ફેલ્સાઇટ (felsite) : અગ્નિકૃત ખડકનો એક પ્રકાર. તે સૂક્ષ્મ-સમદાણાદાર દ્રવ્યથી બનેલો ઍસિડિક કે વચગાળાના ખનિજબંધારણવાળો હોય છે. ખનિજબંધારણ મુખ્યત્વે ફેલ્સિક ખનિજોથી બનેલું હોય છે. તે ઉપરાંત ક્વાર્ટ્ઝ અને પૉટાશ ફેલ્સ્પારનાં જૂથ પણ હોય છે. તેમાં મહાસ્ફટિકો હોય કે ન પણ હોય; જો હોય તો સૂક્ષ્મ સ્ફટિકમય દ્રવ્યથી જડાયેલા હોય છે, ન હોય તો એકલું સૂક્ષ્મસ્ફટિકમય દ્રવ્ય હોય છે. જો તેમાં ક્વાર્ટ્ઝના મહાસ્ફટિકો હોય તો તેને ક્વાર્ટ્ઝ પૉર્ફીરી અથવા ફેલ્સાઇટ પૉર્ફીરી કહેવાય છે. ફેલ્સાઇટ પૉર્ફીરી કહેવા માટે તેમાં નરી આંખે ઓળખી શકાય એટલા પરિમાણવાળા મહાસ્ફટિકોનું વિપુલ પ્રમાણ હોવું આવશ્યક ગણાય છે.

ઘટ્ટ, આછા રંગવાળા આ પ્રકારના અગ્નિકૃત ખડકો કે જેમાં નરી આંખે પારખી ન શકાય એટલા નાના કદના સૂક્ષ્મ સ્ફટિકો રહેલા હોય ત્યારે તેમની કણરચના માટે ‘ફેલ્સાઇટિક’ શબ્દ વપરાય છે, જે સૂક્ષ્મ સ્ફટિકમય કણરચનાનો સમાનાર્થી છે. સૂક્ષ્મ સ્ફટિકમય દ્રવ્યમાંનાં ખનિજો માત્ર સૂક્ષ્મદર્શક હેઠળ જ પારખી શકાય છે, પરંતુ તે કાચમય ન હોવું જોઈએ. આ પ્રકારનું સૂક્ષ્મ સ્ફટિકમય દ્રવ્ય વિકાચીકરણ દ્વારા ઉદભવતું હોય છે. જૂના ભૂસ્તરીય કાળના ઘણા રહાયોલાઇટ, ઑબ્સિડિયન અને પિચસ્ટોનના કાચમય દ્રવ્યનું વિકાચીકરણ થવાથી તે ફેલ્સાઇટિક કણરચનાવાળા બનેલા છે. ફેલ્સાઇટ ખડકો મોટેભાગે પ્રાદેશિક ખડકોમાં અથવા એ જ પ્રકારનું માતૃદ્રવ્ય ધરાવતા અંત:કૃત ખડકોમાં ડાઇક કે શિરાઓ સ્વરૂપે મળે છે.

ગિરીશભાઈ પંડ્યા