ફુકૂઈ, કેનિચી (જ. 4 ઑક્ટોબર 1918, નારા, જાપાન) : રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારવિજેતા પ્રથમ જાપાની રસાયણજ્ઞ. તેમણે ક્યોટો વિશ્વવિદ્યાલયમાંથી 1941માં સ્નાતકની અને તે જ સંસ્થામાંથી 1948માં પીએચ.ડી.ની પદવી મેળવી છે. 1951માં તેઓ ક્યોટોમાં જ ભૌતિક રસાયણના પ્રોફેસર તરીકે નિયુક્ત થયા.
રાસાયણિક પ્રક્રિયાઓના પ્રક્રમ અંગેના અભ્યાસ મુજબ આયનિક તથા મુક્તમૂલક એમ બે પ્રકારના પ્રક્રમો જાણીતા હતા. કેટલીક પ્રક્રિયાઓ આ બેમાંથી કોઈ પણ પ્રક્રમ દ્વારા થતી નથી તેથી તેમને બિનપ્રક્રમી(no mechanism) કહેતા. પ્રો. ફુકૂઈએ આવી પ્રક્રિયાઓ તેમના સંશોધનના મુખ્ય વિષય તરીકે પસંદ કરીને અગ્રાંચલ-કક્ષક સિદ્ધાંત (frontal orbital theory) ઉપજાવ્યો અને એમ દર્શાવ્યું હતું કે ઉચ્ચતમ કક્ષામાં રહેલાં અથવા સૌથી વધુ શિથિલપણે બદ્ધ ઇલેક્ટ્રૉન-યુક્ત કક્ષકો જ અણુની ક્રિયાશીલતામાં મુખ્ય ભાગ ભજવે છે. તેમના મત પ્રમાણે એક સંયોજનની ઉચ્ચતમ (highest occupied) રીતે ભરાયેલ અણુકક્ષક અને બીજાની નિમ્નતમ ભરાયેલી (lowest occupied) અણુકક્ષક વચ્ચે પારસ્પરિક ક્રિયા (interaction) થાય છે. આ રીતે એક નવી ભરાયેલી કક્ષક રચાય છે જેના ગુણધર્મો અગાઉની બેની વચ્ચેના હોય છે. ફુકૂઈએ આવી ચંચળ (પરિવર્તી, labile) કક્ષકોને ‘સરહદી કક્ષકો’ (frontier obitals) તરીકે ઓળખાવી હતી. જાપાની વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં આ સિદ્ધાંત સ્વીકાર્યો નહિ, પણ અંતે તેમનો સિદ્ધાંત વુડવર્ડ-હૉફમૅન વગેરેના અભ્યાસ દ્વારા સાચો ઠર્યો. પ્રક્રિયાઓના પ્રક્રમ અંગેની આગાહી આ સિદ્ધાંત અનુસાર કરી શકાય છે.
1981માં આ સિદ્ધાંત માટે રોઆલ્ડ હૉફમૅન (જેમણે આ સિદ્ધાંત સ્વતંત્ર રીતે વિકસાવ્યો હતો) સાથે તેમને સંયુક્ત રીતે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.
જ. પો. ત્રિવેદી