ફૉલોઑન : ક્રિકેટની રમતમાં પ્રતિસ્પર્ધી ટીમને તેમની બૅટિંગનો ક્રમ બદલી સતત બીજી વખત બૅટિંગ કરવાની ફરજ પાડવી તે. પાંચ દિવસની મૅચ માટે ફૉલોઑન માટે ઓછામાં ઓછા 200 રનની સરસાઈની જરૂર રહે છે. ત્રણ દિવસની મૅચ માટે 150 રનની સરસાઈ હોય તો સામેની ટીમ ફૉલોઑન થઈ શકે છે. બે દિવસની મૅચમાં ફૉલોઑન માટે 100 રનની સરસાઈની જરૂર રહે છે. ફૉલોઑન માટેની જરૂરી સરસાઈ હોવા છતાં સરસાઈ મેળવનાર ટીમ સામેની ટીમને ફૉલોઑન કરે તે જરૂરી નથી. સરસાઈ મેળવનાર ટીમ ફૉલોઑન આપ્યા વગર બીજા દાવમાં બૅટિંગ કરી શકે છે.
સામાન્ય રીતે જે ટીમ ફૉલોઑન થાય છે તે ટીમ મોટાભાગે પરાજય પામે છે. જો મજબૂત સામનો કરીને ર્દઢ નિશ્ચયથી બૅટ્સમૅનો વિકેટ ઉપર ઊભા રહે તો મૅચ ડ્રૉ પણ જાય છે. ફૉલોઑન થયા પછી પ્રથમ કક્ષાના ક્રિકેટ તેમજ ટેસ્ટક્રિકેટમાં ટીમે વિજય મેળવ્યો હોય તેવા રોમાંચક બનાવો પણ નોંધાયા છે.
સુધીર તલાટી
હર્ષદભાઈ પટેલ