ફ્રેસ્કો : ઇમારતોની દીવાલ પર રંગસામગ્રીનો ઉપયોગ કરીને ચિત્રકામ કરવાની પાશ્ચાત્ય દેશોની એક શૈલી. આ શૈલી વિશ્વની સર્વ સંસ્કૃતિઓમાં પ્રચલિત છે અને આદિકાળથી મકાનોની શોભા વધારવા આ પદ્ધતિઓનો ઉપયોગ થતો આવ્યો છે. આ ચિત્રો દ્વારા લોકજીવનનાં અનેક પાસાંના વિવરણની પ્રથા અત્યંત જૂની છે. ભારતીય સંદર્ભમાં ધાર્મિક ઇમારતો તેમજ ખાનગી આવાસોમાં ભીંતચિત્રો ઘણાં જ પ્રચલિત હતાં. આમાંનાં વિશ્વવિખ્યાત ઉદાહરણો બૌદ્ધ ગુફાઓમાં જોવા મળે છે; જેમાં અજંતાનું સ્થાન સૌથી મોખરે છે. ખાનગી આવાસો, રાજમહેલો વગેરેનાં તો અગણિત ઉદાહરણો દરેક પ્રાન્તમાં જોવા મળે છે. તેમાં ભીંતચિત્રોની શૈલીઓ પ્રાંતીય વિશેષતાઓ અનુસાર વિકસેલી જોવા મળે છે. ઐતિહાસિક ઉદાહરણોમાં સમયને અનુરૂપ રંગો તથા ચિત્રપ્રથાઓ વિકસેલી, પરંતુ ભીંતચિત્રોના ઇમારત પરત્વેના ઉપયોગને કારણે રંગ વગેરે વાપરવાની કુશળતા તથા તેના મિશ્રણની કારીગીરીને લઈને સદીઓ સુધી તેની તાજગી સચવાયેલી રહી છે. તે ચિત્રોના રંગો અને પ્રકાશના સંસર્ગથી તેની તાજગીનો પ્રભાવ અપ્રતિમ લાગે છે અને આવો જ વારસો પાશ્ચાત્ય દેશોના સ્થાપત્ય સાથે પણ સંકળાયેલો રહેલો છે. તેનો વિકાસ કલાજગતના ઇતિહાસ સાથે પણ જોડાયેલ છે. ભીંતચિત્રોની કલા લોકકલા તેમજ શાસ્ત્રીય કલા રૂપે જળવાયેલ છે અને તેની વિવિધતા પણ વિશ્વસમાજની જે વિવિધતા છે તેની સાથે સંકળાયેલી રહી છે.
રવીન્દ્ર વસાવડા