ફૈઝાબાદ (2) : ઈશાન અફઘાનિસ્તાનમાં કોકચેહ નદી પર 1,200 મીટરની ઊંચાઈ પર આવેલું બદખશાનનું પાટનગર. ભૌ. સ્થાન : 37° 10´ ઉ. અ. અને 70° 32´ પૂ. રે.. શિયાળામાં ત્યાં થતી વધુ પડતી હિમવર્ષાથી ક્યારેક તે આજુબાજુના ભાગોથી અલગ પડી જાય છે, પરંતુ ઉનાળા ખુશનુમા રહે છે. થોડીક જગાઓમાં ખેતી થાય છે. આ શહેરમાં ચોખાની અને લોટની મિલો આવેલી છે. પશ્ચિમે ખાનાબાદ અને કોન્ડુઝ સાથે ફૈઝાબાદને જોડતો માર્ગ છે, જે નૈર્ઋત્યમાં 314 કિમી. દૂર આવેલા કાબુલ સુધી જાય છે.
1821માં કોન્ડુઝના મોરાદ બેગે આ શહેરને ખેદાનમેદાન કરી મૂકેલું, ત્યાંના રહીશોને કોન્ડુઝમાં વસાવેલા, પરંતુ 1880થી 1901 દરમિયાન અફઘાનિસ્તાનના રાજકર્તા અબ્દુર્-રહેમાને આ શહેર ફરીથી વસાવ્યું. 1955માં થયેલા ભૂકંપથી તે જમીનદોસ્ત થઈ ગયેલું. ત્યારપછી તે જેમ જેમ વસતું ગયું, તેમ તેમ તેનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, જળપુરવઠા અને ગટરની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
1979માં રશિયાની લશ્કરી દરમ્યાનગીરી બાદ, અફઘાન ગેરીલાઓએ શહેરનો કબજો મેળવેલો. તે પછીથી પણ અવારનવાર છમકલાં થતાં રહ્યાં છે. 1980માં ત્યાં રશિયાનો લશ્કરી કાબૂ સ્થાપિત થયો હતો.
ગિરીશભાઈ પંડ્યા