ફ્રિશ, કાર્લ ફૉન (જ. 20 નવેમ્બર 1886, વિયેના; અ. 12 જૂન 1982, મ્યૂનિક) : નિષ્ણાત પ્રાણીશાસ્ત્રી. તેમણે મધમાખીઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપ-લે કરવા આદરેલા અભ્યાસને પરિણામે જંતુઓના રસાયનસંબંધી તેમજ ર્દષ્ટિને લગતા સંદેશગ્રાહકો – સંદેશવાહકો(sensors)ના ક્ષેત્રની જાણકારી વિશે પ્રશસ્ય યોગદાન થયું. શરીરરચનાવિજ્ઞાન કે ઔષધવિજ્ઞાનના ક્ષેત્રે તેમને (કૉનરૅડ લૉરેન્ઝ તથા નિકોલસ ટિંબરજનના સહયોગમાં) 1973નો નોબેલ પુરસ્કાર અપાયો.

તેમણે 1910માં મ્યૂનિક યુનિવર્સિટીમાંથી પીએચ.ડીની ડિગ્રી મેળવી. 1921માં તે જર્મનીની રૉસ્ટૉક યુનિવર્સિટીના ‘ઝૂઓલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ’ના ડાયરેક્ટર નિમાયા. પાછળથી બ્રેસ્લૉ યુનિવર્સિટી ખાતે એવી જ સમકક્ષ જગ્યાએ નિમણૂક સ્વીકારી. 1925માં તે મ્યૂનિક યુનિવર્સિટી ખાતે પાછા ફર્યા અને ત્યાં ઝૂઓલૉજિક ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ સંસ્થાનો નાશ થયો હતો. તેથી તે ઑસ્ટ્રિયામાં ગ્રૅઝ યુનિવર્સિટીમાં જોડાયા, પરંતુ 1950માં ફરીથી મ્યૂનિક પાછા ફર્યા અને 1958માં નિવૃત્ત થયા ત્યાં સુધી તે ત્યાં જ રહ્યા.

તેમણે આરંભેલા સંશોધન-અભ્યાસને પરિણામે માછલીઓ રંગ તેમજ તેજસ્વિતાના તફાવત પારખી શકે છે એ હકીકત સાબિત થઈ. તેમણે એવું પણ પ્રતિપાદિત કર્યું કે માછલીઓની ધ્વનિગ્રાહિતા તથા અવાજની ભિન્નતા વિશેની પરખશક્તિ માનવો કરતાં વધારે ચઢિયાતી હોય છે.

તેઓ સૌથી વધારે ખ્યાતિ મધમાખીઓના સંશોધન-અભ્યાસને કારણે પામ્યા છે. 1919માં તેમણે એ હકીકતનું નિદર્શન કરી બતાવ્યું કે મધમાખીઓને વિવિધ સ્વાદો તથા ગંધના તફાવત પારખવા અંગેની તાલીમ આપી શકાય છે. તેમની સ્વાદેન્દ્રિય બહુ વિકસેલી ન હતી, તે પણ તેમણે શોધી બતાવ્યું. મધમાખીઓ ખોરાક ક્યાંથી મળી શકે તેમ છે તે સ્થળના અંતર અને દિશા અંગે મધપૂડાની બીજી મધમાખીઓને બે પ્રકારના લયબદ્ધ હલનચલન દ્વારા જાણ કરે છે, એવું પણ તેમણે શોધી કાઢ્યું. ગોળાકાર નૃત્ય દ્વારા તે એવું સૂચવે છે કે ખોરાકની સુલભતા મધપૂડાથી 75 મી.ના અંતરમાં જ છે. જ્યારે આમ તેમ હાલતાં-હાલતાં નૃત્ય કરે તેનો અર્થ એ કે ખોરાક બહુ દૂરના અંતરે સુલભ છે.

1949માં તેમણે એ પણ પ્રતિપાદિત કર્યું કે મધમાખીઓ સૂર્યના ધ્રુવીકરણ થયેલા પ્રકાશની જાણકારીનો દિશાદર્શક તરીકે ઉપયોગ કરે છે. સૂર્યપ્રકાશ ન હોય ત્યારે પણ તેઓ દિશાદર્શનની આ પદ્ધતિનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે આકાશમાં જુદા જુદા સમયે પ્રવર્તતી ધ્રુવીકરણની જુદી જુદી ઢબ તે યાદ રાખી લેતી હોય છે તથા જુદાં જુદાં સીમાસ્થાનોની પરિચિતતા તેમણે કેળવી લીધી હોય છે.

મહેશ ચોક્સી