ફોગાટ, વિનેશ (જ. 25 ઑગસ્ટ, 1994, હરિયાણા, ભારત) : ઑલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલાકુસ્તીબાજ.
ભારતનાં સફળ કુસ્તીબાજ ગીતા ફોગાટ અને બબીતા કુમારીના કુટુંબમાંથી ફોગાટ વિનેશ આવે છે. તેની આ બંને પિતરાઈ બહેનો આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ અને રાષ્ટ્રસમૂહ રમતોત્સવની પદક-વિજેતા છે. વિનેશ ફોગાટ રાષ્ટ્રસમૂહ રમતો તથા એશિયન રમતો બંનેમાં સુવર્ણપદક જીતનારી પ્રથમ ભારતીય મહિલાકુસ્તીબાજ છે.

વિનેશ ફોગાટ
પંજાબના જાટ પરિવારમાં જન્મેલી વિનેશ કુસ્તીબાજ મહાવીરસિંહ ફોગાટના નાના ભાઈ રાજપાલ ફોગાટની દીકરી. વિનેશ અને તેની બહેનોને કુસ્તી શિખવાડવા માટે તેના પિતા તથા કાકા મહાવીર સિંહને અનેક મુસીબતો અને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પોતાના સમાજની પરંપરા અને નીતિનિયમો વિરુદ્ધ જવા માટે તેમના ઉપર ફિટકાર વરસાવવામાં આવતો, પરંતુ બધાની પરવા કર્યા વગર મહાવીર સિંહે પોતાની બે દીકરીઓ તથા વિનેશને કુસ્તીની તાલીમ આપી.
2013માં યોજાયેલી એશિયન રેસલિંગ ચૅમ્પિયનશિપમાં વિનેશે 50 કિગ્રા. કૅટેગરીમાં ભારતને કાંસ્યપદક જિતાડ્યો હતો. ત્યારબાદ 2014માં ગ્લાસગોમાં રમાયેલ રાષ્ટ્રસમૂહ સ્પર્ધામાં વિનેશે 48 કિગ્રા. કૅટેગરીમાં સુવર્ણપદક જીતી ભારતની શાન વધારી હતી. 2014માં એશિયન રમતોત્સવમાં 48 કિગ્રા. કૅટેગરીમાં તે કાંસ્યપદક જીતી. 2016માં રિયો ઑલિમ્પિકના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં તે ફાઇનલ રાઉન્ડ જીતી અને ઑલિમ્પિક માટે પસંદ થઈ, પરંતુ રિયો ઑલિમ્પિકમાં ઘૂંટણની ઈજાને કારણે તેને ક્વાર્ટર ફાઇનલ પછી ખસી જવું પડ્યું હતું.
2018માં તેણે ધમાકેદાર પુનરાગમન સાથે ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાયેલ રાષ્ટ્રસમૂહ રમતોમાં સુવર્ણપદક જીતી કુસ્તીજગતમાં પોતાની હાજરી નોંધાવી. 2018માં જ ફરી તેણે એશિયન રમતોમાં સુવર્ણપદક મેળવ્યો અને એશિયન રમતોમાં સુવર્ણપદક જીતનારી પ્રથમ ભારતીય મહિલા- કુસ્તીબાજ બની.
2019 ફેબ્રુઆરીમાં યોજાયેલ લોરિયસ વર્લ્ડ સ્પૉર્ટ ઍવૉર્ડ માટે નામાંકિત (nominate) થનારી વિનેશ ભારતની પ્રથમ ઍથ્લીટ બની હતી.
2024માં પૅરિસ ઑલિમ્પિક્સમાં વિનેશે ઓપિંનગ રાઉન્ડમાં જાપાનની ઑલિમ્પિક ચૅમ્પિયન યુઈ સુસાકીને હરાવીને મોટો અપસેટ સર્જ્યો અને તે વિમેન્સ 50 કિગ્રા. કૅટેગરીમાં ફાઇનલ સુધી પહોંચી ગઈ, આ એક ઐતિહાસિક પળ હતી, પણ કમનસીબે માત્ર થોડુંક વજન વધારે હોવાથી ફાઇનલની થોડી મિનિટો પહેલાં તે ડિસક્વોલિફાઇડ થઈ ગઈ.
2018માં તેણે તેના લાંબા સમયના મિત્ર અને કુસ્તીબાજ સોમવીર રાઠી સાથે લગ્ન કર્યાં છે. તેઓ બંને ભારતીય રેલવે માટે કામ કરે છે.
વિનેશને 2016માં અર્જુન ઍવૉર્ડ તથા 2018માં ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવી છે.
તેને મેજર ધ્યાનચંદ ખેલરત્ન ઍવૉર્ડ પણ એનાયત થયો છે.
વિનેશ ફોગાટે 2024માં આયોજિત ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષ તરફથી હરિયાણાની જુલાના બેઠક પરથી ઉમેદવારી નોંધાવી, જેમાં તેની જીત થતાં તેણે સંસદસભ્ય બની રાજકીય ક્ષેત્રે પદાર્પણ કર્યું.
અમલા પરીખ
