ફ્લિંટ (ચકમક) : સિલિકા બંધારણ ધરાવતું સખત ખનિજ. વાસ્તવમાં તે કૅલ્સિડોનીનો જ એક પ્રકાર છે. તેનો રંગ કથ્થાઈ, ઘેરો રાખોડી કે કાળો હોય છે. અતિસૂક્ષ્મ છિદ્રો સહિત તે ક્વાર્ટ્ઝના ઝીણા સ્ફટિકોનું બનેલું હોય છે. કુદરતમાં તે મોટે ભાગે ચૉક (ખડી) કે ચૂનાખડકોમાં નાના કદના અનિયમિત ગોળાકાર, અંડાકાર ગઠ્ઠાઓ રૂપે જડાયેલું મળી આવે છે. તેનો બીજો એક પ્રકાર ચર્ટ નામથી ઓળખાય છે. ચર્ટ સામાન્ય રીતે સળંગ થરોમાં આછા રંગના નિક્ષેપો રૂપે મળે છે.

કેટલાંક ખનિજોમાં સિલિકોન અને ઑક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતાં સિલિકા (SiO2) સંયોજન બને છે. આવાં ખનિજોમાંથી પાણી દ્વારા સિલિકા ઓગળી જતાં ઓપલ જેવો દૂધિયો દેખાતો પદાર્થ તૈયાર થાય છે. આ દ્રવ્યમાંથી પાણી ગળાઈને નીકળી જતાં જે અવશિષ્ટ દ્રવ્ય રહે છે તેને ફ્લિંટ કહેવાય છે.

મોટાભાગનાં ફ્લિંટ એટલાં તો સમાંગ દાણાદાર હોય છે કે તેમને સુંવાળી, લીસી, કમાનાકાર પતરીઓમાં તોડી શકાય છે. પ્રાગૈતિહાસિક કાળમાં લોકો તેને તોડીને, ઘસીને ચપ્પાં, છરીઓ, ભાલા અને તીરનાં ફણાં જેવાં તીક્ષ્ણ ઓજારો અને હથિયારો બનાવતા. તે પછીથી લોકોએ શોધી કાઢ્યું કે ફ્લિંટને લોખંડ કે પોલાદ સાથે અફળાવવાથી તેમાંથી તણખા ઝરે છે. આ શોધ થયા પછી લોકો તેનો અગ્નિ પેદા કરવામાં ઉપયોગ કરતા થયા. સત્તરમી સદીથી ઓગણીસમી સદીના મધ્ય ભાગ સુધી તેના આ ગુણધર્મનો ઉપયોગ અગ્ન્યાસ્ત્રો બનાવવામાં થતો હતો.

ગિરીશભાઈ પંડ્યા