ફૉરમ : રોમન સ્થાપત્યમાં શહેરની એક મુખ્ય પ્રાંગણરૂપ જગ્યા. ભારતીય સંદર્ભમાં શહેરનો મુખ્ય ચોક. રોમના નગર-આયોજનમાં ફૉરમ લોકોને વ્યવસ્થિત રીતે એકઠા થવાની જગા તરીકે મહત્વનું હતું. તેનો સંબંધ લોકજીવન સાથે રહેતો હતો. ત્યાં લોકોત્સવો યોજાતા હતા. આ જગ્યાની ફરતે સ્તંભાવલિ અથવા તો અગત્યની સંસ્થાકીય ઇમારતો રહેતી હતી. તેના દ્વારા ફૉરમની અગત્ય દર્શાવાતી. લોકો તથા રાજવીઓ અથવા નગરના અધિકારીવર્ગ વચ્ચેનો એક પ્રત્યક્ષ સંબંધ ત્યાં ર્દષ્ટિગોચર થતો. ગ્રીક સ્થાપત્યમાં આવી જગ્યા ‘અગોરા’ તરીકે ઓળખાતી. રોમનાં ખંડેરોમાં હજી પણ ફૉરમ રોમનું એક અત્યંત અગત્યનું સ્થાન ધરાવે છે અને ત્યાં હયાત સ્તંભોના ભગ્ન અવશેષો હજી પણ આ ફૉરમની ભવ્યતાનો ખ્યાલ આપે છે. આ જ રીતે અન્યત્ર પણ ખંડિત નગરોમાં આવી ઐતિહાસિક જગ્યાઓ જોવા મળે છે. દા.ત., પ્રોમ્પીના નષ્ટ નગરના ભગ્ન અવશેષોમાં પણ ફૉરમના અવશેષો અગત્યના છે.

રવીન્દ્ર વસાવડા