ફુકુઓકા : જાપાનના ક્યુશુ ટાપુનું પાટનગર અને મહત્ત્વનું વ્યાપારી મથક. ભૌગોલિક સ્થાન : 33° 35´ ઉ. અ. અને 130° 24´ પૂ. રે. તે હકાટાના ઉપસાગર પર ક્યુશુ ટાપુના વાયવ્ય ભાગમાં નાગાસાકીથી ઉત્તરી-ઈશાન દિશામાં 100 કિમી. અંતરે આવેલું છે. આ શહેરનો વિસ્તાર લગભગ 256 ચોકિમી. જેટલો છે અને 1990 મુજબ તેની વસ્તી 12,37,000 જેટલી છે. અહીં આબોહવા સમશીતોષ્ણ પ્રકારની છે. વાર્ષિક સરેરાશ તાપમાન 16° સે. જેટલું રહે છે અને વાર્ષિક સરેરાશ વરસાદ 1,727 મિમી. જેટલો રહે છે.

ક્યુશુ ટાપુ પર પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલા વિશાળ શહેરી-ઔદ્યોગિક વિભાગ ટોકાઇડોના પશ્ચિમ છેડા પર ફુકુઓકા શહેર આવેલું છે. આ શહેર ક્યુશુ ટાપુનું મહત્વનું ઔદ્યોગિક, વ્યાપારી અને રાજકીય મથક બન્યું છે. અહીં લોખંડ-પોલાદ, રસાયણો, સિરૅમિક્સ, યંત્રસામગ્રી, કાપડ, પ્રક્રમિત ખોરાકી ચીજવસ્તુઓ, વીજળીનાં સાધનો, કાગળ, રબર તેમજ ઢીંગલીઓ બનાવવાનાં કારખાનાં આવેલાં છે. નજીકમાં કોલસાનાં ક્ષેત્રો છે. શહેરના અર્થતંત્રમાં આજુબાજુ થતી ખેતીની પેદાશોનો પણ મોટો ફાળો છે. અહીંથી યંત્રસામગ્રી, વાંસ તથા પટકાચ(sheet glass)ની નિકાસ કરવામાં આવે છે.

જાપાનમાં આવેલી પાંચ ઇમ્પીરિયલ યુનિવર્સિટીઓ પૈકીની 1910માં સ્થપાયેલી ક્યુશુની ઇમ્પીરિયલ યુનિવર્સિટી ફુકુઓકા ખાતે આવેલી છે. 13મી સદીમાં થયેલાં બે મૉંગોલ આક્રમણોને જાપાને ફુકુઓકા ખાતેથી ખાળેલાં.

ગિરીશભાઈ પંડ્યા