ફૉસ્ફર બ્રૉન્ઝ : સૂક્ષ્મમાત્રામાં ફૉસ્ફરસ (P) ઉમેરીને કઠણ અને મજબૂત બનાવાયેલું કાંસું. કાંસું એ તાંબા (Cu) અને કલાઈ(Sn)ની મિશ્રધાતુ છે. મહત્વની ર્દષ્ટિએ પિત્તળ પછી બીજા ક્રમે તે આવે છે. તેમાં 4 %થી 10 % Sn, અને 0.05 %થી 1 % P હોય છે. આ ફૉસ્ફરસ વિઑક્સીકરણનું કાર્ય કરે છે. બ્રૉન્ઝ બનાવતી વખતે અમુક પ્રમાણમાં કોપર ઑક્સાઇડ બને છે. જે બ્રૉન્ઝના ગુણધર્મો પર માઠી અસર કરે છે. ફૉસ્ફરસ ઉમેરવાથી આ અસર ટાળી શકાય છે અને મિશ્રધાતુનું સહેલાઈથી ઘડતર થઈ શકે છે. જસત કરતાં ફૉસ્ફરસ વિઑક્સીકરણમાં વધુ અસરકારક છે.

ફૉસ્ફર બ્રૉન્ઝ પ્રમાણમાં કઠણ, મજબૂત અને ક્ષારણપ્રતિરોધક છે. તે સારા શીત કાર્યના (cold-working) ગુણધર્મો અને ઊંચી મજબૂતાઈ ધરાવે છે. તે ગ્રેડ A (5 % Sn), ગ્રેડ C (8 % Sn), ટોડ D (10 % Sn) અને ગ્રેડ E (1.25 % Sn) – એમ ચાર પ્રકારનું મળે છે. ફૉસ્ફર બ્રૉન્ઝનું ઘડતર સહેલાઈથી થઈ શકે છે. સામાન્ય ઘડતર પિત્તળ કરતાં ઘડતર કાંસા(ફૉસ્ફર બ્રૉન્ઝ)નાં તાણસામર્થ્ય અને ક્ષારણપ્રતિરોધ વધુ હોય છે. તે પતરાં, પ્લેટો, પટ્ટીઓ, નળીઓ, સળિયા વગેરેનાં સ્વરૂપમાં વપરાય છે. વીજળીની સ્વિચો, તારની સ્પ્રિંગો, યંત્રોના ભાગો, સાંકળો વગેરે માટે ફૉસ્ફર બ્રૉન્ઝ વધુ વપરાય છે. જ્યાં વધુ ઘસારો લાગવાનો હોય તેવા દરિયાઈ હેતુઓ માટે (દા.ત., ગિયરનાં ચક્રો માટે) તે વધુ ઉપયોગમાં લેવાય છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ