ફ્રેસ્કો (ક્રિયાપદ્ધતિ)

April, 2024

ફ્રેસ્કો (ક્રિયાપદ્ધતિ) : ભિત્તિચિત્રો માટેની ભૂમિકા તૈયાર કરવાની પદ્ધતિ. ‘વિષ્ણુધર્મોત્તર’માં એને ‘વજ્રલેપ’ કહીને તેની પૂરી રીત આપેલી છે, પરંતુ વિદ્યમાન ચિત્રો પરથી લાગે છે કે આ રીત ક્યાંય પ્રયોજાઈ નહોતી. ભૂકો કરેલાં પથ્થર, માટી અને છાણ, જેમાં ઘણી વાર ફોતરાં, વનસ્પતિના રેસા મેળવી ગોળની લાહી જેવો પદાર્થ બનાવતા, જેને ખડકની સખત અને છિદ્રાળુ સપાટી પર લેપની જેમ પૂરેપૂરો અને એકસરખી રીતે લગાવવામાં આવતો. પછી લેપને સરખો કરવામાં આવતો અને થાપીથી ચકચકિત કરવામાં આવતો ને હજી ભીનો હોય ત્યારે એના પર બારીક સફેદ ચૂનાનું અસ્તર લગાવવામાં આવતું. આ રીતે તૈયાર કરેલી ભૂમિકાને સામાન્ય રીતે કોઈ પણ રંગ લગાડતા પહેલાં સુકાવા દેવામાં આવતી. પછીથી, ચિત્રિત સપાટીને હળવી રીતે વાર્નિશ કરવામાં આવતી. પ્રાચીન કાલ અને પછીના  કાલખંડોમાંથી ભારતીય ભિત્તિચિત્રો આ પ્રમાણે શુષ્ક લેપ ભિત્તિચિત્રો છે કે નહીં કે ખરાં આર્દ્રલેક ભિતિચિત્રો. રૂપરેખાઓ પહેલાં ધાતુરાગ(લાલ ગેરુ)માં ઘાટી રીતે દોરવામાં આવતી પરિઘરેખાઓને પછી લાખ રંગથી પૂરી દેવામાં આવતી, ને એના પર ઘણો પાતળો એકરંગી લીલી માટીનો હાથ લગાવતા જેથી રાતો રંગ આરપાર દેખાય. સ્થાનિક રંગને જુદી જુદી છાયાઓમાં લગાવતા ત્યારે રૂપરેખાને બદામી, ઘેરા લાલ કે કાળારંગમાં, પાતળા કે પહોળા છાયાવરણ સાથે, નવી કરવામાં આવતી, જેથી એને પૂરા ઘડેલા ગોળ ત્રણ પરિમાણોના કદની અસર અપાતી. ભારતીય રેખાનું લક્ષ્ય સુલેખનાત્મક નાજુકાઈ નહિ, પણ ભારે અને ગોળાઈદાર રૂપક્ષમતા છે. રેખાનો ઘડતરગુણ વત્તેઓછે અંશે ઓજસ્વી છે, તો રંગનો ઘડતરગુણ એટલો જ યથાર્થ છે. રંગનો આ ગુણ રંગની છાયાઓ અને ભભકો પ્રયોજવાથી જ નહિ, પણ ખૂલતા રંગો લગાડવાથી ય કરાતો, જેનાથી નતોન્નત કે ઉચ્ચાવય (ઊંચી અને નીચી સપાટી અને ઊંડાઈ) સૂચવાતાં. આકૃતિઓ આમ પૂરાં ગોળાઈદાર અને રૂપક્ષમ કદોમાં દેખાડાતી જોવામાં આવે છે.

સત્તરમી–અઢારમી સદી દરમિયાન રાજસ્થાને ભીંતચિત્રકલાના ક્ષેત્રે ફ્રેસ્કો પદ્ધતિમાં જે ચિત્રણપદ્ધતિ વિકસાવી તેને જયપુર ટૅકનિક કહેવામાં આવે છે. રાજસ્થાનમાં સામાન્ય લોકોમાં તે મોરાકસી, આલાગીલા કે આરાયશ એ નામોથી ઓળખાય છે. આ પદ્ધતિએ બનેલા ચિત્રો દીર્ઘજીવી હોય છે. ગુજરાત અને રાજસ્થાનમાં અનેક સ્થળે જોવા મળતાં ભીંતચિત્ર મોટે ભાગે આ પદ્ધતિથી બનેલાં છે. રાજસ્થાનમાં ભીંતચિત્રકલાનાં મુખ્ય કેન્દ્ર બુંદી, કોટા, નાગૌર, જયપુર, ગલતા, જોધપુર, પુંડરીકજીની હવેલી વગેરેને ગણવામાં આવે છે.

કાપડ, કાગળ કે લાકડા પર ચિત્ર બનાવતાં પહેલાં જેમ સપાટી તૈયાર કરવામાં આવે છે તે રીતે આ પદ્ધતિમાં પણ ચિત્રાંકન માટે ભૂમિ કે સપાટી તૈયાર કરતી વખતે જોવામાં આવે છે કે દીવાલમાં ક્યાંય તિરાડ કે નુકસાન થયેલું ન હોય, દીવાલ નવી ન હોય અને જો નવી હોય તો એના બાંધકામ પછી વરસાદ, ગરમી અને ઠંડીની એકેએક ઋતુ પસાર થઈ ગયેલી હોય. એના પર જો સિમેન્ટનું પ્લાસ્ટર કરેલું હોય તો તે કરવા માટે એ દીવાલ પર પ્રથમ રેતી અને ચૂનાનું જાડું પ્લાસ્ટર કરવામાં આવે છે. ચૂનો જૂનો હોય અને એને લાંબા સમય સુધી પલાળેલો હોય અને તેની અંદરની ગરમી(જલદપણા)નો નાશ કરવા માટે ચૂનામાં ગોળ અને ખાટી છાશ     નાખવામાં આવે છે. પ્રથમ પ્લાસ્ટર થઈ ગયા પછી એના પર ‘સુધાલેપ’ નામે ખાસ પ્લાસ્ટર લગાવવામાં આવે છે. એમાં એક ભાગ ચૂનો અને ત્રણ ભાગ આરસ પથ્થરના પાઉડરનો ભૂકો અથવા શંખને બાળીને તૈયાર કરવામાં આવેલો ભૂકો – એમ મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. એમાં વધુ ચીકાશ આવે એ માટે મસૂરની દાળ કે ભાતનું ઓસામણ પણ ઉમેરવામાં આવે છે. આ મિશ્રણને પ્રથમ પ્લાસ્ટર પર લગાવવામાં (Coting) આવે છે. ત્યારબાદ લીસા પથ્થરથી ઘસીને ચિત્ર માટે સુંવાળી સપાટી તૈયાર થાય છે. એ પછી એને એક વર્ષ સુધી યથાવત રાખવામાં આવે છે. દરમિયાન અવારનવાર તેના પર પાણી છાંટવામાં આવે છે. ચિત્રકામ શરૂ કરતા પહેલાં ફરીથી આરસના બારીક ભૂકાનું બનેલું અસ્તર બે ત્રણ વાર લગાવવામાં આવે છે. અંતે એના પર લીસો પથ્થર ઘસતાં ઘસતાં એકલા ચૂનાનું અસ્તર લગાવવામાં આવે છે, આમ ત્રણ-ચાર વાર અસ્તર લગાવવામાં આવતાં સપાટી મજબૂત, મુલાયમ અને સ્નિગ્ધ બની જાય છે. ત્યારબાદ દીવાલ પર ચિત્ર દોરવાનો પ્રારંભ કરવામાં  આવે છે. એક જ બેઠકમાં ચિત્ર જેટલું તૈયાર થઈ શકે તેટલો દીવાલનો ભાગ ભીનો રાખવામાં આવે છે. પ્રથમ ચિત્રની રેખાઓ દોરી લેવામાં આવે છે. ત્યારબાદ રેખાઓ પર સોય વડે નજીક નજીક બારીક છિદ્રો પાડવામાં આવે છે. કપડાની પોટલીમાં કોલસાને કે હિરમિજી (એક પ્રકારની લાલ માટી)નો ભૂકો બાંધી એને છિદ્ર પર પાડેલી રેખાઓ પર ફેરવવાથી એ ભૂકી પુરાઈ જતાં ચિત્રની રેખાઓ ઊપસી આવે છે. પછી રંગ પૂરવાનું કામ શરૂ કરવામાં આવે છે. કુદરતી પદાર્થોમાંથી જુદા જુદા રંગ તૈયાર કરીને તેને નાળિયેરની કાચલીઓમાં ભરી લેવામાં આવે છે. જુદા જુદા રંગોના મિશ્રણથી વધુ રંગોની છાયા (શેડ) પણ તૈયાર કરી લેવામાં આવે છે. રેખાચિત્રમાં રંગ પૂરવાના કામમાં એક રંગ લઈને રંગના બે અસ્તર લગાવવામાં આવે છે. આમ બધા રંગ પૂરવાનું કામ પૂરું થઈ જતાં ચિત્રની લીસા અકીકના પથ્થરથી ઘસાઈ અને ટિપાઈ કરવામાં આવે છે. એથી રંગ એક સરખી સપાટીમાં દીવાલ સાથે બરાબર લાગી જાય છે અને એમાં ચમક આવે છે. આ ક્રિયા હલકા હાથે અને સાવચેતીપૂર્વક કરવામાં આવે છે. અન્યથા રંગ ઊખડી જવાનો ભય રહે છે. કોઈ જગ્યાએ રંગ જો ઊખડી પણ જાય તો તેટલા ભાગને ફરીથી રંગ પૂરી સરખો કરી લેવામાં આવે છે. આ પ્રમાણે ઘસાઈ અને ટિપાઈનું કામ પૂરું થયા બાદ એના પર કપડાની ગાદી હલકા હાથે ફેરવવામાં આવે છે. જો કોઈ ભાગમાં બરાબર ટિપાઈ ન થઈ હોય તો ત્યાંનો રંગ ગાદી પર ચોંટે છે. આથી એ ભાગને ફરી ઘસાઈ-ટિપાઈ કરી લેવામાં આવે છે. આ ક્રિયા પૂરી થઈ ગયા બાદ પાણીમાં ભીંજવેલા કોપરાના સફેદ ભાગને ગરમ કરીને હથેળીમાં ખૂબ મસળી ઘસવામાં આવે છે અને એ તેલ વાળી હથેળીને સમગ્ર ચિત્ર પર ફેરવવામાં આવે છે. આથી ચિત્રમાં એકદમ ચમક (glazed or luster) આવે છે. અંતમાં ફરીથી અકીકના પથ્થરથી ચિત્રને હલકા હાથે ઘસી લેવામાં આવે છે. આમ ચિત્રના રંગ વધુ સ્થાયી રીતે દીવાલ સાથે લાંબો સમય સુધી ટકી રહે છે. ત્યારબાદ બીજે દિવસે ચિત્રના બીજા ભાગમાં આ પ્રમાણે જ રંગ પૂરવાની ક્રિયા કરવામાં આવે છે. આમ થોડા દિવસોમાં સંપૂર્ણ ભીંતચિત્ર (fresco) તૈયાર થઈ જાય છે.

પ્રવીણચંદ્ર પરીખ