ફેરો : ઇજિપ્તના પ્રાચીન રાજા માટે વપરાતો શબ્દ. ઇજિપ્તની ભાષામાં તેનો અર્થ ‘રાજમહેલ’ થાય છે. ઇજિપ્તના અઢારમા રાજવંશથી એટલે કે ઈ. પૂ. 1554થી ત્યાંનો રાજા ‘ફેરો’ કહેવાતો અને બાવીસમા રાજવંશથી એટલે ઈ. પૂ. 954થી તે માનદર્શક ખિતાબ તરીકે વપરાવા લાગ્યો. ઓલ્ડ ટેસ્ટામેન્ટના લેખકોએ ઇજિપ્તના રાજાના ખિતાબ તરીકે ‘ફેરો’ શબ્દનો ઉપયોગ કર્યો છે.

ઇજિપ્તના લોકો ફેરોને દેવ માનતા. તેઓ ફેરોને આકાશનો દેવ હોરસ અને સૂર્ય(Re)નો માનવસ્વરૂપે અવતરેલો પુત્ર પણ માનતા. ફેરો બધી જમીનની માલિકી ધરાવતો અને લોકો ઉપર શાસન ચલાવતો. વાસ્તવમાં, તેની સત્તાઓ કેટલીક વાર પાદરીઓ અને ઉમરાવોનાં જૂથ દ્વારા મર્યાદિત કરવામાં આવતી. લોકો માનતા કે ફેરો દૈવી અધિકારો ધરાવે છે, તે સર્વસત્તાધીશ છે, યુદ્ધના મેદાનમાં હજારો દુશ્મનોને કચડી નાખવાને શક્તિમાન છે અને કુદરતને પણ અંકુશમાં રાખી શકે છે.

પોતાની પ્રજાનું આર્થિક અને આધ્યાત્મિક કલ્યાણ કરવાની તથા ન્યાય આપવાની તેની જવાબદારી હતી. તેને મદદ કરવા અનેક અમલદારો નીમવામાં આવતા હતા. તેઓ કર ઉઘરાવવાનું, ન્યાય આપવાનું વગેરે કાર્યો કરતા હતા.

થટ્મોસ સૌથી પહેલો મહાન ફેરો થઈ ગયો. તેના પછી તેની પુત્રી હેટશેપ્સટ ઇજિપ્તની સમ્રાજ્ઞી અને દુનિયાની પ્રથમ મહિલાશાસક (ઈ. પૂ. 1501–1479) બની. તેના મૃત્યુ બાદ તેનો પતિ થટ્મોસ ત્રીજો ફેરો બન્યો. તે એક મહાન વિજેતા હતો. ઇખનાટન અથવા એમેન્હોટેપ – ચોથો મહાન ધર્મસુધારક અને ર્દષ્ટિસંપન્ન ફેરો હતો. તેણે અનેક દેવદેવીઓને બદલે માત્ર સૂર્યને દેવ માનવાનો હુકમ કર્યો. તેથી તે એકેશ્વરવાદી ફેરો બન્યો.

જયકુમાર ર. શુક્લ