ફ્રેડરિક બાર્બારૉસા (જ. આશરે 1121; અ. 1190) : જર્મનીના રાજા અને પવિત્ર રોમન સમ્રાટ. તેમના કાકા જર્મનીના રાજા કૉનરાડ ત્રીજાના અવસાન બાદ તેઓ 1152માં ગાદીએ બેઠા. તેઓ ‘ફ્રેડરિક પહેલા’ તરીકે ઓળખાય છે. 1155માં તે પવિત્ર રોમન સમ્રાટ બન્યા.

બાર્બારૉસા ફ્રેડરિક (પારંપરિક રેખાંકન)

જર્મન લોકો મહાન રાષ્ટ્રીય વીરપુરુષ તરીકે તેમની પ્રશંસા કરે છે અને તેમને માન આપે છે. જર્મનીમાં સત્તા માટેના તેમના હરીફ સૅક્સની અને બવેરિયાના ડ્યૂકને 1180માં  તેમણે હરાવ્યો. તેમણે સમગ્ર જર્મની અને પૂર્વ સ્લાવ લોકોની સીમા પર્યન્ત પોતાની સત્તા સ્થાપી. 1176માં લેગ્નાનોની લડાઈમાં ઉત્તર ઇટાલીનાં નગરોના સંઘે તેમને હરાવ્યા. 1189માં પોતાની સેના સહિત જેરૂસલેમ પુન: કબજે કરવા તે ત્રીજા ધર્મયુદ્ધમાં જોડાયા; પરંતુ એક નદી ઓળંગતાં તેઓ તેમાં ડૂબીને મરણ પામ્યા.

જયકુમાર ર. શુક્લ