ફૂટ, રૉબર્ટ બ્રૂસ (જ. 1834; અ. 1912) : બ્રિટિશ ભૂસ્તરશાસ્ત્રી અને પુરાતત્ત્વવિદ. કેટલાક તેમને ભારતીય પ્રાગ્-ઐતિહાસિક અભ્યાસના પ્રણેતા તરીકે પણ નવાજે છે. 24 વર્ષની ઉંમરે તેઓ ભારતીય સર્વેક્ષણ ખાતા(GSI)માં જોડાયા અને ત્યાં 33 વર્ષ સેવાઓ આપી. 1862માં પુરાતત્વીય સર્વેક્ષણ સ્થપાયા પછી તેમાં ભારતમાં મળી આવતા પ્રાગૈતિહાસિક માનવ-અવશેષો પર સંશોધન કરવાનું પદ્ધતિસરનું કાર્ય શરૂ કર્યું. 1863માં તેમણે હાથ-કુહાડીઓની ખોજ કરી આપી. ઉત્ખનન કર્યા વિના, માત્ર સપાટી પર મળતા અવશેષો અને ક્ષેત્રીય અવલોકનો કરીને, તેઓ ભારતીય પ્રાગ્-ઇતિહાસકાળનાં લગભગ ચોકસાઈભર્યાં માળખાં તૈયાર કરી આપવાની ક્ષમતા પણ ધરાવતા હતા, એટલું જ નહિ, તેમાંથી તેઓ યુરોપીય પુરાસાંસ્કૃતિક કાળને સમકક્ષ પુરાપાષાણ, નવપાષાણ કે લોહયુગ જેવા મુખ્ય સાંસ્કૃતિક કાળનાં તારણો કાઢી શકતા હતા. 1903માં મદ્રાસ મ્યૂઝિયમે તેમનો પ્રાગ્-ઐતિહાસિક પુરાવસ્તુઓનો સંગ્રહ ખરીદ કરીને રાખેલો છે. વર્ગીકૃત યાદી ધરાવતું કૅટલૉગ (1914) અને ઇન્ડિયન પ્રી-હિસ્ટૉરિક ઍન્ડ પ્રોટોહિસ્ટૉરિક આર્ટિફૅક્ટ્સ (1916) જેવાં પ્રકાશનો તેમણે વર્ષો સુધી કરેલાં સંશોધનોની દેણગી છે. આ પ્રકાશનો ભારતીય પ્રાગ્-ઐતિહાસિક કાળને પ્રગટ કરી આપે છે.
ગિરીશભાઈ પંડ્યા