ફ્યૂઝલ ઑઇલ : એમાઇલ આલ્કોહૉલયુક્ત બાષ્પશીલ તૈલમિશ્રણ. અગાઉ તેને ગ્રેઇન ઑઇલ, પૉટેટો ઑઇલ, એમાઇલ આલ્કોહોલ વગેરે નામો આપવામાં આવતાં. આલ્કોહૉલીય આથવણ દરમિયાન તે થોડા પ્રમાણમાં મળે છે.

ફ્યૂઝલ ઑઇલના મુખ્ય ઘટકો આઇસોએમાઇલ આલ્કોહૉલ તથા 2–મિથાઇલ–1–બ્યૂટેનૉલ હોય છે. આ મિશ્રણમાંથી ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યૂટાઇલ, હેક્ઝાઇલ તથા હેપ્ટાઇલ આલ્કોહોલ પણ અલગ પાડી શકાયાં છે. વળી તેમાં ઍસિડ, એસ્ટર્સ, આલ્ડિહાઇડ્સ પણ હોય છે; પરંતુ તેમાં સાદો પ્રાથમિક એમાઇલ આલ્કોહૉલ (1–પેન્ટેનૉલ) હોતો નથી. તે દહનશીલ તથા શ્વાસમાં કે પેટમાં જવાથી વિષાળુ અસર દર્શાવે છે.

ચરબી, તેલ, ઔષધો, નાઇટ્રોસેલ્યુલોઝ, પ્લાસ્ટિક્સ, સંશ્લેષિત રબર, વાર્નિશ, લેકર (લાખ), રેઝિન તથા મીણ માટે તે દ્રાવક તરીકે વપરાય છે. અત્તર ઉદ્યોગમાં પણ તે અંશત: વપરાય છે. સ્ફોટક દ્રવ્યો બનાવવા માટે તેનો જિલેટિનકારક (જિલેટિન સરેશ) તરીકે ઉપયોગ થાય છે.

જ. પો. ત્રિવેદી