ફૂલનિ મુઠિ (1927) : સિંધી નિબંધસંગ્રહ. અર્વાચીન સિંધી સાહિત્યના ઉત્થાનકાળના પ્રારંભિક નિબંધ-સંગ્રહોમાં આ સંગ્રહ વિશેષ મહત્વનો છે. આમાંના નિબંધો આ અગાઉ પ્રગટ થયેલા નહોતા, પરંતુ રચયિતા લાલચંદ અમરડિનોમસ(1885–1954)ની રોજનીશીમાંથી તે સંગૃહીત કરાયા છે. લાલચંદ એમના રોજિંદા વિચારો અને અનુભવોને વિસ્તારથી પોતાની ડાયરીમાં નોંધી લેતા હતા. તેમાં તેમની અંગત શિવ-ભાવનાઓનો સ્પર્શ પણ રહેતો. એ રીતે તેમના આંતરમનની અભિવ્યક્તિ સાથે સ્વતંત્ર વિચારો પણ રજૂ થતા હતા. આ ડાયરીમાંથી તેમનાં અમુક વિચારવિષયનાં લખાણો લઈને આ સંગ્રહ પ્રગટ કરવામાં આવ્યો છે.
આ પુસ્તકની પ્રસ્તાવનામાં લેખક લખે છે : ‘મેં વિચાર્યું કે પોતે વિચારેલા તેમજ સાંભળેલા અને વાંચેલા નિબંધોના સંક્ષેપ, પોતાની ડાયરીમાંથી કાઢીને, પુસ્તકસ્વરૂપે રજૂ કરું તો સિંધી સાહિત્યને લાભ થશે.’ આ ખ્યાલથી તૈયાર થયેલા આ સંગ્રહમાં ‘આસમાન જો નઝારો’, ‘સારંગ સાવણ લાયા વે’ (પ્રકૃતિ પ્રેમ), ‘ભંભોર’, ‘ચમનહિન્દ’ (સ્થળવર્ણન), ‘શાયર કેર !’, ‘શાહ ઐં સચલ’ (સાહિત્યિક), ‘કુઘાઈ’, ‘પ્રેમ’, ‘ઉમ્મેદ’, ‘સપના’ (મનોવિજ્ઞાન), ‘અકબરે-આઝમ’, ‘શિવાજી’ (જીવનચરિત્રો’, ‘આબેહયાત’, ‘ઉસ ઐં હવા’ (સ્વાસ્થ્ય); ‘અચરજ જહિડિયૂં રસ્મૂં ઐં રિવાજ’ (સમાજશાસ્ત્ર), ‘ગોઠન વારો પંચાયતી સિરશ્તો’ (નાગરિકશાસ્ત્ર) જેવા નિબંધો છે, જે વિષયોની વિવિધતાનો ખ્યાલ આપે છે.
લેખકની પ્રવાહી સુંદર ભાષા અને વિવિધરંગી રજૂઆતના કારણે આ પુસ્તક સિંધી સાહિત્યનું એક ઉલ્લેખનીય પુસ્તક ગણાય છે.
જયંત રેલવાણી
હુંદરાજ બલવાણી