ્યવસાયે તબીબ હતા. તેમણે રિર્જન્ટ સ્ટ્રીટમાં આવેલ પૉલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ખાતે 3 વર્ષ શિક્ષણ લીધું. 4 વર્ષ વહાણવટાની કચેરીમાં કામ કર્યા પછી, લંડન યુનિવર્સિટીની સેંટ મેરિઝ મેડિકલ સ્કૂલમાં દાખલ થયા. 1906માં તેમણે ‘ડિસ્ટિંક્શન’ સાથેની પાત્રતા કેળવી અને સેંટ મેરિઝના અધ્યાપક અને રુધિરરસીવિદ્યાકીય (serological) ઉપચારપદ્ધતિના અગ્રેસર સર ઍલમ્રૉથ રાઇટના હાથ નીચે સંશોધન શરૂ કર્યું. 1980માં તેમણે એમ.બી.બી.એસ.(લંડન)ની ડિગ્રી સુવર્ણચંદ્રક સાથે મેળવી; 1914 સુધી ત્યાં જ અધ્યાપક રહ્યા. વિશ્વયુદ્ધ દરમિયાન, તેમણે રૉયલ આર્મી મેડિકલ કોરમાં કૅપ્ટન તરીકે સેવા આપી; 1918માં સેંટ મેરી પાછા આવ્યા. 1928માં તેઓ સ્કૂલના પ્રોફેસર તરીકે પસંદગી પામ્યા. 1943માં રૉયલ સોસાયટીના ફેલો તરીકે પસંદ થયા. 1948માં તેઓ માનાર્હ પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા પણ ‘રાઇટ ફ્લેમિંગ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માઇક્રોબાયૉલૉજી’ના પ્રિન્સિપાલ તરીકે કાર્ય કરતા રહ્યા. આ સંસ્થા તેમના તથા તેમના નામાંકિત સાથીના માનમાં સ્થાપવામાં આવી હતી.
1928માં તેઓ સ્ટૅફિલોકૉકસ નામના જીવાણુ વિશે સંશોધનકાર્ય કરી રહ્યા હતા ત્યારે તેમને જોવા મળ્યું કે સ્ટૅફિલોકૉકસ જીવાણુઓને જે સંવર્ધનમાધ્યમ(culture medium)માં ઉછેરવામાં આવી રહ્યા હતા તેમાં ફૂગ વડે સંદૂષણ (contamination) થયું. ફૂગવાળા આ સંવર્ધન પાત્રમાં ઉછરેલા સ્ટૅફિકૉલોકોકાઇ જીવાણુઓ નાશ પામ્યા હતા. તેમણે તે સંવર્ધક માધ્યમમાંનું દ્રવ્ય બીજા સ્ટૅફિકૉલોકૉકસના સંવર્ધનપાત્રમાં ઉમેર્યું તો તેમાં પણ સ્ટૅફિકૉલોકોકાઇ નાશ પામ્યા. ફ્લેમિંગે આનું યથાર્થ તારણ એમ ઘટાવ્યું કે એ ફૂગમાં કોઈ જીવાણુનાશક પદાર્થનું નિર્માણ થયું હોવું જોઈએ. તેમણે એ ફૂગને અલગ તારવી, તેનું માંસના સૂપમાં વિશુદ્ધ રીતે સંવર્ધન કર્યું. પછી તેમણે માંસના સૂપને અલગ તારવીને જોયું કે તેમાં ઊંચા પ્રકારની જીવાણુનાશક સક્રિયતા ઉદભવી હતી. તેમણે એવું પણ નોંધ્યું કે તેનાથી અનેક રોગકારક જીવાણુઓનો નાશ થયો હતો. ફ્લેમિંગે જે ફૂગનો ઉપયોગ કર્યો હતો તે ‘પેનિસિલિયમ’નો એક પ્રકાર હતો. આથી તેમણે આ રીતે મળેલા પદાર્થને ‘પેનિસિલિન’ એવું નામ આપ્યું.
જોકે પેનિસિલિન મોટા પ્રમાણમાં છૂટું પાડવામાં તેમને સફળતા સાંપડી નહોતી, કારણ કે તે ખૂબ અસ્થાયી હતું અને તે માટે તેમની પાસે પૂરતી સુવિધા પણ ન હતી. તેમનું કાર્ય ઑસ્ટ્રેલિયાના શરીર-રોગવિજ્ઞાની, હાર્વડ ફ્લોરી તથા જર્મનીના જીવરસાયણવિજ્ઞાની અર્ન્સ્ટ ચેને આગળ ધપાવ્યું. બંને નિષ્ણાતો તે વખતે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સંશોધન કરી રહ્યા હતા અને ત્યાં તેમને પેનિસિલિનના કેટલાક નમૂના મળી રહ્યા. તેમને પેનિસિલિનનું બંધારણ સ્થિતિબદ્ધ કરવામાં સફળતા મળી. તેમણે એવું પણ તારવી કાઢ્યું કે પેનિસિલિન શરીરની પેશી (tissue) માટે તદ્દન હાનિકારક હતું અને જોઈતું પરિણામ હાંસલ કરવા માટે તે ઘણા દિવસો સુધી આપવું પડે છે, કારણ કે શરીરમાંથી બહુ ઝડપથી તેનો નિકાલ થઈ જતો હતો. બંને નિષ્ણાત વિજ્ઞાનીઓનાં સંશોધન પછી ફ્લેમિંગની પ્રારંભિક શોધનું મૂલ્ય અને તેની ગુણવત્તા સમજાયાં. માનવજાતિ માટે પેનિસિલિન એક સૌથી ઉપયોગી ઔષધ બની રહ્યું છે. પેનિસિલિનની શોધ વડે એક પ્રકારના સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન કરાતાં રસાયણોની મદદથી રોગકર્તા અન્ય સૂક્ષ્મજીવોનો નાશ કરવાની એક નવી જ ઉપચારપદ્ધતિ વિકસી. તેને પ્રતિજૈવ ચિકિત્સા (antibiotic therapy) કહેવામાં આવે છે. આ શોધ બદલ 1845ના વર્ષમાં તેમને નોબેલ પુરસ્કાર અપાયો હતો.
હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થતાં પૂર્વે તેમણે કહ્યું હતું : ‘હું જ્યાં જ્યાં જઉં છું ત્યાં લોકો તેમનાં જીવન બચાવવા બદલ મારો આભાર માને છે. શા માટે લોકો આવો ભાવ વ્યક્ત કરે છે તે હું સમજી શકતો નથી. પેનિસિલિન તો કુદરતે સર્જેલું છે. મેં તો માત્ર તે શોધી કાઢ્યું.’
મહેશ ચોક્સી