ફૂટબૉલ : પગ વડે દડાને રમવાની રમત. આ રમતમાં દડાને હાથ સિવાય શરીરના કોઈ પણ અવયવ વડે રમી શકાય છે. ફૂટબૉલની રમતની શરૂઆત ક્યારથી થઈ તે કહેવું મુશ્કેલ છે. તે અંગે મતમતાંતરો પ્રવર્તે છે. પાંચ સો વર્ષ પહેલાં પ્રાચીન ગ્રીસમાં ‘હારપેસ્ટમ’ તરીકે ફૂટબૉલની રમત જાણીતી હતી. ઘણા તજ્જ્ઞો એવું જણાવે છે કે ફૂટબૉલની રમતની શરૂઆત અને વિકાસ ગ્રીસના સ્પાર્ટા નગરમાં થયાં હતાં. ઇતિહાસકારોના મત મુજબ ફૂટબૉલની જન્મભૂમિ ઇંગ્લૅન્ડ છે. આજે જે સ્વરૂપમાં ફૂટબૉલની રમત રમાય છે તે 150 વર્ષથી વધુ જૂની નથી. 1863માં લંડનમાં રમતપ્રેમીઓ દ્વારા ફૂટબૉલ ક્લબની સ્થાપના કરવામાં આવી. આ રમત લોકપ્રિય બનતાં અસંખ્ય ફૂટબૉલ-ક્લબો સ્થપાઈ. 1903માં ફૂટબૉલ એસોસિયેશનની સ્થાપના થઈ, જે વિશ્વની સૌપ્રથમ સંસ્થા હતી. આ સંસ્થા રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટનું પદ્ધતિસરનું આયોજન કરતી હતી.
શરૂઆતમાં ફૂટબૉલની રમત માટે મેદાનનું માપ, ખેલાડીઓની સંખ્યા, નિયમો અનિશ્ચિત હતાં. ખેલાડીઓને નિયંત્રણમાં રાખે તેવા નિયમો ન હતા. ટૂંકમાં, 1860 સુધી ફૂટબૉલની રમત અવ્યવસ્થિત રૂપમાં હતી. 1867માં ઇંગ્લૅન્ડની પબ્લિક સ્કૂલોમાં શારીરિક શિક્ષણના કાર્યક્રમમાં ફૂટબૉલની રમતને સામેલ કરવામાં આવી. 1885માં ઇંગ્લૅન્ડમાં વ્યાવસાયિક ફૂટબૉલને સત્તાવાર સ્વરૂપ પ્રાપ્ત થયું. 1885 પછી ઇટાલી, બ્રાઝિલ, ચેકોસ્લોવાકિયા, આર્જેન્ટિના, હંગેરી, ચિલી, યુગોસ્લાવિયા વગેરે દેશોમાં ફૂટબૉલની રમતનો વિકાસ થયો. આ દેશોમાં વ્યાવસાયિક ખેલાડીઓની બોલબાલા રહેતી હતી.
1930માં સૌપ્રથમ વાર વર્લ્ડ ફૂટબૉલ કપ(જૂલે રિમોટ કપ)નું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારથી દર ચાર વર્ષે નિયમિત રૂપે વર્લ્ડ કપ યોજવામાં આવે છે. આજે વર્લ્ડ કપ ફૂટબૉલ એ ઑલિમ્પિક રમતોત્સવ પછી સૌથી વધુ દર્શકો ધરાવનારો લોકપ્રિય રમતોત્સવ છે.
ભારતમાં ફૂટબૉલની રમતની શરૂઆત બ્રિટિશ સૈન્ય દ્વારા થઈ હતી. કલકત્તામાં સૌપ્રથમ ‘ડેલહાઉસી ફૂટબૉલ ક્લબ’ની સ્થાપના થઈ હતી. 1893માં ઇન્ડિયન ફૂટબૉલ એસોસિયેશન (IFA) અસ્તિત્વમાં આવ્યું. પાછળથી તે સંસ્થા ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશન(AIFF)ના પરિવર્તિત રૂપમાં બહાર આવી. એ.આઇ.એફ.એફ. ભારતમાં મુખ્ય બે નૅશનલ સ્તરની ટુર્નામેન્ટનું આયોજન કરતી હતી. ‘ડુરન્ડ કપ’ અને ‘ટ્રેડર કપ’ જે પાછળથી આઇ.એફ.એ. શિલ્ડ તરીકે જાણીતો થયો તે 1988માં શરૂ થયેલ. ડુરન્ડ ફૂટબૉલ કપ એ ભારતની સૌપ્રથમ ફૂટબૉલ ટુર્નામેન્ટ છે અને વિશ્વસ્તરે ઐતિહાસિક ર્દષ્ટિએ તેનું સ્થાન બીજા નંબરનું માનવામાં આવે છે.
ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે 1948ની લંડન ઑલિમ્પિક્સમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભાગ લીધો હતો. કૅપ્ટન તરીકે ડૉ. ટી. આવો હતા. 1952ના હેલ્સિંકી રમતોત્સવમાં ભાગ લીધો હતો. 1956ના મેલબૉર્ન રમતોત્સવમાં ભારતનો દેખાવ ઉત્કૃષ્ટ રહ્યો હતો. ત્યારે ભારતે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને ભારતીય ખેલાડી નેવિલ ડિસોજાએ સેમિફાઇનલમાં યુગોસ્લાવિયા સામે ત્રણ ગોલ ફટકારીને ‘હૅટ્રિક’નું બહુમાન પ્રાપ્ત કર્યું હતું. 1964 પછી ભારત ઑલિમ્પિક રમતોત્સવમાં રમવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરી શક્યું નથી.
1951માં દિલ્હી અને 1962માં જાકાર્તાના એશિયન રમતોત્સવમાં ભારતે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ભારતીય બહેનોની ફૂટબૉલની ટીમે 1981ના એશિયન વુમન ફૂટબૉલ કપમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ભારતમાં રમાતી મુખ્ય ટ્રૉફી, કપ, શિલ્ડ અને ચૅમ્પિયનશિપ
(1) ડુરન્ડ ફૂટબૉલ કપ – રાષ્ટ્રીય કક્ષા – દિલ્હી
(2) આઇ. એફ. એ. શિલ્ડ – રાષ્ટ્રીય કક્ષા – કલકત્તા
(3) સંતોષ ટ્રૉફી. નૅશનલ ફૂટબૉલ ચૅમ્પિયનશિપ
(4) રોવર્સ કપ – રાષ્ટ્રીય કક્ષા – મુંબઈ
(5) ડી.સી.એમ. કપ – દિલ્હી
(6) ફેડરેશન કપ – ભારતમાં આવેલી ક્લબોની ચૅમ્પિયનશિપ
(7) જવાહરલાલ નેહરુ ગોલ્ડ કપ ઇન્વિટેશન–ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ
(8) ડૉ. બી. સી. રૉય ટ્રૉફી (જુનિયર નૅશનલ ફૂટબૉલ ચૅમ્પિયનશિપ)
(9) મીર ઇકબાલ હુસેન ટ્રૉફી (સબજુનિયર નૅશનલ ફૂટબૉલ ચૅમ્પિયનશિપ)
(10) સર આશુતોષ મુકરજી મેમૉરિયલ શિલ્ડ (ઑલ ઇન્ડિયા ઇન્ટરયુનિવર્સિટી શિલ્ડ)
(11) સુવ્રત મુકરજી ફૂટબૉલ ચૅમ્પિયનશિપ (ઑલ ઇન્ડિયા સ્કૂલ ચૅમ્પિયનશિપ)
(12) દત્તા રૉય ટ્રૉફી (નૅશનલ ફૂટબૉલ ચૅમ્પિયનશિપ, 21 વર્ષ નીચે)
હર્ષદભાઈ પટેલ