ફેલોપિયસ, ગેબ્રિયલ

February, 1999

ફેલોપિયસ, ગેબ્રિયલ (જ. 1523, મોડેના; અ. 1562, પાદુઆ) : સોળમી સદીના ઇટાલીના એક અત્યંત જાણીતા શરીર રચનાશાસ્ત્રના વિદ્વાન (anatomist). તેમણે કારકિર્દીની શરૂઆત મોડેનાના ખ્રિસ્તી ધર્માધિકારી (canon of cathedral) તરીકે કરી. ત્યારબાદ ફેરારા વિશ્વવિદ્યાલયમાં તેમણે વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો અને સમય જતાં ત્યાં શરીરરચનાશાસ્ત્રના શિક્ષક તરીકે નિમાયા. ત્યારબાદ પીસા (1548–51) અને પાદુઆ(1551–1562)નાં વિશ્વવિદ્યાલયોમાં શરીર-રચનાના પ્રાધ્યાપક તરીકેની ફરજ બજાવી. આ સમય દરમિયાન તેમણે અનેક માનવ-મૃતદેહોનું વિચ્છેદન કરીને શરીરની આંતરિક રચનાનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું. આ નિરીક્ષણના આધારે તેમના દ્વારા લખાયેલા ‘Obeservationes anatomicae’ પુસ્તકથી તે સમયના આયુર્વૈજ્ઞાનિકો પ્રભાવિત થયા હતા. તેઓમાં પ્રખ્યાત પુનરુભ્યુદય શરીરરચના–વિજ્ઞાની એંદ્રિયાસ વેસાલિયસનો પણ સમાવેશ થાય છે.

ગેબ્રિયલ ફેલોપિયસ

ફેલોપિયસનાં સંશોધનોમાં અંડવાહિની (oviduct, જે હવે ફેલોપિયન નલિકા તરીકે ઓળખાય છે), યોનિમાર્ગ (vagina), ભરાશિશ્નિકા (clitoris), ઓર (placenta), શીર્ષ અને ચહેરાના ચેતાતંતુઓ, અંત:સ્થ કર્ણની અર્ધગોળાકાર નલિકાઓ અને શંખિકા(cochlea)નો સમાવેશ થાય છે.

ફેલોપિયસ વેસાલિયસના સમર્થક હતા. પરિણામે આયુર્વિજ્ઞાન ક્ષેત્રે, પ્રચલિત જૂના વિચારોના સ્થાને નૂતન આયુર્વિજ્ઞાનને લગતી વિચારસરણીને વેગ મળ્યો.

મ. શિ. દૂબળે