ફૈઝલાબાદ : પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધા વિભાગમાં આવેલો જિલ્લો (ક્ષેત્રફળ : 9,106 ચોકિમી.) અને તે જ નામ ધરાવતું જિલ્લાનું વડું મથક તથા શહેર. 1979 સુધી તે લ્યાલપુર નામથી ઓળખાતું હતું. ભૌગોલિક સ્થાન : 31° 30´ ઉ. અ. અને 73° 04´ પૂ. રે. ચિનાબ અને રાવી નદીઓના સંગમસ્થાનથી ઉપરવાસમાં રચાતા રેચના જિહવાકાર મેદાની પ્રદેશમાં (Rechna Doab) તે વસેલું છે. તે પંજાબનાં મેદાનોના મધ્ય ભાગમાં આવેલું હોવાથી માલસામાન તથા પેદાશી ચીજવસ્તુઓ માટેનું મહત્ત્વનું વિતરણ-મથક બની રહેલું છે. આ ઉપરાંત તે સડકમાર્ગે, રેલમાર્ગે તેમજ હવાઈ માર્ગે મુલતાન, લાહોર તથા કરાંચી સાથે સંકળાયેલું પણ છે. ચિનાબ અને રાવી વચ્ચેના ફળદ્રૂપ મેદાની પ્રદેશમાં રાવીની નહેરો દ્વારા સિંચાઈની સુવિધાથી ઘઉં, શેરડી અને કપાસની કૃષિ-પેદાશો લેવાય છે. અહીંના ઉદ્યોગોમાં રાસાયણિક ખાતરો, કૃત્રિમ રેસા, ઔષધો, વિવિધ પ્રક્રમિત પેદાશો, ઘી, તેલ, સાબુ, કાપડ, હોઝિયરી, ખાંડ અને આટાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે કાપડ અને અનાજ માટે જથ્થાબંધ બજાર પણ ધરાવે છે. અહીં બે ઉદ્યાનો, ઘણી શાળાઓ, પાકિસ્તાન કૃષિ યુનિવર્સિટી (1961) તથા પંજાબ યુનિવર્સિટી-સંલગ્ન ઘણી કૉલેજો આવેલી છે. 1898માં રચાયેલી મ્યુનિસિપાલિટી દ્વારા આ શહેરનો વહીવટ થાય છે.

1890માં તત્કાલીન પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર સર ચાર્લ્સ જેમ્સ લ્યાલે આ નગરની સ્થાપના કરેલી ત્યારથી 1979 સુધી તે લ્યાલપુર તરીકે ઓળખાતું રહેલું અને તે પછી તેનું નામ ફૈઝલાબાદ રાખવામાં આવેલું છે. અગાઉ આ જિલ્લો મુલતાન વિભાગનો પ્રદેશ હતો. નજીકના ઝાંગ, મઘિયાના, શેખુપુરા અને સહિવાલ જિલ્લાઓમાંથી 1904માં આ નવા જિલ્લાની રચના કરવામાં આવેલી છે. 2023ની વસ્તીગણતરી મુજબ જિલ્લા અને શહેરની વસ્તી અનુક્રમે 36,94,999 અને 90,75,819 છે.

ગિરીશભાઈ પંડ્યા