ફ્લિશ (flysch) : સ્વિટ્ઝર્લૅન્ડની લાક્ષણિક ટર્શ્યરી રચના. આ રચના સ્વિટ્ઝર્લૅન્ડના મોટા ભાગમાં, ખાસ કરીને આલ્પ્સની ઉત્તર અને દક્ષિણ સરહદો પર જામેલી જોવા મળે છે. તે મુખ્યત્વે તો નરમ રેતીખડક, માર્લ અને રેતાળ શેલથી બનેલી છે; તેમ છતાં તેમાં મૃણ્મય ખડકો, અશુદ્ધ રેતીખડકો, ચૂનાયુક્ત શેલ, બ્રેક્સિયા અને કૉંગ્લોમરેટના સ્તરો પણ છે. સ્વિટ્ઝર્લૅન્ડના આ નિક્ષેપો દરિયાઈ ઉત્પત્તિજન્ય છે. આલ્પાઇન ગિરિનિર્માણ દરમિયાન રચાતા ગયેલા ઘસારાજન્ય નિક્ષેપોનો તો તે નિર્દેશ કરે છે અને સાથે સાથે વિકસેલી ગેડસંરચનાઓ પણ દર્શાવે છે. આ ગેડરચનાઓ ત્યારપછીની ગેડવિકાસ કક્ષાઓમાં પણ સામેલ થયેલી છે. આખુંય ખડકજૂથ ગિરિજન્ય ભૂસંચલનને સમકાલીન છે, મોલાસ (molasse) પ્રકારનું છે. (જુઓ, મોલાસ). આ નિક્ષેપોનું વય ઇયોસીન અથવા ઑલિગોસીન છે, તેમાં જીવાવશેષો જૂજ છે અથવા બિલકુલ નથી.
આલ્પાઇન ગિરિનિર્માણ સાથે સંકળાયેલા નિક્ષેપોમાં જોવા મળતા વિભાજકતાના લાક્ષણિક ગુણધર્મને કારણે આ પ્રકારનું નામ અપાયું છે. આ પર્યાય વિશેષે કરીને સ્વિટ્ઝર્લૅન્ડના નિક્ષેપો માટે જ વપરાય છે; એટલું જ નહિ, સ્વિસ ભૂસ્તરશાસ્ત્રીઓ તો અન્ય જગાઓના આ જ પ્રકારના નિક્ષેપો માટે ‘ફ્લિશ’ શબ્દ ન વાપરવાનો ચુસ્ત આગ્રહ પણ રાખે છે, તેમ છતાં બીજા દેશોમાં ઇયોસીન અથવા ઑલિગોસીન કરતાં બીજા વયના સમકક્ષ નિક્ષેપો માટે તેનો ઉપયોગ થાય છે ખરો.
ભારતની ફ્લિશ રચના : હિમાલયમાં સ્પિટીની નજીકના વિસ્તારોમાં સિક્કિમ શ્રેણી ઉપર ક્રિટેશિયસ ખડકોની જાડાઈવાળી, જીવાવશેષરહિત રેતીખડક અને રેતાળ શેલથી બનેલી શ્રેણી રહેલી છે, જેને ‘ફ્લિશ’ નામ આપવામાં આવ્યું છે. ક્રિટેશિયસ સમયની આ ફ્લિશ ટેથીઝ સમુદ્રની છીછરા બનતા જવાની અવસ્થાનો તેમજ મોટા કદવાળા તીરસ્થ શિલાચૂર્ણથી તેમાં ઝડપથી થયેલી નિક્ષેપક્રિયાનો એક વધુ પુરાવો આપે છે. આમ ફ્લિશ-નિક્ષેપ સાથે જ લાંબા કાળથી ચાલુ રહેલા એકધારા ભૂસંનતિમય સંજોગનો અંત આવે છે, અર્થાત્ ફ્લિશ-નિક્ષેપ હિમાલય-વિસ્તારના દરિયાઈ સંજોગની છેલ્લી ઘટના ગણાય છે. આ ફ્લિશ-નિક્ષેપ ક્રમશ: ભૂમિઉત્થાનનો અને દરિયાકિનારાની ઉત્તર તરફ વધુ ને વધુ પાછી હઠવાની ક્રિયાનો નિર્દેશ કરી જાય છે. ફ્લિશની સાથે સાથે હિમાલયના ખંડીય સંજોગની શરૂઆત થઈ જાય છે. આ ઘટનાનું અન્ય રીતે અર્થઘટન કરતાં કહી શકાય કે દુનિયાની ઊંચામાં ઊંચી પર્વતમાળાના ઉત્થાનનો પ્રથમ તબક્કો શરૂ થયો છે અથવા તો તેનો પ્રારંભ થવાની તૈયારી છે.
ગિરીશભાઈ પંડ્યા