ફ્લૅશ સ્પેક્ટ્રમ : ખગ્રાસ સૂર્યગ્રહણ વખતે, જ્યારે ચંદ્રના બિંબ વડે સૂર્ય સંપૂર્ણ ઢંકાઈ જવાની છેલ્લી ક્ષણોમાં હોય ત્યારે સૂર્યના અતિ તેજસ્વી ફોટોસ્ફિયરના આવરણની ઉપર આવેલું ક્રોમોસ્ફિયરનું આવરણ થોડીક ક્ષણ માટે તામ્રરંગી પ્રકાશથી ઝળહળી ઊઠવાની ઘટના. આ ઘટના ‘ફ્લૅશ’ તરીકે ઓળખાય છે. આમ તો સામાન્યત: ફોટોસ્ફિયરના તેજને કારણે ક્રોમોસ્ફિયર જોઈ શકાતું નથી. ખગ્રાસ સૂર્યગ્રહણ પૂરું થવાના સમયે પણ ‘ફ્લૅશ’ જણાય છે. ‘ફ્લૅશ’ દરમિયાન લેવામાં આવતા વર્ણપટ(spectrum)ને ‘ફ્લૅશ સ્પેક્ટ્રમ’ કહે છે. તેની મદદથી ક્રોમોસ્ફિયરમાં આવેલા અણુઓ તથા તેમના તાપમાન અંગેનો અભ્યાસ થઈ શકે છે. વિવિધ ખગ્રાસ સૂર્યગ્રહણ દરમિયાન કરવામાં આવતા ‘ફ્લૅશ સ્પેક્ટ્રમ’ના અભ્યાસ ઉપરથી ફોટોસ્ફિયરની ઉપર આવેલા આશરે 1500 કિમી.ની જાડાઈના ક્રોમોસ્ફિયર સ્તરમાં તાપમાન અંગેની ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ છે. 1868ના દક્ષિણ ભારતમાં દેખાયેલા ખગ્રાસ ગ્રહણ દરમિયાન ફ્રેન્ચ વિજ્ઞાની જાંસાં(Janssen)એ હિલિયમ તત્વની વર્ણપટ-રેખાની શોધ કરી હતી. [પૃથ્વી ઉપર આવેલા કોઈ પણ પદાર્થના વર્ણપટની રેખા તેને મળતી આવી નહિ, તેથી આ તત્વ સૂર્યના આવરણમાં જ આવેલું હશે તેમ માની, ગ્રીક પુરાણમાં Helios = સૂર્યદેવ ઉપરથી તે તત્વનું નામ હિલિયમ આપ્યું. ત્યાર બાદ થોડાં વર્ષો પછી 26 માર્ચ 1895ના રોજ પૃથ્વી ઉપર રેડિયો-સક્રિય તત્વોની આસપાસ વિજ્ઞાની રામસેએ તે તત્વ શોધી કાઢ્યું; પરંતુ તેનું નામ હિલિયમ જ ચાલુ રાખ્યું.]
1880 પછી ફોટોગ્રાફિક પદ્ધતિનો વિકાસ થતાં 1970 સુધી ‘ફ્લૅશ સ્પેક્ટ્રમ’ સુધી ક્રોમોસ્ફિયરનો ઘનિષ્ઠ અભ્યાસ થતો રહ્યો. અવકાશયુગના આગમન સાથે અવકાશયાન-સ્થિત ઉપકરણો દ્વારા ઘનિષ્ઠ અભ્યાસ શરૂ થતાં, ‘ફ્લૅશ સ્પેક્ટ્રમ’નું મહત્વ ઘટતું ગયું છે.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ