ફેન, જૉન બી. (જ. 15 જૂન 1917, ન્યૂયૉર્ક) : અમેરિકન રસાયણવિદ્ અને 2002ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1940માં યેલ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં પીએચ.ડી. મેળવ્યા પછી તેમણે એક દસકો ઉદ્યોગક્ષેત્રે ગાળ્યો. 1952માં તેઓ પ્રિન્સટન યુનિવર્સિટીમાં જોડાયા. 1967માં તેઓ યેલ યુનિવર્સિટીમાં જોડાયા અને 1987માં માનાર્હ પ્રાધ્યાપક બન્યા. 1994માં તેઓ વર્જિનિયા કૉમનવેલ્થ યુનિવર્સિટીમાં સંશોધન-પ્રાધ્યાપક તરીકે જોડાયા. તેમણે વીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોથી વિજ્ઞાનનાં ઘણાં ક્ષેત્રોમાં પૃથક્કરણ માટે વપરાતી દળ સ્પેક્ટ્રમમિતિ (mass spectrometry) નામની ટૅકનિકના ઉપયોગનો વિસ્તાર કર્યો. આ પદ્ધતિ દ્રવ્યના સૂક્ષ્મ (minute) નમૂનામાં રહેલા અજ્ઞાત સંયોજનને પારખવામાં, જ્ઞાત સંયોજનનો જથ્થો નક્કી કરવામાં તેમજ સંયોજનોનાં અણુસૂત્રો તારવવામાં  મદદ કરી શકે છે. દસકાઓ થયાં વૈજ્ઞાનિકો આ પદ્ધતિનો નાના તથા મધ્યમ-પરિમાપના અણુઓના પૃથક્કરણ માટે ઉપયોગ કરતા આવ્યા છે અને પ્રોટીન જેવા મોટા અણુઓના અભિનિર્ધારણ માટે આ પદ્ધતિ ઉપયોગમાં લેવાનું સ્વપ્ન સેવતા આવ્યા છે. જનીનિક સંકેત(genetic code)ના ઉકેલ તથા જનીન-શ્રેણીઓ(gene sequences)ના અન્વેષણ બાદ પ્રોટીનના અણુઓનો વિગતવાર અભ્યાસ કરવાનું તથા કોષમાં તેઓ કેવી રીતે પારસ્પરિક ક્રિયા કરે છે તે જાણવાનું ખૂબ મહત્વનું બની ગયું હતું.

દળ સ્પેક્ટ્રમમિતિ પદ્ધતિની એક જરૂરિયાત એ છે કે તેમાં નમૂનો વાયુરૂપ આયનોના અથવા વીજભારિત અણુઓના સ્વરૂપમાં હોવો જોઈએ. પ્રોટીનના અણુઓ આ માટે મોટો પ્રશ્ન ઊભો કરતા હતા, કારણ કે વર્તમાન આયનીકરણ ટેક્નીકો તેમની ત્રિપરિમાણી સંરચનાને ખંડિત કરતી હતી. ફેન અને જાપાની વૈજ્ઞાનિક તનાકા  બંનેે એ મોટા અણુઓને આવા અવક્રમણ (degradation) વિના વાયુ સ્વરૂપમાં ફેરવવાની અલગ અલગ રીત વિકસાવી.

1980ના ઉત્તરાર્ધમાં ફેને વિદ્યુત-છંટકાવ(electro spray)આયનીકરણની રીત શોધી કાઢી. તેમાં પ્રબળ વીજક્ષેત્રમાં નમૂનાના દ્રાવણનું અંત:ક્ષેપન કરવામાં આવે છે. આને લીધે તે વીજભારિત બિંદુકો(droplets)ના બારીક છંટકાવ રૂપે પરિક્ષેપિત થાય છે. આ પ્રત્યેક બિંદુક બાષ્પીભવન પામી સંકોચાય છે, ત્યારે તેની સપાટી પરનું વીજક્ષેત્ર એટલું બધું પ્રબળ બની જાય છે કે તે વૈયક્તિક અણુઓને ટીપામાંથી બહાર ફેંકી દે છે. આ રીતે દળ સ્પેક્ટ્રમમિતિ માટે ઉપયોગી એવાં મુક્ત આયનો ઉદભવે છે.

ફેન અને તનાકાથી અલગ સ્વિસ વૈજ્ઞાનિક કુર્ત વુથ્રિકે નાભિકીય ચુંબકીય સ્પંદન(nuclear magnetic resonance)ની ટૅકનિકનો ઉપયોગ આવા મોટા અણુઓને જોવાની અને કોષમાં તેઓ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો. તેમની આ સિદ્ધિ એવી હતી કે તેણે રાસાયણિક જૈવશાસ્ત્ર(chemical biology)ને આજના સમયના એક મહાવિજ્ઞાનમાં ફેરવી નાખ્યું છે. આ માટે 2002ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારનો અર્ધભાગ ફેન અને તનાકાને તથા બાકીનો અર્ધભાગ વુથ્રિકને એનાયત કરવામાં આવ્યો હતો.

જ. દા. તલાટી