ફોસ્ટર, સર નૉર્મન (રૉબર્ટ) (જ. 1935, માન્ચેસ્ટર, નૉર્થવેસ્ટ, ઇંગ્લૅન્ડ, યુ.કે.) : બ્રિટિશ સ્થપતિ. ફોસ્ટર નૉર્મન ઍન્ડ ઍસોસિયેટ્સ(1967)ના સ્થાપક અને ભાગીદાર, ‘હાઇટેક સ્કૂલ’ની પરંપરાના. શિક્ષણ બ્રિટનની માન્ચેસ્ટર અને અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં. સ્થાપત્યની ટૅકનૉલૉજી વિકસાવનાર મોખરાના સ્થપતિઓમાં તેમનું નામ નોંધપાત્ર છે. દુનિયામાં ઠેર ઠેર પથરાયેલાં કેટલાંક વિશિષ્ટ સ્થાપત્યોની રચનામાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. ધ સેંટ્સબરી સેન્ટર ફૉર ધ વિઝ્યુઅલ આર્ટ્સ, યુનિવર્સિટી ઑવ્ ઈસ્ટ અગ્લિયા (1977) અને વિલિસ ફેબર ઍન્ડ ડૂમા બિલ્ડિંગ્ઝ, ઇપ્સવિચ (1979) તેમનાં નમૂનેદાર સર્જનો છે. ધ હૉંગકૉંગ ઍન્ડ શાંઘાઈ બક, હૉંગકૉંગ (1979–85), ધ થર્ડ લંડન ઍરપૉર્ટ ટર્મિનલ (1980), ધ ટર્મિનલ ઝોન ઍટ સ્ટાન્સ્ટેડ ઍરપૉર્ટ, ઇસેક્સ (1991), ધ સેન્ચરી ટાવર, ટોકિયો (1991) – એ બધા આધુનિક સ્થાપત્યના સુંદર નમૂનાઓ છે. લંડનના ઍરપૉર્ટ હીથરોથી પાંચ મિનિટના અંતરે સ્કોકલી પાર્ક લગભગ સો એકરમાં વિસ્તરેલું છે. વેપારધંધા માટે બિઝનેસ પાર્કનો અહીં તેમણે એક નવો જ વિચાર આપ્યો છે. તેમની પછીની યોજનાઓમાં યુનિવર્સિટી ઑવ્ કૅમ્બ્રિજ, ફૅકલ્ટી ઑવ લૉ(1996)નું આગવું સ્થાપત્ય છે. 1990માં રાણી એલિઝાબેથ (બીજાં) દ્વારા તેમને ઉમરાવપદ આપીને ‘સર’ના ખિતાબથી નવાજવામાં આવ્યાં. તેમને સ્થાપત્ય અને ડિઝાઇન (રચના) માટે અનેક આંતરરાષ્ટ્રીય પારિતોષિકો એનાયત કરવામાં આવ્યાં છે. સ્ટાન્સ્ટેડ પ્રૉજેક્ટ તેમજ સ્કૉલર ગૅલેરિઝ એક્સ્ટેન્શન ઍટ ધ રૉયલ અકાદમી ઑવ્ આર્ટ, લંડન(1992)ના બાંધકામ માટે પણ તેમને ‘રિબા’ (RIBA) ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. હૉંગકૉંગ ઍરપૉર્ટ અને બર્લિનની નવી જર્મન પાર્લમેન્ટના આ સ્થપતિને 1999નું પ્રિટ્ઝકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું છે. આ પારિતોષિક સ્થાપત્ય માટે નોબેલ પારિતોષિકની બરોબરીનું ગણાય છે.
વિ. પ્ર. ત્રિવેદી