ફેલ્સ્પેથૉઇડ ખડકો : અગ્નિકૃત ખડકોનો એક વિશિષ્ટ પ્રકાર. આ પ્રકારના ખડકોના બંધારણમાં રહેલાં ખનિજોમાં સિલિકાથી અતૃપ્ત ફેલ્સ્પેથૉઇડ વર્ગનાં ખનિજો – લ્યુસાઇટ, નેફેલીન, કેન્ક્રિનાઇટ, સોડાલાઇટ, હોયેન, નોસિયન, લેઝ્યુરાઇટ–નો સમાવેશ થાય છે. આ ખડકો સિલિકા અને ઍલ્યુમિનિયમના સંબંધમાં આલ્કલી(Na2O + K2O)ની ઊંચી ટકાવારીની વિશિષ્ટતાવાળા હોય છે. આ ખડકો કુદરતમાં અંત:કૃત, અગ્નિકૃત તેમજ બહિર્ભૂત (જ્વાળામુખીજન્ય) અગ્નિકૃત ખડકને સ્વરૂપે મળી આવે છે. તેમનાં ઉદાહરણ આ પ્રમાણે છે : (1) અંતકૃત ફેલ્સ્પેથૉઇડ ખડકો : નેફેલીન સાયનાઇટ, નેફેલીન સોડાલાઇટ સાયનાઇટ, ટેસ્ક્નાઇટ, ઇસેક્સાઇટ; (2) બહિર્ભૂત ફેલ્સ્પેથૉઇડ ખડકો : ફોનોલાઇટ, લ્યુસિટોફાયર, બેસેનાઇટ, ટેફ્રાઇટ, લ્યુસિટાઇટ, નેફેલીનાઇટ.
આ ખડકો સિલિકાની ત્રુટિવાળા હોવાથી તેમના કોઈ પણ પ્રકારમાં ક્વાર્ટ્ઝ ખનિજ હોઈ શકતું નથી.
વ્રિજવિહારી દીનાનાથ દવે