ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન (F.A.O.)

February, 1999

ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન (F.A.O.) : સંયુક્ત રાષ્ટ્રસંઘ અંતર્ગત એક સંસ્થા. આ સંસ્થાની સ્થાપના ઑક્ટોબર 1945માં થઈ. તેનું મુખ્ય કાર્યાલય 1951 સુધી વૉશિંગ્ટન ડી. સી. હતું, પરંતુ હવે તે રોમ ખાતે છે. 1943માં તે વખતના અમેરિકાના પ્રમુખ ફ્રૅન્કલિન ડી. રૂઝવેલ્ટે હૉટ સ્પ્રિંગ્ઝ–વર્જિનિયા ખાતે અન્ન અને કૃષિ સાથે સંબંધ ધરાવતી સમસ્યાઓની ચર્ચાવિચારણા કરવા માટે બોલાવેલી આંતરરાષ્ટ્રીય પરિષદની ફલશ્રુતિ રૂપે આ સંસ્થા સ્થપાયેલી. વિશ્વના વિવિધ દેશોમાં આ સંસ્થાનાં કાર્યાલયો સ્થાપવામાં આવ્યાં છે. હાલ 136 દેશો આ સંસ્થાનું સભ્યપદ ધરાવે છે, જેમાંનાં 42 રાષ્ટ્રોની બનેલી કેન્દ્રીય કાઉન્સિલ તેનું નીતિવિષયક સંચાલન કરે છે. સંસ્થાના રોમ ખાતેના મુખ્ય કાર્યાલયના વહીવટી વડાને ડિરેક્ટર-જનરલનું પદ આપવામાં આવ્યું છે. વિશ્વના વિકસતા દેશોને અન્ન તથા કૃષિ ઉત્પાદનની બાબતમાં તકનીકી સલાહ આપી શકે તેવા 2,000 જેટલા નિષ્ણાતોનો કાફલો તેને ઉપક્રમે કાર્ય કરે છે. સંસ્થાની પ્રવૃત્તિઓના સંચાલન માટે સંસ્થાના સભ્ય દેશો પાસેથી નાણાકીય ફાળો લેવામાં આવે છે.

હેતુઓ : (1) સભ્ય દેશોની પ્રજાનું પોષણસ્તર અને જીવનધોરણ સુધારવું; (2) બધી જ અન્ન તથા કૃષિ-પેદાશોનાં ઉત્પાદન તથા તેની વહેંચણીનાં ધોરણો સુધારવાં; (3) વિકસતા દેશોની ગ્રામીણ પ્રજાની પરિસ્થિતિમાં સુધારો થાય તેવાં પગલાં લેવાં અને તે દ્વારા વિશ્વના આર્થિક વિકાસમાં યોગદાન આપવું.

કાર્યો : (1) અન્ન તથા કૃષિને લગતી માહિતી પ્રાપ્ત કરવી, પ્રાપ્ય માહિતીનું અર્થઘટન કરવું તથા તેનો પ્રસાર (dissemination) કરવો, જેમાં આહાર-વિજ્ઞાન, મત્સ્ય-ઉદ્યોગ, જંગલવિજ્ઞાન તથા તેની સાથે સંકળાયેલા અન્ય વિષયો આવરી લેવા; (2) અન્ન, કૃષિ તથા તેની સાથે સંલગ્ન વિષયોનાં ક્ષેત્રોમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર વૈજ્ઞાનિક તથા આર્થિક સંશોધનને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું; (3) પ્રાકૃતિક સંપત્તિ અને સાધનોનું સંરક્ષણ, સંવર્ધન તથા તેના વિવેકપૂર્ણ ઉપયોગને ઉત્તેજન આપવું; (4) અન્ન તથા કૃષિ પેદાશો પર જરૂરી પ્રક્રિયાઓનું સંયોજન (processing) તથા તેનાં વેચાણ અને વહેંચણીની વ્યવસ્થામાં સુધારો કરવો.

સંસ્થાનાં ધ્યેયો તથા કાર્યક્ષેત્રને આધીન રહીને સંસ્થા દ્વારા વિશ્વના કૃષિપ્રધાન વિસ્તારોમાં સંશોધન અને તકનીકી સહાયના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે, જેથી આવા દેશોની પ્રજાના જીવનધોરણમાં સુધારો લાવી શકાય. આહારને લગતાં લઘુતમ ધોરણો નિર્ધારિત કરવાનું કાર્ય સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

પ્રાપ્ત અધિકૃત આંકડાકીય માહિતીને આધારે અન્ન તથા કૃષિને લગતાં ભાવિ વલણો અંગે આગાહી કરવી એ પણ સંસ્થાનું એક અગત્યનું પાસું છે. ઑક્ટોબર 1986માં ખાદ્ય અન્નો અને ખાસ કરીને ઘઉં, ચોખા તથા બરછટ અનાજના ઉત્પાદન અંગે તેમજ વિશ્વ પાસેના તેના અનામત જથ્થા અંગે આ સંસ્થાએ કરેલી આગાહી ઘણી નક્કર તથા ઉપયોગી નીવડી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે