ફૂર્ફ્યુરાલ(Furfural)

February, 1999

ફૂર્ફ્યુરાલ(Furfural) : મકાઈનાં કણસલાં (ડૂંડાં) (cobs)માંથી મળતા તેલમાંનો મુખ્ય ઘટક. તેને ફૂર્ફ્યુરાલ્ડિહાઇડ, ફ્યુરાલ, 2–ફ્યુરાલ્ડિહાઇડ પાયરોમ્યુસિક આલ્ડિહાઇડ અથવા 2–ફ્યુરાનકાર્બોક્સાલ્ડિહાઇડ પણ કહે છે. અણુસૂત્ર : C4H3OCHO અથવા ઓટ(યવ)નાં તથા ડાંગરનાં ફોતરાં, મકાઈનાં ડૂંડાં, શેરડીના કૂચા (બગાસે) વગેરે સેલ્યુલોઝયુક્ત અપશિષ્ટ (waste) પદાર્થોને વરાળ તથા મંદ ઍસિડ સાથે ગરમ કરવાથી ફૂર્ફ્યુરાલનું ઉત્પાદન કરી શકાય છે. વ્યાપારી ધોરણે તેનું પ્રથમ ઉત્પાદન 1922માં કરવામાં આવ્યું હતું. તેની વાસ બેન્ઝાલ્ડિહાઇડને મળતી હોય છે. શુદ્ધ હોય ત્યારે તે રંગવિહીન હોય છે. પણ હવામાં ખુલ્લું રાખતાં તથા પ્રકાશની હાજરીમાં તે લાલાશ પડતા તપખીરિયા રંગનું બને છે. તે પાણીમાં 8.3 % જેટલું દ્રાવ્ય છે. જ્યારે આલ્કોહૉલ, ઇથર અને બેન્ઝિનમાં દ્રાવ્ય છે. તેનું ઠારબિંદુ 36·5° સે., ઉત્કલનબિંદુ 161·7° સે., ઘનતા 1·1598 અને વક્રીભવનાંક 1·5260 (20° સે.) છે. ચામડી દ્વારા શોષાય તો તે વિષાળુ અસર દર્શાવે છે; આંખો, ત્વચા અને શ્લેષ્મકલા (mucous membrane) ઉપર બળતરા કરે છે.

તે આલ્ડિહાઇડ સમૂહ ઉપરાંત ઇથર બંધ (linkage) તથા એકાંતરિક (alternate) એક- અને દ્વિબંધ ધરાવે છે. આથી તે ઘણાં સંયોજનો સાથે પ્રક્રિયા કરી શકે છે. તે રેઝિન પણ બનાવી શકે છે.

તેનો મુખ્ય ઉપયોગ ઊંજણ તેલો, બ્યૂટાડાઇન રોઝિન વગેરેને શુદ્ધ કરવા માટેના દ્રાવક તરીકે, ફૂગનાશક, કીટનાશક તથા ચેપનાશક તરીકે થાય છે. તે નાનાં તૃણોનો નાશ કરે છે. ફ્યુરૉઇક ઍસિડ અને બ્યૂટાઇલ ફ્યુરોએટ જે મુખ્યત્વે લાખ (lacquer) ઉદ્યોગમાં વપરાય છે તે ફૂર્ફ્યુરાલમાંથી મેળવાય છે. ટેટ્રાહાઇડ્રૉફ્યુરાન, ફૂર્ફ્યુરાઇલ આલ્કોહૉલ, ફિનૉલિક તથા ફ્યુરાન બહુલકો બનાવવા મધ્યસ્થી તરીકે લાઇસીનના ઉત્પાદનમાં તથા વિરલ મૃદા (rare-earths) તેમજ ધાતુઓના શુદ્ધીકરણમાં, સુગંધીકારક તરીકે તેમજ વિશ્લેષણ માટેના પ્રક્રિયક તરીકે વપરાય છે.

જ. પો. ત્રિવેદી