ફોનૉલાઇટ : મોટેભાગે નેફેલિન, સોડાલાઇટ. લ્યૂસાઇટ જેવાં આછા રંગવાળાં ફેલ્સ્પેથૉઇડ કે ફેલ્સ્પારથી અને ઓછા પ્રમાણમાં બાયોટાઇટ, સોડા ઍમ્ફિબોલ, સોડા પાયરૉક્સીન જેવા ઘેરા રંગવાળાં મેફિક ખનિજોથી બનેલો આછા રંગનો જ્વાળામુખી–ઉત્પત્તિજન્ય અસ્ફટિકમય (નરી આંખે અષ્ટ સ્ફટિકમય) ખડક. ફોનૉલાઇટ કે નેફેલિન સાયનાઇટ જેવા અંત:કૃત ખડકને રાસાયણિક રીતે સમકક્ષ બહિ:સ્ફુટિત જ્વાળામુખી ખડક છે. આ પ્રકારમાં આલ્કલી ફેલ્સ્પાર કરતાં પ્લેજિયૉક્લેઝ (ઑલિગોક્લેઝ કે ઍન્ડેસાઇન) વધુ હોય એવા ખડકો વિરલ હોય છે, જો મળે તો તે ફેલ્સ્પેથૉઇડલ લેટાઇટ તરીકે ઓળખાય છે.

સપાટી પર નીકળી આવતો લાવા જો ઝડપી ઘનીભવન પામે તો સૂક્ષ્મ દાણાદાર કણરચના તૈયાર થાય છે. મહદંશે ફોનૉલાઇટ બંધારણવાળો લાવા, પ્રસ્ફુટન વખતે વિપુલ પ્રમાણમાં મહાસ્ફટિકો લઈને આવે છે. આ મહાસ્ફટિકો ઘટ્ટ સૂક્ષ્મ દાણાદાર આવૃત દ્રવ્યમાં જડાઈને અર્ધસ્ફટિકમય કણરચનાવાળા ખડકો બનાવે છે. ઘણો જ ઓછો ભાગ કાચ-સ્વરૂપે ઠરે છે. નરી આંખે દેખાતા અને પારખી શકાતા મહાસ્ફટિકોમાં આલ્કલી ફેલ્સ્પાર, ફેલ્સ્પેથૉઇડ અને મેફિક ખનિજો હોય છે. આ મહાસ્ફટિકો સુવિકસિત ફલકોવાળા કે મધ્યમ પાસાદાર હોય છે.

ફોનૉલાઇટનાં અન્ય બારીક લક્ષણો સૂક્ષ્મદર્શકની મદદથી જોઈ શકાય છે. આલ્કલી ફેલ્સ્પાર મુખ્યત્વે સોડાસમૃદ્ધ સેનિડિન અને ઑર્થોક્લેઝ હોય છે. તે મોટેભાગે તો આવૃત દ્રવ્યમાં જોવા મળે છે, વિપુલ પ્રમાણમાં હોય તો તે મહાસ્ફટિકસ્વરૂપે પણ હોય છે. પ્લેજિયોક્લેઝનું પ્રમાણ વધુ હોતું નથી, સિવાય કે નેફેલિન લેટાઇટ પ્રકાર હોય, જેમાં તે ઘણા મહાસ્ફટિકોને સ્વરૂપે હોય છે. નેફેલિન પૂર્ણ પાસાદાર–સમચોરસ કે ષટ્કોણીય – હોઈ શકે છે, કેટલુંક પ્રમાણ મહાસ્ફટિકોથી પણ બનેલું હોઈ શકે છે; આ સિવાય, તે અનિયમિત-બિનપાસાદાર તેમજ આંતરજગાપૂરણી રૂપે જોવા મળતું હોય છે. નોસિયન, હૉયેન અને સોડાલાઇટ (– આ ત્રણ પૈકી જે હોય તે) પૂર્ણ પાસાદાર કે અંશત: રાસાયણિક ખવાણ પામેલા સ્ફટિકો (ક્યારેક મહાસ્ફટિકો અને આવૃત દ્રવ્યમાં દાણા) રૂપે હોય છે. મૂળ બાર ફલકોવાળા (ડોડેકાહેડ્રલ). આ સ્ફટિકો ખડકછેદમાં તો ષટ્કોણીય રૂપરેખા જ દર્શાવે છે. આ લક્ષણથી તે સરળતાથી પારખી શકાય છે. સ્યૂડોલ્યૂસાઇટના અષ્ટ બાજુઓવાળા સ્ફટિકો અહીં મહાસ્ફટિકોના સ્વરૂપમાં, ખાસ કરીને પૉટાશસમૃદ્ધ ખડકમાં જોવા મળે છે. તેના વધુ ગોળાકાર દાણાઓ આવૃત દ્રવ્યમાં રહેલા હોઈ શકે છે; લ્યૂસાઇટ સામાન્યપણે સ્યૂડોલ્યૂસાઇટમાં પરિવર્તિત થતું હોય છે; પરંતુ તેની રૂપરેખા પૂર્ણપણે જળવાઈ રહે છે. એ જ રીતે એનલ્સાઇટ મુખ્યત્વે તો આવૃત દ્રવ્યમાં જ હોય છે, પણ કેટલાક ખડકોમાં તેનું પ્રમાણ વિપુલ બની રહે તો મોટા પાસાદાર મહાસ્ફટિકો પણ હોય છે.

મેફિક ખનિજો પૈકી બાયોટાઇટ ખાસ હોતું નથી, તેમ છતાં વધુ પડતા શોષાયેલા મહાસ્ફટિકો હોઈ શકે ખરા. સોડાસમૃદ્ધ ઍમ્ફિબોલ પૈકી રિબેકાઇટ, હેસ્ટિંગ્સાઇટ અને આર્ફવેડ્સોનાઇટ મહાસ્ફટિકો કે આંતરકણજગાઓમાં જૂથ રૂપે હોઈ શકે. તે પણ શોષાયેલા કે પાયરૉક્સીનથી વિસ્થાપિત હોઈ શકે. અહીં જોવા મળતું ઘણું અગત્યનું મેફિક ખનિજ સોડા પાયરૉક્સીન હોય છે. મહાસ્ફટિકોને રૂપે તે તેમની અંદર રહેલા ડાયૉપ્સાઇડ ઉપર એકાંતર પટ્ટી-સંરચના (zoning) બનાવે છે, જેમાં બહાર તરફ એજિરિન-ઑગાઇટ અને એજિરાઇટનાં વધુ સોડિક થતાં આવરણો રચાયેલાં મળે છે. એજિરાઇટ એ ખડકનું આવૃત દ્રવ્ય બનાવતું પાયરૉક્સીન છે. ગૌણ ખનિજો પૈકી સ્ફીન, મૅગ્નેટાઇટ, ઝિર્કોન અને ઍપેટાઇટ હોઈ શકે છે.

ફોનૉલાઇટની સંરચના અને કણરચના સામાન્યપણે જોવા મળતા ટ્રેકાઇટના જેવી જ હોય છે. લાવાના ઘનીભવન દરમિયાન પ્રવાહમાં વહેવાના તેના લક્ષણને કારણે મહાસ્ફટિકોના મણકાઓ કે રેખાઓથી રજૂ થતી પ્રવાહીમય સંરચના નરી આંખે પણ, આ ખડકપ્રકારોમાં ક્યારેક જોવા મળતી હોય છે. સૂક્ષ્મદર્શકમાં આ જ લક્ષણ લંબાયેલા ફેલ્સ્પાર સ્ફટિકોની ઓછીવત્તી સમાંતર ગોઠવણી-સ્વરૂપે જોવા મળે છે.

ફોનૉલાઇટ ખૂબ જ ભિન્ન ભિન્ન રૂપે મળતો વિરલ ખડક ગણાય. તે જ્વાળામુખી-પ્રવાહો અને ટફ-સ્વરૂપે તેમજ ડાઇક અને સિલ અંતર્ભેદનો રૂપે મળતો હોય છે. તે ટ્રેકાઇટના સંકલનમાં મળે છે અને ફેલ્સ્પેથૉઇડયુક્ત ખડક-પ્રકારો રચે છે.

ફોનૉલાઇટ અને સંબંધિત ખડકોની ઉત્પત્તિ રસપ્રદ સમસ્યારૂપ રહી છે. ખાસ વિવાદાસ્પદ બાબત એ છે કે ફોનૉલાઇટ પ્રકારનો મૅગ્મા કેવી રીતે ઉદભવે છે ? એક મત એવો છે કે તે બેસાલ્ટિક મૅગ્માનું સ્વભેદનસ્વરૂપ છે. અગાઉથી તૈયાર થયેલા અમુક સ્ફટિકો ભારે હોવાથી નીચે જામી જતાં ફોનૉલાઇટ બંધારણવાળા મૅગ્માને મળતું આવતું અવશિષ્ટ દ્રવ્ય બાકી રહે છે. બીજો મત એવો પ્રવર્તે છે કે ચૂનાખડકના ટુકડાઓનો વિપુલ જથ્થો સામાન્ય મૅગ્મામાં આત્મસાત્ થઈ જવાથી તે તૈયાર થયેલા મૅગ્મામાં રહેલા બાષ્પઘટકો, ખાસ કરીને CO2ને પોટૅશિયમ-સંકેન્દ્રિત કરી આપવા માટે કારણભૂત માને છે. આ ખડકપ્રકારની જુદી જુદી જાતો અને તેમની ખડક-સંકલનસ્થિતિ સ્પષ્ટપણે સૂચવે છે કે જુદી જુદી અનેક ક્રિયા-પદ્ધતિઓ આ ફેલ્સ્પેથૉઇડયુક્ત ખડકો બનાવવામાં જવાબદાર રહી હશે.

ગિરીશભાઈ પંડ્યા