ફેકોલિથ : સંવાદી અંતર્ભેદકોનો એક પ્રકાર. ઊર્ધ્વવાંકના શીર્ષભાગમાં કે અધોવાંકના ગર્તભાગમાં ચાપ-સ્વરૂપે પ્રવિષ્ટ પામેલું સંવાદી અંતર્ભેદક. ઊર્ધ્વવાંકમાં હોય ત્યારે તેમનો સામાન્ય આકાર બહિર્ગોળ અને અધોવાંકમાં હોય ત્યારે તે અંતર્ગોળ દેખાય છે. વિરૂપક બળોની અસર હેઠળ સ્તરોનું જ્યારે ગેડીકરણ થાય ત્યારે ગેડના શીર્ષ અને ગર્તભાગો ક્યારેક એકબીજાના સંદર્ભમાં ખસીને વચ્ચેથી પહોળાં ચાપ આકારનાં પોલાણો તૈયાર કરતાં હોય છે. આવાં પોલાણો પછીથી જ્યારે પણ મૅગ્મા દ્રવ્યથી ભરાઈ જાય ત્યારે જે અંતર્ભેદક તૈયાર થાય છે તેને ફેકોલિથ કહે છે. તે સ્તરોને સમાંતર ગોઠવાતાં હોવાથી તેમને સંવાદી અંતર્ભેદક કહેવાય છે. કોઈ કોઈ જગાએ તો તે કોણીય ગેડ સાથે પણ સંકળાયેલાં જોવા મળે છે.

આકૃતિ 1 : sh = શેલ, cg = કૉંગ્લોમેરટ, g = ગ્રૅનાઇટ, s = રેતીખડક, E = ઘસારા અગાઉનું ર્દશ્ય,
MN = છેદરેખા, (10)….. _I_ (50) = સ્તર નમન

આકૃતિ 2 : સેડલ રીફ

ગેડીકરણ દરમિયાન જ જો મૅગ્મા આવાં પોલાણોમાં પ્રવેશે તો ઉપરનો સ્તર વધુ ઉપર તરફ ખસે છે, અંતર્ભેદકની જાડાઈ વધે છે. આમ મૅગ્મા સ્વયં  પોતાનું સ્થાન તૈયાર કરવા જગ્યા કરી લે છે. સ્થાન અને સંજોગભેદે ફેકોલિથની જાડાઈ અને લંબાઈ થોડાક મીટરથી ઘણા મીટર સુધીની હોઈ શકે છે. એક પછી એક ઉપર-નીચે ગોઠવાયેલા તમામ કે કેટલાક ગેડસ્તરો વચ્ચે (સ્તરસંધિસપાટી પર) આવાં પોલાણો હોય અને તે બધાં જ (કે મોટાભાગનાં) મૅગ્માથી ભરાઈ જાય તો ફેકોલિથની શ્રેણી (જૂથ) રચાય છે. આ જ રીતે ક્યારેક ઓછા તાપમાનવાળાં ખનિજીય દ્રાવણો જો તેમાં પૂરણી પામે તો ખનન માટે તે કાર્યોપયોગી અને આર્થિક રીતે ફળદાયી નીવડી શકે છે; જેમ કે ઑસ્ટ્રેલિયાના બેન્ડિગોમાં મળતા સુવર્ણ-ક્વાર્ટ્ઝ ધાતુખનિજ-નિક્ષેપો; ગુજરાતમાં શિવરાજપુર ખાતેના કોણીય ગેડવાળા (અધોવાંકમય ગર્ત-વિભાગોમાં) ખડકોમાં મૅંગેનીઝના ધાતુખનિજ-નિક્ષેપો. બેન્ડિગો અને શિવરાજપુરના આ નિક્ષેપ-પ્રકારો પૂરણી-નિક્ષેપો(cavity filling deposits)ના સંદર્ભમાં ‘સેડલરીફ્સ’ (saddlereefs) નામથી ઓળખાય છે. આજે આ બંને સ્થળો પર ખાણકાર્ય થતું નથી.

ગિરીશભાઈ પંડ્યા