ફ્લાયવ્હીલ (Flywheel) : મોટરમાંથી મશીનમાં પ્રસારિત થતી શક્તિને સમતલ (smooth) કરવા માટે, ગતિ કરતા શાફ્ટની જોડે જોડેલું વજનદાર ચક્ર. એન્જિનની ગતિની વધઘટને આ ચક્ર તેના જડત્વને લઈને અવરોધે છે અને વધારાની શક્તિનો સંચય સવિરામ (intermittent) ઉપયોગ માટે કરે છે.

ગતિની વધઘટ કાર્યદક્ષતાથી સમતલ કરવા માટે, ગતિપાલ ચક્રના ગતિજ જડત્વ(rotational inertia)ની માત્રા વધુ હોય છે. તેનું મહત્તમ વજન અક્ષથી ઘણું જ ઓછું હોય છે; કેન્દ્રીય હબની જોડે, આરા(spoke)ની મદદથી વજનદાર રીમ ગતિપાલ ચક્રમાં જોડાયેલું હોય છે. આવા ચક્રના ગતિજ જડત્વની માત્રા ઘણી વધારે હોય છે. પશ્ચાગ્ર (reciprocating) એન્જિનમાં વપરાતાં ગતિપાલ ચક્ર આ પ્રકારનાં હોય છે. આ ગતિપાલ ચક્રમાં સંગ્રહ કરાતી શક્તિ તેના વજન ઉપરાંત તેની પરિભ્રમણીય (rotational) ગતિ ઉપર આધારિત હોય છે. લઘુતમ વજન અને મહત્તમ શક્તિનો સંચય કરવા માટે ગતિપાલ ચક્ર ઊંચા (high) પ્રાબલ્ય(strength)વાળા સ્ટીલમાંથી બનાવવામાં આવે છે અને આવાં ગતિપાલ ચક્રો અક્ષ આગળ વજનદાર બનાવાય છે. તે રીમ આગળ પાતળાં હોય છે. ઑટોમોબાઇલ એન્જિનમાં, સિલિંડરમાં થતા દહનથી ઉત્પન્ન થતા સ્પંદ(pulse)ને સમતલ કરવા માટે ગતિપાલ ચક્ર વપરાય છે. આ ગતિપાલ ચક્ર, દાબલ ફટકામાં પિસ્ટનને જરૂરી શક્તિ આપવા માટે પણ ઉપયોગી થાય છે. ગતિપાલ ચક્રના ગતિજ જડત્વની માત્રા જેટલી વધુ હોય તેટલી ગતિની વધઘટ ઓછી રહે છે. પાવરપ્રેસમાં કાપણની ક્રિયા થોડા ચક્ર–પ્રચાલનથી operating cycle દ્વારા થાય છે. બાકીના સમય માટે, ગતિપાલ ચક્ર શક્તિનો સંચય કરે છે અને જરૂરિયાતને વખતે શક્તિ આપે છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ