ફ્યુમેરિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તે 19 પ્રજાતિઓ અને લગભગ 425 જાતિઓ ધરાવે છે અને મૂળભૂત રીતે સમશીતોષ્ણ યુરેશિયામાં અને મોટેભાગે જૂની દુનિયાના દેશોમાં થાય છે. દક્ષિણ આફ્રિકામાં ચાર પ્રજાતિઓ થાય છે. Adlumia એકલપ્રરૂપ (monotypic) પ્રજાતિ છે. તે ત્રિપીંછાકાર સંયુક્ત પર્ણો ધરાવતી દ્વિવર્ષાયુ (biennial) વેલ છે. Dicentra (Bicuculla) ઉત્તર સમશીતોષ્ણ અને દક્ષિણ આફ્રિકામાં થાય છે અને લગભગ 300 જેટલી જાતિઓ ધરાવે છે. Corydalis 10 સ્થાનિક જાતિઓ સાથે બહોળું વિતરણ ધરાવતી પ્રજાતિ છે. Fumaria (50 જાતિઓ) અને Rupicapnos (30 જાતિઓ) મૂળે ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશોમાં થાય છે. F. indica (Haussk) Pugsley (પિત પાપડો) ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અપતૃણ તરીકે થાય છે. Dacty licapnos (8 જાતિઓ) ઍશિયાઈ પ્રજાતિ છે.

ફ્યુમેરિયેસી (Dicentra spectabilis) : અ. પુષ્પીય શાખા; આ. વજ્રરહિત પુષ્પ (અં. દ. = અંત:દલપત્ર, બી. = બીજાશય, બા. દ. = બાહ્ય દલપત્ર, વ = વજ્રપત્ર, પું = પુંકેસર, પ. = પરાગાસન);  ઇ. = વજ્રસહિતની પુષ્પકલિકા; ઈ. પુષ્પ, જેમાંથી એક બાહ્ય દલપત્ર કાઢી લેવામાં આવ્યું છે; ઉ. સ્ત્રીકેસરચક્રનો લંબવર્તી છેદ; ઊ. બીજાશયનો આડો છેદ; ઋ. ત્રણ જોડાયેલાં પુંકેસરો; એ. પુંકેસરો – દૂરના છેડેથી; ઐ. પરાગાશયો.

આ કુળની મોટાભાગની જાતિઓ શાકીય હોય છે અને પાણી જેવો રસ ધરાવે છે; કેટલીક જાતિઓ કઠલતાઓ (lianas) હોય છે. પર્ણો અતિવિભાજિત કે છેદન પામેલાં, એકાંતરિક, ભાગ્યે જ ઉપસમ્મુખ (subopposite) અને તલસ્થ ગુચ્છ(rosette)માં અથવા સ્તંભિક (cauline) હોય છે. પુષ્પવિન્યાસ અપરિમિત (racemose) પ્રકારનો જોવા મળે છે. પુષ્પ એકવ્યાસસંમિત (zygomorphic), દ્વિલિંગી અને અધોજાય (hypogynous) હોય છે. વજ્રપત્રો-2, નાનાં અને શીઘ્રપાતી (caducous) હોય છે. દલપત્રો-4, દ્વિચક્રીય અને કેટલીક વાર તલસ્થ ભાગોથી જોડાયેલાં હોય છે. એક (Corydalis) અથવા બંને બાહ્ય દલપત્રો તલસ્થ ભાગેથી પુટાકાર (saccate) અથવા દલપુટયુક્ત (spurred) હોય છે. અંદરનાં દલપત્રો વધારે સાંકડાં હોય છે અને પરાગાશયો ઉપર કલગીની જેમ જોડાયેલાં હોય છે. પુંકેસરચક્ર 6 પુંકેસરો ધરાવે છે અને સ્ત્રીકેસરચક્રની પ્રત્યેક બાજુએ ત્રણ પુંકેસરો ગોઠવાયેલાં હોય છે. પુંકેસરચક્રના તલપ્રદેશે એક અથવા બે મધુગ્રંથિઓ (nectar glands) આવેલી હોય છે. બીજાશય દ્વિયુક્તસ્ત્રીકેસરી અને ઊર્ધ્વસ્થ (superior) હોય છે અને તે એકકોટરીય ચર્મવર્તી (parietal) જરાયુવિન્યાસ ધરાવે છે; જેમાં ઘણાં અંડકો આવેલાં હોય છે. તે એક પરાગવાહિની અને એક પરાગાસન  ધરાવે છે. કેટલીક વાર પરાગાસન દ્વિશાખિત હોય છે. ફળ અનુપ્રસ્થ પટયુક્ત (transversly septate) હોય છે અને કપાટ દ્વારા તેનું સ્ફોટન થાય છે. Fumariaમાં અસ્ફોટી (indehiscent) એક બીજ ધરાવતું કાષ્ઠ-ફળ (nut) જોવા મળે છે. બીજમાં ભ્રૂણ સૂક્ષ્મ હોય છે અને મૃદુ માંસલ ભ્રૂણપોષ પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે. બીજપત્રો 1 (Corydalisની કેટલીક જાતિઓ) અથવા 2 હોય છે.

ઍંગ્લર અને ડાઇલ્સ સહિતના મોટા ભાગના યુરોપના વર્ગીકરણવિજ્ઞાનીઓ (taxonomists) આ કુળને પૅપાવરેસીનું ઉપકુળ માને છે. હચિન્સને તેને એક અલગ કુળનો દરજ્જો આપ્યો છે; પરંતુ તેમણે હાઇપેકોઇડી ઉપકુળને તેમાં સમાવિષ્ટ કર્યું છે. આ જૂથના સૌથી આધુનિક પ્રબંધક (monographer) ફેડ્ડેએ આ કુળને પૅપાવરેસીમાં મૂક્યું છે.

આ કુળની આર્થિક અગત્ય ઘણી ઓછી છે. Dicentra officinalis શોભન વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં વાવવામાં આવે છે.

બળદેવભાઈ પટેલ