ફૂલછાબ : રાજકોટ અને સૂરતથી પ્રગટ થતું દૈનિક. 1921ના ઑક્ટોબરની બીજી તારીખે સૌરાષ્ટ્રના રાણપુરમાં ‘ફૂલછાબ’ના પુરોગામી ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકને અમૃતલાલ શેઠે શરૂ કર્યું હતું. એ પત્રનો મુખ્ય ઉદ્દેશ સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંઓની જોહુકમીથી પ્રજાને મુક્ત કરાવવાની લડતને વેગ આપવાનો હતો. રાણપુર સૌરાષ્ટ્રમાં હોવા છતાં દેશી રજવાડાનો ભાગ નહિ, પરંતુ બ્રિટિશ શાસન હેઠળ હતું, એ માટે આવું સ્થળ આવા લડાયક પત્ર માટે સલામત ગણાયું હતું. પરંતુ આ ગણતરી ખોટી પડી. રાજવીઓની તવાઈના કારણે દસ વર્ષમાં જ સૌરાષ્ટ્ર કાર્યાલયને સીલ લાગી ગયાં. એના ભેખધારી સંચાલકોમાંથી ઘણાને જેલમાં જવું પડ્યું. આવા એક ભેખધારી કકલભાઈ કોઠારી પણ હતા. છ માસના કારાવાસમાંથી મુક્ત થયા બાદ 1932માં તેમણે ‘ફૂલછાબ’ સાપ્તાહિક શરૂ કર્યું. ‘ફૂલછાબ’ નામ પણ તેમણે જ પસંદ કર્યું હતું. ‘ફૂલછાબ’ નામ પસંદ કરવા પાછળ ખાસ કારણ હતું અને તે એ દર્શાવવાનું કે આ કોઈ રાજકીય પત્ર નથી, પરંતુ સાંસ્કૃતિક પત્ર છે. પાછળથી એનું સંપાદન ઝવેરચંદ મેઘાણીએ સંભાળ્યું હતું. એ મોટા ગજાના સાહિત્યકાર અને રાષ્ટ્રીય શાયર હતા. એમની સાથે ગુણવંતરાય આચાર્ય અને રામુ ઠક્કર જેવા બિનરાજકીય પત્રકાર સાથીઓ જોડાયા. પરિણામે રાજકારણ કરતાં સાહિત્ય અને સંસ્કારલક્ષી બાબતોને તેમાં વધુ સ્થાન અપાતું હતું.

‘ટેબ્લૉઇડ’ના કદમાં પ્રગટ થતા ‘ફૂલછાબ’ના અગ્રલેખો ઝવેરચંદ મેઘાણી પોતાની રસઝરતી અને જોશીલી ભાષામાં લખતા હતા. આ અગ્રલેખો ‘ફૂલછાબ’નું એક વિશેષ આકર્ષણ બન્યું હતું. શુષ્ક ગણાતી રાજકીય સમસ્યાઓની સરળ અને રસપ્રદ છણાવટ અગ્રલેખોમાં કરાતી હતી. ધ્યેયનિષ્ઠ પત્રકારત્વનું ઉત્તમ ર્દષ્ટાંત પૂરું પાડતા આ સાપ્તાહિકનું 1950ના ઑક્ટોબરની બીજીએ દૈનિકમાં રૂપાંતર કરાયું અને તેની સાથે એનું પ્રકાશન રાણપુરના બદલે રાજકોટમાંથી શરૂ કરાયું.

એનું પ્રકાશન સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા શરૂથી જ થાય છે. અન્ય દૈનિકો જ્યારે સમાચારપત્ર કરતાં વધુ મહત્વ ઇતર વાચનસામગ્રીને આપે છે ત્યારે ‘ફૂલછાબ’ પોતાની પરંપરા મુજબ સમાચારોને અને તેમાંય વિશેષ તો સૌરાષ્ટ્રના વિવિધ વિભાગોને લગતા નાનામોટા સમાચારોને પ્રગટ કરતું રહ્યું છે. ‘ફૂલછાબ’ સાહિત્ય, કલા, સંસ્કાર તથા પ્રજાજીવનને સ્પર્શતા પ્રશ્નોનો વૈવિધ્યપૂર્ણ રસથાળ પીરસતું હોવાથી વિશાળ વાચકસમુદાય ઊભો કરી શક્યું છે. વ્યવસાયી પત્રકારોને તંત્રીપદની જવાબદારી સોંપવાના કારણે માલિક-તંત્રીઓ ધરાવતા પત્રોથી તે નોખું પડે છે. ‘ફૂલછાબ’ને હજુ હમણાં સુધી હરસુખભાઈ સંઘાણી જેવા પીઢ અને કર્મઠ તંત્રીની સેવાઓ ઉપલબ્ધ હતી. થોડાક સમય પહેલાં તે નિવૃત્ત થયા હતા અને એ પછી 27 ઑગસ્ટ 1999ના રોજ એમનો દેહાંત થયો. હાલ દિનેશ રાજા એનું તંત્રીપદ સંભાળે છે. ઝવેરચંદ મેઘાણી અને કકલભાઈ કોઠારી જેવા મહાન તંત્રીઓ તથા કાઠિયાવાડની ધીંગી ધરતીની માટીની મહેકના કારણે ‘ફૂલછાબ’ રાષ્ટ્રવાદી અને તટસ્થ પત્રકારત્વની એક મિસાલ ગણાય છે.

સૌરાષ્ટ્રવાસીઓની મોટી સંખ્યા દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થઈ હોવાથી તેનું પ્રકાશન સૂરતથી પણ શરૂ કરાયું છે.

સૌરાષ્ટ્રના સાવજનું બિરુદ પામેલા અને ગુજરાતી પત્રકારત્વમાં નીડરતાના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમા સ્વ. અમૃતલાલ શેઠ, હરગોવિંદ પંડ્યા, જયમલ પરમાર, નિરંજન વર્મા અને હિંમતભાઈ પારેખ જેવા અન્ય પ્રતિબદ્ધ પત્રકારોની ગૌરવવંતી વિરાસત એટલે ‘ફૂલછાબ’.

મહેશ ઠાકર

અલકેશ પટેલ