ફ્રૅન્કલિન, બેન્જામિન

March, 1999

ફ્રૅન્કલિન, બેન્જામિન (જ. 17 જાન્યુઆરી 1706, બૉસ્ટન; અ. 17 એપ્રિલ 1790, ફિલાડેલ્ફિયા) : અમેરિકન મુદ્રક, પ્રકાશક, લેખક, સંશોધક, અને સ્થિત-વિદ્યુત(static electricity)નો સિદ્ધાંત આપનાર વિજ્ઞાની. ઉપનામ (તખલ્લુસ) રિચાર્ડ સૉન્ડર્સ. અમેરિકી વસાહતોને ગ્રેટ બ્રિટનથી છૂટી પાડવામાં ભાગ ભજવનાર અને સ્વતંત્રતાનું જાહેરનામું તથા યુ.એસ.નું બંધારણ ઘડવામાં સહાયક મુત્સદ્દી. મુત્સદ્દી તરીકેની કારકિર્દીની શરૂઆત કરતા પહેલાં ફ્રૅન્કલિને કેટલીક શોધો કરી હતી. જુદાં જુદાં વ્યાપારી સાહસોમાંથી થોડીક પૂંજી મેળવીને તેમણે વિદ્યુત ઉપરના પ્રયોગોમાં તે વાપરી.

સાબુ તેમજ મીણબત્તી બનાવનાર પિતાનાં સત્તર સંતાનોમાંથી ફ્રૅન્કલિન દસમું સંતાન હતા અને દસ વર્ષની વય સુધી અભ્યાસ કરી બાર વર્ષની વયે પોતાના ભાઈના મુદ્રણાલયમાં શિખાઉ (apprentice) તરીકે જોડાયા અને આ ધંધામાં પ્રથમ ફિલાડેલ્ફિયામાં અને ત્યારબાદ લંડનમાં કામ કર્યું. 1729ની આસપાસ પેન્સિલવેનિયા અને આસપાસનાં સંસ્થાનોમાં તેમણે ચલણી નોટો છાપનાર તરીકે કામ કર્યું. તે વખતે તેમણે ‘પેન્સિલવેનિયા ગૅઝેટ’ નામના દૈનિક તેમજ ‘પુઅર રિચાર્ડ્ઝ ઑલમેનૅક’ નામના પંચાંગનું પ્રકાશન શરૂ કર્યું, જેમાં તહેવારો તેમજ મહત્વના પ્રસંગોની માહિતી દર્શાવાતી, તારીખો વચ્ચેની ખાલી જગ્યામાં ઉદ્યમ તથા ડહાપણની પ્રશંસા કરતી શિખામણો છાપવામાં આવતી હતી. તેમની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા માટે તેમણે એક અગ્નિશામક વિભાગ, લેવડ-દેવડ પુસ્તકાલય (lending library) તથા એક અકાદમીની સ્થાપના કરી; જે પાછળથી પેન્સિલવેનિયાના યુનિવર્સિટીમાં પરિણમી. પોતાની જાતને વિજ્ઞાન પ્રતિ સમર્પિત કરવા માટે તેમણે 1748માં પોતાનાં પ્રકાશનોનું કામ છોડ્યું; પરંતુ 1753માં ઉત્તર વિભાગનાં બધાં જ સંસ્થાનોના ‘ડેપ્યુટી પોસ્ટ માસ્ટર જનરલ’ તરીકે નિમાયા.

બેન્જામિન ફ્રૅન્કલિન

ચાલીસેક વર્ષની ઉંમરે (1746) તેમણે વિદ્યુતમાં રસ લેવા માંડ્યો. તે સમયે વિદ્યુતના ખેલો ફક્ત મનોરંજન પૂરું પાડતા અને તે ભેજવાળી હવા કરતાં, ફિલાડેલ્ફિયાની સૂકી હવામાં વારંવાર પ્રદર્શિત કરી શકાતા. ફ્રૅન્કલિનના પ્રયોગો અને તેમના ખ્યાલોએ વિદ્યુતના આ ખેલોને વિજ્ઞાનમાં રૂપાંતરિત કર્યા. તેથી વિજ્ઞાની તરીકે તેમને ખ્યાતિ મળી અને શુદ્ધ સંશોધનના પ્રાયોગિક ઉપયોગો પણ હોઈ શકે છે તે સંભવત: પ્રથમ વાર તેમના કારણે જોવા મળ્યું.

ફ્રૅન્કલિને સૂચવ્યું કે સૂક્ષ્મ કણો(ઇલેક્ટ્રૉન)ના બનેલા વિદ્યુત તરલ(fluid)ની ગતિ કે તેના સ્થાનાંતરને કારણે વૈદ્યુત અસરો ઉદભવે છે. આ તરલ પદાર્થોમાં (ધાતુઓમાં પણ) તે અસર જોવા મળે છે. તરલમાંના ઇલેક્ટ્રૉન એકબીજાને અપાકર્ષે છે. તથા બીજા સામાન્ય પદાર્થના કણો વડે આકર્ષતા પણ હોય છે. આ સિદ્ધાંત અનુસાર વૈદ્યુત તરલ પ્રાપ્ત કરેલું અથવા ગુમાવેલું હોય તે પદાર્થને વિદ્યુતભારિત પદાર્થ કહે છે. ફ્રૅન્કલિનના મત અનુસાર તે ધનાત્મક કે ઋણાત્મક (‘પ્લસ’ કે ‘માયનસ’) અવસ્થામાં હોય છે. ‘એકલ તરલ’ના આવા ખ્યાલ સાથે વિદ્યુતભારના સંરક્ષણ(conservation of charges)નો સિદ્ધાંત સંકળાયેલો હતો. કોઈ પદાર્થ વડે ગુમાવાતો વિદ્યુતભાર બીજા પદાર્થો વડે મેળવાતો હોય છે, જેથી ‘ધન’ અને ‘ઋણ’ વિદ્યુતભારો ઉદભવતા હોય છે. અથવા તેઓ સમક્ષણિક (simultaneously) સરખી માત્રામાં યુગપદ્ ઉદભવીને એકબીજાને શિથિલ (neutralise) કરતા હોય છે. ફ્રૅન્કલિનના તર્કમાં થોડીક ઊણપો હતી. તેમ છતાં તેમાં તેણે પ્રયોગો કરવાનું ચાલુ રાખ્યું અને વીજરોધન (insulation) અને ભૂસંપર્ક (grounding) ઉપર કાર્ય શરૂ કર્યું. અંધકારમાં રહેલા વિદ્યુતભારિત પદાર્થોની આસપાસ ઉદભવતી દીપ્તિ(glow)નું તેમણે પરીક્ષણ કર્યું અને કદાચિત્ આને લઈને તેમના એક મિત્રે દર્શાવ્યું હશે કે ભૂસંપર્ક પામેલો (grounded) અણીદાર છેડો તેની નજીકમાં આવેલા વિદ્યુતભારિત પદાર્થમાંથી સરળતાથી વિદ્યુતભારને બહાર ખેંચી લાવી શકતો હતો. આ ઘટના ફ્રૅન્કલિનને એવું માનવા પ્રતિ દોરી ગઈ કે, બીજાઓએ સૂચવ્યું હતું તે મુજબ, વાદળો વિદ્યુતભારિત છે તેમ સાબિત કરવું શક્ય બની શકે. વળી એવા સૂચન તરફ પણ તે દોરી ગઈ કે શું આવા અણીદાર સળિયા, વાદળ તેમની ખૂબ નજીક આવી પહોંચે તે પહેલાં તેમાંની વૈદ્યુત આગ(electrical fire)ને બહુ શાંતિપૂર્વક બહાર ખેંચી લાવીને એકાએક ઉદભવતા ભયંકર તોફાનથી આપણને સુરક્ષિત રાખી શકે ? 1750માં તેમણે એક પ્રયોગનું આયોજન કર્યું, જેમાં નવા બંધાઈ રહેલા એક ખ્રિસ્તી દેવળના અણીદાર મિનાર(steeple)ના મધ્યભાગમાં રાખેલા ડબ્બામાંથી એક ધાતુનો સળિયો પસાર કરવાનો હતો; પરંતુ દેવળના બાંધકામની ઢીલના કારણે સળિયાને બદલે પતંગનો ઉપયોગ કરીને પ્રયોગ કરવાનું વિચાર્યું અને શોધ કરી કે પતંગની ભેજવાળી દોરી ગર્જતા વાદળ(thundering cloud)માંથી, સાચે જ વિદ્યુત વહન કરતી હતી અને તેની સાથે જોડેલા એક મોટા સંગ્રાહક(capacitor)ને વિદ્યુતભારિત કરતી હતી. આમ ગર્જતા વાદળની વૈદ્યુત પ્રકૃતિ સાબિત થઈ અને વાદળ વીજવાહકો (electrical conductors)નો બહોળો વપરાશ થવા લાગ્યો. આનાથી ફ્રૅન્કલિનને તો પ્રસિદ્ધિ મળી, પરંતુ આવા પ્રયોગ કરનાર અન્ય વ્યક્તિઓને તો તેમની અણઆવડતને કારણે પોતાના જાન પણ ગુમાવવા પડ્યા.

ઘણાંબધાં વર્ષો સુધી (1757–75) અમેરિકી વસાહતોનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખીને તેમણે લંડનમાં જ વસવાટ કર્યો અને વધતા જતા સંઘર્ષને ખાળવાનો પ્રયત્ન કર્યો. તેમના પ્રયત્ન છતાં લડાઈ શરૂ થઈ ત્યારે તેઓ ક્રાંતિના એક સક્રિય સમર્થક બન્યા. સ્વતંત્રતાનું જાહેરનામું ઘડનાર પાંચ વ્યક્તિઓમાંના તેઓ એક હતા. તે જ વર્ષે એલચી તરીકે તેઓ ફ્રાન્સ ગયા અને મહદંશે વિજ્ઞાની તરીકેની તેમની ખ્યાતિ તથા લોકપ્રિયતાના કારણે 1778માં રાષ્ટ્રીય મિત્રતા (alliance) હાંસલ કરી. ત્યારબાદ આંગ્લપ્રેમી (anglophile) હોવા છતાં અમેરિકી રાજકારણમાં સક્રિય રહેવાનું ચાલુ રાખ્યું. ભૌતિકશાસ્ત્રના તેમના કાર્યથી તેમને આનંદ થતો હતો; પરંતુ તેમનો અભિગમ હંમેશાં તેના પ્રાયોગિક ઉપયોગ પ્રતિ રહેતો હતો. ગરમ કરવા માટે નીચેથી પ્રાપ્ત થતી હવાના સક્ષમ પુરવઠાવાળા ફ્રૅન્કલિન સ્ટવની રચના તેમણે કરી. દૂરનું તેમજ નજીકનું જોવા માટેનાં સંયુક્ત એવાં ‘બાઇફોકલ’ ચશ્માંની શોધ કરી તેમજ તેનો ઉપયોગ કર્યો. યાંત્રિક કારખાનામાં પાણીની બનાવટી નીક (flume) બનાવી, જહાજોની પ્રતિકૃતિ(models)ની મદદથી તેમની ચકાસણી કરી. અખાતી પ્રવાહ (gulf stream) ઉપરનું તેમનું કાર્ય મહાસાગરશાસ્ત્ર(oceanography)ના અભ્યાસ અંગે તેમનું પ્રથમ સાહસ હતું. પાણીની જુદી જુદી ઊંડાઈએ તાપમાન તેમજ તેના વેગ અંગે જહાજના કપ્તાને રાખેલી નોંધ ઉપરથી અખાતી પ્રવાહના નકશા તૈયાર કરી હવામાન ઉપર થતી તેમની અસરનો અભ્યાસ કર્યો.

1780માં વિજ્ઞાની ચાર્લ્સે બનાવેલાં સૌપ્રથમ હાઇડ્રોજન વાયુ ભરેલાં બલૂનોના ફ્રાન્સના દક્ષિણકાંઠે આવેલા માર્સેઇલ્સના બંદરેથી કરેલા ઉડ્ડયન વખતે ફ્રૅન્કલિને પ્રત્યક્ષ હાજર રહીને વાતાવરણના અભ્યાસ તથા હવાઈ મુસાફરી માટે રહેલી શક્યતાઓ પ્રતિ ચાર્લ્સને પ્રોત્સાહિત કર્યા હતા.

હવાઈ યુદ્ધ વિશે પણ તેમણે આગાહી કરી હતી. ‘એક્સપેરિમેન્ટ્સ ઍન્ડ ઑબ્ઝર્વેશન્સ ઑન ઇલેક્ટ્રિસિટી, મેઇડ ઍટ ફિલાડેલ્ફિયા ઇન અમેરિકા’ (1751) નામના તેમના પુસ્તકે નવા વિજ્ઞાનનો પાયો નાંખ્યો; તેટલું જ નહિ, પરંતુ વિજ્ઞાની પ્રિસ્ટલીને વિજ્ઞાનમાં રસ લેતા કર્યા, જેના ફળસ્વરૂપે રસાયણશાસ્ત્રમાં અતિમહત્વનાં (momentous) પરિણામો પાછળથી ઉપલબ્ધ થયાં.

એરચ મા. બલસારા