ફ્યુમેરોલ : પોપડાના અંદરના ભાગમાંથી બહાર તરફ ધૂમ્રસેરોની માફક વરાળ કે વાયુબાષ્પ નીકળ્યા કરતી હોય એવાં કાણાં કે જ્વાળામુખી-બહિર્દ્વાર. ગરમ પાણીના ઝરા કે ફુવારામાંથી પણ ક્યારેક વરાળ કે બાષ્પ નીકળતી હોય છે. સામાન્ય રીતે જ્વાળામુખીને પાત્ર વિસ્તારોમાં આ પ્રકારનાં કાણાં જોવા મળતાં હોય છે, જે ફ્યુમેરોલ તરીકે ઓળખાય છે.

યેલોસ્ટોન નૅશનલ પાર્ક(યુ.એસ.)નો ઓલ્ડ ફેથફુલ ગૅસર

સક્રિય જ્વાળામુખી-કંઠમાંથી લાવા-પ્રસ્ફુટન વખતે તેમજ વારંવારના થતા લાવા-પ્રસ્ફોટની વચ્ચે વચ્ચે પણ ક્યારેક વાયુઓ નીકળતા રહે છે. સુપ્ત જ્વાળામુખીમાંથી પણ તે નીકળી શકે. વળી જ્વાળામુખીની પ્રવાહી પ્રસ્ફોટક્રિયા મૃત બની ગયા પછી પણ ઘણા લાંબા સમય સુધી આ વાયુ-બાષ્પ નીકળવાની ક્રિયા ચાલુ રહી શકે છે. નીકળતા રહેતા વાયુઓમાં જલબાષ્પ, ગંધકવાયુ, હાઇડ્રૉક્લોરિક કે હાઇડ્રૉફ્લોરિક ઍસિડ બાષ્પ, કાર્બન ડાયૉક્સાઇડ અને કાર્બન મૉનૉક્સાઇડ મુખ્ય હોય છે. આ ઉપરાંત તેમની સાથે સાથે ઘણી બધી ધાતુઓ પણ થોડા થોડા પ્રમાણમાં નીકળીને બહાર જમા થતી રહે છે.

બહાર નીકળતા વાયુઓનું તાપમાન 500°–600° સે. જેટલું રહે છે. ઊંચા તાપમાનવાળા ફ્યુમેરોલમાં હેલોજન વાયુઓ અને ધાતુઓ વિશેષ હોય છે; ઓછા તાપમાનવાળા ફ્યુમેરોલમાંથી જલબાષ્પ સહિત ગંધકના વાયુઓ નીકળતા હોય છે. એવા ફ્યુમેરોલને ‘સોલ્ફાટરાસ’ તરીકે ઓળખવામાં આવે છે; તેનાથી પણ ઓછા તાપમાનવાળા ફ્યુમેરોલમાંથી કાર્બન ડાયૉક્સાઇડ નીકળે છે, તેને ‘મોફેટ’ તરીકે ઓળખવામાં આવે છે.

કેટલાક ફ્યુમેરોલ ગરમ પાણીના ઝરા કે ફુવારાની કક્ષામાં પણ ફેરવાતા હોય છે. તે પૈકીના કેટલાકમાંથી નીકળતું પાણી નીચે ઊતરેલું સપાટીજળ જ હોય છે, જે ખડકછિદ્રો દ્વારા નીચે ઊતરીને ભેગું થયેલું હોય છે. મૅગ્માજન્ય જળ તો ભાગ્યે જ હોય છે. મોટાભાગના ફ્યુમેરોલનું તાપમાન જ્વાળામુખી ઉત્પત્તિજન્ય હોય છે. તેમાંથી નીકળતું પાણી વાયુઓને લઈને બહાર આવે છે. યેલોસ્ટોન નૅશનલ પાર્ક વિસ્તારના ગરમ પાણીના ઝરા–ફુવારા જ્વાળામુખીજન્ય છે.

ગિરીશભાઈ પંડ્યા