ફૈઝાબાદ (1) : ઉત્તરપ્રદેશના પૂર્વભાગમાં આવેલો જિલ્લો, જિલ્લામથક તથા શહેર. ભૌગોલિક સ્થાન : તે 26° 47´ ઉ. અ. અને 82° 10´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેનો કુલ વિસ્તાર 2075.5 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરમાં ગોન્ડા અને બસ્તી જિલ્લા, ઈશાનમાં ગોરખપુર, પૂર્વમાં અકબરપુર, અગ્નિ અને દક્ષિણમાં આઝમગઢ અને સુલતાનપુર તથા પશ્ચિમ અને વાયવ્યમાં બારાબંકી જિલ્લાઓ આવેલા છે. ઘાઘરા (સરયુ) નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને તેની ઉત્તર સરહદ રચે છે. આ નદીના દક્ષિણ કિનારા પરનાં કાંપનાં મેદાનોથી બનેલી ખેતીયોગ્ય ફળદ્રૂપ પટ્ટી પર આ જિલ્લો પથરાયેલો છે.

ફૈઝાબાદ

ભૂપૃષ્ઠ અને વનસ્પતિ : આ આખોય જિલ્લો વાયવ્યથી અગ્નિ તરફના ઢોળાવવાળાં સમતળ કાંપનાં મેદાનોથી બનેલો છે. પ્રાકૃતિક રચનાની ર્દષ્ટિએ જિલ્લાના બે સ્પષ્ટ વિભાગો પડે છે : નીચાણવાળો ભૂમિવિભાગ (માન્ઝા) અને ઊંચાણવાળો ભૂમિવિભાગ. પ્રથમ વિભાગ ઘાઘરા નદીનાં પૂરનાં મેદાનોથી રચાયેલો છે. આ મેદાનો ક્યાંક ઘણાં સાંકડાં તો ક્યાંક વિસ્તૃત છે. આ મેદાનોની પડતરભૂમિ જંગલી ઘાસથી ભરચક બની રહેલી છે. તે જંગલી પ્રાણીઓને રક્ષણ પૂરું પાડે છે. વર્ષાઋતુમાં આ મેદાનો પૂરનાં પાણીથી છવાઈ જાય છે. કાંપ પથરાઈ જાય છે અને રવી તથા ખરીફ પાકો સરળતાથી લઈ શકાય છે. અહીં કાંપની માટીવાળી જમીનોથી માંડીને શુદ્ધ સફેદ રેતાળ જમીનો જોવા મળે છે. આ સિવાયનો જિલ્લાનો બાકીનો ભાગ ઊંચાણવાળો છે; ત્યાં ખેતભૂમિ અને વસાહતો, નાનાં નાનાં સરોવરો, આંબા અને મહુડાનાં ઝુંડ જોવા મળે છે. આ ઉપરાંત અહીં ક્ષારપોપડીના આવરણવાળી જમીનો પણ આવેલી છે.

મેદાનોમાં આવેલી વિવિધ પ્રકારની જમીનો તથા ભરપૂર પાણી-પુરવઠાને કારણે લગભગ બધી જાતનાં વૃક્ષો અને વનસ્પતિ ઊગી નીકળે છે. આંબા, મહુડા, જાંબુ, જામફળી, લીમડા અને બાવળ જેવાં વૃક્ષો વિશેષ છે; મહુડા અને જાંબુનાં લાકડાં બાંધકામમાં તથા બાવળનાં લાકડાં હળ અને અન્ય ખેતીવિષયક સાધનો બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.

જળપરિવાહ : જિલ્લાનો લગભગ સમગ્ર વિસ્તાર ઘાઘરા, ગોમતી તથા ટોન્સ નદીરચનાઓથી બનેલો છે. ઘાઘરા જે સરયુ નામથી પણ ઓળખાય છે તે આ જિલ્લાની મુખ્ય નદી છે. તેનો મધ્ય પ્રવાહવિભાગ (2 મીટર કે વધુ) ઊંડો રહેતો હોવાથી આખું વર્ષ જળવ્યવહાર માટે ઉપયોગી બની રહે છે.

ખેતી : ઉત્તરપ્રદેશની માફક આ જિલ્લાનું અર્થતંત્ર પણ મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. અહીં વર્ષમાં રવી અને ખરીફ પાકો તો લેવાય છે, તે ઉપરાંત નદીકિનારાના ભાગોમાં (ખેતીલાયક 2.6 % ભાગમાં) મર્યાદિત પ્રમાણમાં ત્રીજો પાક પણ લઈ શકાય છે. અહીંના કૃષિપાકોમાં વિશેષ પ્રમાણમાં ડાંગર, ઘઉં અને ચણા તથા તેનાથી થોડા ઓછા પ્રમાણમાં શેરડી, વટાણા, તેલીબિયાં અને બટાટાનો સમાવેશ થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સુધારાવાદી ખેતીપ્રયોગો પર ભાર મુકાઈ રહ્યો છે, તેમ છતાં મોટેભાગે તો ખેતી પરંપરાગત રીતે જ થાય છે. મુખ્યત્વે નદીઓનાં પાણી સિંચાઈના ઉપયોગમાં લેવાય છે.

પશુપાલન : ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત ખેતીની સાથે સાથે  ખેડૂતો તેમના જીવનનિર્વાહ માટે મદદરૂપ થાય તે માટે પશુપાલન પણ કરે છે. અહીં ગાયો, બળદ અને ભેંસો જેવાં આશરે 8.60 લાખ જેટલાં પાલતુ પશુઓ છે. તે ઉપરાંત આશરે 1.82 લાખ જેટલાં ઘેટાં-બકરાંનો ઉછેર પણ થાય છે; જોકે આ બધાં પશુઓની ઓલાદ પ્રમાણમાં ઊતરતી કક્ષાની જણાતી હોય છે. પશુઓ માટે ઢોર-સુધારકેન્દ્રો, કૃત્રિમ ગર્ભાધાનકેન્દ્રો તેમજ જરૂરી પશુ-દવાખાનાંનો વિકાસ કરવામાં આવેલો છે. આ સિવાય ડુક્કર-ઉછેરકેન્દ્ર પણ છે.

ઉદ્યોગ : આ જિલ્લામાં ઉદ્યોગોનું પ્રમાણ ઓછું છે. રેહ અને કંકર સિવાય વિશેષ મહત્વનાં કોઈ ખનિજો અહીં મળતાં નથી. 1947માં સ્થાપવામાં આવેલ ખાંડનું કારખાનું તથા ફૈઝાબાદ અને દર્શનનગર ખાતેની કાગળની બે મિલો જ માત્ર જિલ્લાના મુખ્ય ઉદ્યોગો છે. નાના પાયા પરના અન્ય ઔદ્યોગિક એકમોમાં બરફનું કારખાનું, શીતાગાર, ચોખાની અને આટાની મિલો, ઈંટો અને ચૂનાના ભઠ્ઠા, લાટીઓ, હાથશાળના એકમો, લોખંડની પેટીઓ બનાવવાના એકમો, રાચરચીલું, સાબુ, બેકરી, ખેતીવિષયક ઓજારો, નાનાં ઇજનેરી સાધનો જેવા એકમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં હાથવણાટ કાપડ પરનું છપાઈકામ, રંગાટીકામ, બીડી અને ગોળ બનાવવાના કુટિર-ઉદ્યોગો પણ ચાલે છે. નજીકમાં સોહવાલ ખાતે જળવિદ્યુતમથક છે.

વેપાર : જિલ્લામાં પગરખાં, બીડી, સૂતર અને તમાકુ જેવી ચીજવસ્તુઓનું ઉત્પાદન અને તેનો વેપાર થાય છે. જિલ્લામાંથી બીડી, સૂતર, હાથવણાટનું કાપડ, ઈંડાં, ઊની ગાલીચાની નિકાસ અને ખાંડ, ખાદ્યાન્ન, કેરોસીન વગેરેની આયાત કરવામાં આવે છે.

પરિવહન-સંદેશાવ્યવહાર : જિલ્લામાંથી રેલમાર્ગો, સડકમાર્ગો – ધોરી માર્ગો પસાર થતા હોવાથી જિલ્લા તથા રાજ્યનાં નગરો અને શહેરો અન્યોન્ય સંકળાયેલાં છે. અહીંથી લખનૌ-ગોરખપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ ફૈઝાબાદ-અલાહાબાદ અને બહરૈચ-આઝમગઢના રાજ્યમાર્ગો પસાર થાય છે. આ રાજ્યમાર્ગો લખનૌ, બારાબંકી, સુલતાનપુર, ગોન્ડા, બસ્તી, આઝમગઢ અને કાનપુરને જોડે છે. અહીંથી હિંદી ભાષામાં ‘જનમોરચા’ દૈનિક સમાચારપત્ર બહાર પડે છે.

પ્રવાસન : જિલ્લામાં અયોધ્યા, અહરૌલી ગોવિંદ સાહેબ, દરાબગંજ અને ગુલાબવાડી જેવાં પ્રવાસીઓ માટેનાં આકર્ષણસ્થળો આવેલાં છે. અયોધ્યા તો મંદિરોનું શહેર છે, ત્યાં હિન્દુ મંદિરો ઉપરાંત જૈન મંદિરો, મસ્જિદો અને મકબરા આવેલાં છે. સરયુ નદી પરનાં મંદિરો અને સ્નાનઘાટ આકર્ષણનાં કેન્દ્રો છે. તે પૈકી પ્રાચીન નાગેશ્વરનાથ મહાદેવનું મંદિર, જાનકીતીર્થ, ચંદનહરિ, લક્ષ્મણકિલા તથા સ્વર્ગદ્વારઘાટ ઉલ્લેખનીય છે. અહરૌલી ગોવિંદ સાહેબના સ્થાનકે તેમની યાદમાં દસ દિવસનો મેળો ભરાય છે. બિકાપુર તાલુકાના દરાબગંજ ખાતે એક પ્રાચીન તળાવ આવેલું છે, ત્યાં વનવાસથી પાછા ફરતી વખતે રામ અને સીતાએ રોકાણ કરેલું હોવાથી તે જાણીતું છે. ગુલાબવાડી એ કોટથી રક્ષિત ભવ્ય ઇમારત છે. કોટની  રાંગ પાસેથી અયોધ્યા જતો માર્ગ પસાર થાય છે. શુજા-ઉદ્-દૌલાનો મકબરો પણ અહીં આવેલો છે. વર્ષભર જુદા જુદા તહેવારો ઊજવાય છે તથા અમુક તહેવારોએ જુદાં જુદાં સ્થળો પર મેળા ભરાય છે; જેમાં રામનવમી, રથયાત્રા, ઝૂલા, અનંતચતુર્દશી, શરદપૂર્ણિમા, સૂરજકુંડ દશેરા, કાર્તિકી પૂર્ણિમા, રામદ્વિજ, રામવિવાહ, સંક્રાંતિ, શિવરાત્રિ, કાલીદેવી, યમદ્વિતીયા જેવા તહેવારો તથા ગોવિંદ સાહેબનો મેળો, ઢોરમેળો, મીનાબજાર વગેરે ઉલ્લેખનીય છે.

વસ્તી–વસાહતો–વહીવટી વિભાજન : 1991 મુજબ જિલ્લાની વસ્તી 29,78,484 જેટલી છે. તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તી અનુક્રમે 26,31,261 અને 3,47,223 જેટલી છે. અહીંની મુખ્ય ભાષાઓ હિન્દી અને ઉર્દૂ છે. જિલ્લામાં કુલ શિક્ષિતોની સંખ્યા 9,53,679 જેટલી છે. 1991ની વસ્તીગણતરીના સંદર્ભમાં 25,75,517 હિન્દુ; 3,98,929; મુસ્લિમ; 2,326 શીખ; 871 ખ્રિસ્તી; 530 બૌદ્ધ; 62 જૈન તથા અન્યધર્મી 249 છે. ફૈઝાબાદ ખાતે અવધ યુનિવર્સિટી,  બ્રિજકિશોર હોમિયૉપથિક તબીબી કૉલેજ તથા નરેન્દ્રદેવ યુનિવર્સિટી ઑવ્ ઍગ્રિકલ્ચર ઍન્ડ ટૅકનૉલૉજીની સંસ્થાઓ આવેલી છે. આ ઉપરાંત શહેરો અને નગરોમાં જરૂરી દવાખાનાં તથા સ્વાસ્થ્યકેન્દ્રો આવેલાં છે.

જિલ્લામાં બે તાલુકા (ફૈઝાબાદ અને બિકાપુર) તથા નવ સમાજવિકાસ ઘટકો આવેલા છે. એક લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં ફૈઝાબાદ, ફૈઝાબાદ કૅન્ટૉનમેન્ટ તેમજ અયોધ્યાનો સમાવેશ થાય છે.

ઇતિહાસ : આજના ફૈઝાબાદ જિલ્લાનો પ્રદેશ પ્રાચીન ભારતીય સાહિત્ય અને ઇતિહાસ મુજબ કોશલ સામ્રાજ્યનો એક ભાગ હતો. ત્યારે પણ અયોધ્યા તેનું મુખ્ય નગર હતું. તે પ્રાચીન સમયનું રઘુવંશી રાજાઓનું રાજધાનીનું સ્થળ હતું. આ કોશલ પ્રદેશમાં 125 જેટલા રાજાઓ થઈ ગયેલા, તે પૈકી 91 જેટલા રાજાઓએ મહાભારતના યુદ્ધના અંતિમ સમય સુધીમાં અહીં રાજ્ય કરેલું, બાકીના પછીના સમયમાં થયા. આ વંશનો છેલ્લો રાજા ઈ. પૂ. ચોથી સદીમાં થઈ ગયો. કોશલ સામ્રાજ્યની સંસ્કૃતિની ચરમસીમા શ્રીરામના વખતમાં હતી, તેમણે રામરાજ્યની સ્થાપના કરેલી.

ઈ. પૂ. ચોથા સૈકામાં ભારતભરમાં મગધનું સામ્રાજ્ય આગળ પડતું હતું. ત્યાંના નંદવંશના રાજાઓનું કોશલ પ્રદેશ પર આધિપત્ય હતું. ઈ. પૂ. ચોથા સૈકાના છેલ્લા ચરણમાં ચંદ્રગુપ્ત મૌર્યે આ સમગ્ર પ્રદેશનો કબજો મેળવ્યો અને મૌર્યવંશે ઈ. પૂ. 184 સુધી ત્યાં શાસન કર્યું. તે પછીથી શુંગવંશ આવ્યો, તેમણે તેમનું પાટનગર પાટલિપુત્ર ખાતે ખેસવ્યું. ઈ.સ.ની પહેલી સદીમાં કોશલ પ્રદેશ પર કુશાણ વંશના રાજાઓનું શાસન આવ્યું, જે તે પછીનાં સો વર્ષ સુધી ચાલ્યું. ત્યારબાદ આ પ્રદેશ ગુપ્તવંશના રાજવીઓને હસ્તક ગયો, તેમણે તેમના સામ્રાજ્યની સીમાઓ સાકેત (અવધ) અને પ્રયાગ (અલાહાબાદ) સુધી વિસ્તારી. એમ માનવામાં આવે છે કે પાંચમી સદીના અરસામાં ગુપ્ત સામ્રાજ્ય વખતે પાટલિપુત્ર કરતાં પણ અયોધ્યાનું મહત્વ વિશેષ હતું અને તે મુખ્ય શહેરનો દરજ્જો ભોગવતું હતું. છઠ્ઠી સદીમાં ગુપ્ત સામ્રાજ્ય પડી ભાંગ્યું. આ પ્રદેશ કનોજ રાજ્યના કબજા હેઠળ આવ્યો. મોખરી, ગુર્જરો, પ્રતિહારો અને ગાહડવાલોનાં શાસનો આવ્યાં; તેમનો છેલ્લો રાજવી જયચંદ રાઠોડ છેવટે શાહબુદ્દીન ઘોરીને હાથે કારમો પરાજય પામ્યો.

કનોજના રાજવી જયચંદના પતન બાદ અહીં દિલ્હી સલ્તનતનો ઉદય થયો. અહીંની સત્તાનો દોર દિલ્હી-સુલતાનો દ્વારા નિમાયેલા સૂબેદારો(ગર્વનરો)ના હાથમાં ગયો. અકબરના રાજ્યકાળ દરમિયાન, ફૈઝાબાદનો આજનો પ્રદેશ બે પ્રાંતો (સૂબા) અને સરકારો(જિલ્લા)માં વહેંચાયેલો હતો. તે પૈકી પશ્ચિમ તરફનો અર્ધો ભાગ અવધને હસ્તક અને બાકીનો અર્ધો જૉનપુરને હસ્તક હતો. 1722માં અવધના સૂબેદાર તરીકે સદાત અલીખાનની નિમણૂક થતાં અવધમાં નવાબી વંશની સ્થાપના થઈ. આ આખોય પ્રદેશ અવધ પ્રાંત તરીકે જાહેર થયો. સદાત અલીખાન મોટેભાગે અયોધ્યા ખાતે જ રહેતો. તે પછી શુજા-ઉદ્-દૌલાએ ફૈઝાબાદને રાજધાની બનાવ્યું. ફૈઝાબાદ સમૃદ્ધ થતું ગયું; એટલું જ નહિ, તે કલા અને સંસ્કૃતિનું મથક બની રહ્યું. તેના પુત્ર અસફ-ઉદ્-દૌલાએ અહીં સાત વર્ષ શાસન કરીને રાજધાનીનું સ્થળ લખનૌમાં રાખ્યું.

1856ના ફેબ્રુઆરીમાં અવધ છેવટે બ્રિટિશ સામ્રાજ્યનો એક ભાગ બન્યું. તે દરમિયાન ફૈઝાબાદ આ પ્રદેશનું વહીવટી વડું મથક રહેલું. 1995ના સપ્ટેમ્બરની 29મી તારીખે અગાઉના ફૈઝાબાદ જિલ્લા-(વિસ્તાર : 4511 ચોકિમી.)નું વિભાજન થયું અને તેમાંથી આંબેડકરનગરનો અલગ જિલ્લા-સમકક્ષ વિભાગ રચાયો છે, પરંતુ હજી તેનો પૂર્ણ અમલ શરૂ થયો નથી.

ફૈઝાબાદ (શહેર) : ભૌગોલિક સ્થાન : 26° 47´ ઉ. અ. અને 82° 10´ પૂ. રે. તે લખનૌથી પૂર્વ તરફ ઘાઘરા નદી પર આવેલું છે. અવધ(અયોધ્યા)ના પહેલા નવાબ સદાત અલીખાને 1730માં તે વસાવેલું અને તેને પાટનગર પણ બનાવેલું, પરંતુ પોતે ત્યાં ઓછો વખત રહેલો. ત્રીજો નવાબ શુજા-ઉદ્-દૌલા ત્યાં રહેલો. તેણે નદી પર 1764માં કિલ્લો પણ બાંધેલો. તેનો અને તેની બેગમનો મકબરો આ શહેરમાં આવેલો છે. 1775માં અહીંથી પાટનગરના સ્થાનને લખનૌ ખાતે ખસેડવામાં આવ્યું. આથી ધીમે ધીમે તેનું મહત્વ ઘટતું ગયું. વળી ઓગણીસમી સદીમાં તેનો નાશ થયેલો, પરંતુ તે ફરીથી વસ્યું છે. ઉત્તર ભારતનાં અન્ય શહેરો સાથે તે રેલ અને સડકમાર્ગોથી જોડાયેલું છે. અહીં ખાંડ બનાવવાનું કારખાનું તથા તેલ પીલવાનાં ઘણાં કારખાનાં આવેલાં છે. વળી તે ખેતીની પેદાશોનું કેન્દ્ર પણ છે. શહેરમાં ઘણાં સંગ્રહાલયો આવેલાં છે. એક વેટરિનરી કૉલેજ તેમજ અન્ય બે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે. આજનું અયોધ્યા ફૈઝાબાદનો જ એક ભાગ છે. આ શહેરની વસ્તી 1,77,505 (1991) જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા