ફોન્ટાના, લુચિયો (જ. 1899, આર્જેન્ટિના; અ. 1968) : અલ્પચિત્રણ (minimalist) શૈલીનો ઇટાલિયન ચિત્રકાર. સામાન્યતયા તે કૅન્વાસ ફાડીને કે કૅન્વાસ પર ચીરા મૂકીને કલાકૃતિ નિપજાવતો.
1930ની આસપાસ તેણે ઇટાલીમાં અમૂર્ત શિલ્પ સર્જ્યાં. 1935માં તે પૅરિસના ‘ઍબ્સ્ટ્રેક્શન ક્રિયેશન’ ગ્રૂપમાં જોડાયો. 1937માં તેણે ‘ફર્સ્ટ મૅનિફેસ્ટો ઑવ્ ઇટાલિયન ઍબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટ્સ’ પર સહી કરી. 1940માં આર્જેન્ટિનાના નિવાસ દરમિયાન પોતાનો ‘વાઇટ મૅનિફેસ્ટો’ પ્રસિદ્ધ કર્યો, જેમાં તેણે પ્રતિપાદિત કર્યું કે ભવિષ્યની કલા ટેલિવિઝન અને વીજાણુયંત્રો દ્વારા આકાર લેશે. 1960માં ટેલિવિઝન અને 1990માં કમ્પ્યૂટર તેની આગાહી સાચી પાડી. આ મૅનિફેસ્ટોમાં તેણે બીજી એક વાત કરી તે ‘સ્થળવાદ’ (spatialism) વિશે. આ વાદ દ્વારા તેણે કૅન્વાસ કે કાગળ પર દેખાતા ત્રિપરિમાણના આભાસનો વિરોધ કરીને રંગ અને આકૃતિના દ્વિપારિમાણિક વિકાસ પર ભાર મૂક્યો. 1949થી તેણે કોરાં કે ચીતરેલાં કૅન્વાસ ફાડીને કૃતિઓ સર્જવા માંડી. આ પછી 1950થી તે કૅન્વાસ પર રંગો અને અન્ય કંતાન કે કાગળના ડૂચા ચોડી ભારેખમ કૃતિઓ સર્જવા લાગ્યો; પરંતુ 1959માં તેને પ્રતીતિ થઈ કે કૅન્વાસ ફાડીને રચાતી કૃતિઓ જ લાઘવપૂર્ણ છે. આ પછી સ્થપતિ લુચિયાનો બાલ્દેસારીની સાથે તેણે એવી કૃતિઓ રચી, જેને સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રનું મિશ્રણ કહી શકાય. પોતાની કૃતિઓને તેણે ‘સ્થળલક્ષી ખ્યાલો’ (spatial ideas) તરીકે ઓળખાવી છે.
અમિતાભ મડિયા