ફિશર, હાન્સ (જ. 27 જુલાઈ 1881, હોક્સ્ટ, ફૅન્કફર્ટ ઑન મેઇન પાસે, જર્મની; અ. 31 માર્ચ, 1945, મ્યુનિક હોક્સ્ટ, જર્મની) : જર્મન જૈવ અને કાર્બનિક-રસાયણવિદ; પૉર્ફિરિનના સંશ્લેષણકર્તા. તેમના પિતા રસાયણની એક કંપનીના ડિરેક્ટર હતા. ફિશરે રસાયણશાસ્ત્રનું શિક્ષણ મારબુર્ગમાં લીધું હતું અને ત્યાંથી 1904માં તેમણે પીએચ.ડી.ની પદવી મેળવી.
ત્યારબાદ 1908માં મ્યુનિકમાંથી ઔષધવિજ્ઞાન(medicine)માં એમ.ડી.ની પદવી મેળવી. 1915માં ઇન્સબ્રૂક(ઑસ્ટ્રિયા)માં તથા 1918માં વિયેનામાં ઔષધરસાયણના પ્રાધ્યાપક તરીકે રહ્યા. 1921થી તેઓ મ્યુનિકમાં જ પ્રોફેસર તરીકે સ્થાયી થયા. દ્વિતીય વિશ્વયુદ્ધના ઉત્તરાર્ધમાં તેમની પ્રયોગશાળા બૉંબમારાથી નાશ પામી, જેથી નિરાશ થઈ ફિશરે આત્મહત્યા કરી. 1921થી તેમનું સંશોધન પોર્ફિરિન સંયોજનો ઉપર કેન્દ્રિત હતું. પોર્ફિરિન એ એકબીજા સાથે સંલગ્ન ચાર પાયરોલ વલય ધરાવતું સંયોજન છે. હેમિનમાં આ પ્રકારની રચના હોય છે. હેમિન એ હીમોગ્લોબિનમાં રહેલો રંગક છે, જે ઑક્સિજનને ફેફસાંમાંથી પેશીઓમાં (સ્નાયુઓમાં) લઈ જાય છે. હેમિનમાં ચાર પાયરોલ વલયોની વચ્ચે મધ્યમાં Fe પરમાણુ રહેલ છે. ફિશરે તેની સવિસ્તર સંરચના શોધી 1929માં તેનું સંશ્લેષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે ક્લૉરોફિલનો અભ્યાસ કર્યો અને દર્શાવ્યું કે જેમ હેમિનમાં ચાર પાયરોલ વલયો વચ્ચે આયર્ન (Fe) પરમાણુ હોય છે તેમ ક્લૉરોફિલમાં પણ ચાર પાયરોલ વલયો હોય છે અને Feને બદલે તેમાં મૅગ્નેશિયમ(Mg) પરમાણુ હોય છે. પોર્ફિરિનના તેમના આ અતિ ઉપયોગી સંશોધન બદલ 1930ના વર્ષનું નોબેલ પારિતોષિક તેમને આપવામાં આવેલું. તેમણે આ ઉપરાંત પિત્તમાં રહેલા બિલિરૂબિન રંગકનું બંધારણ શોધી 1944માં તેનું સંશ્લેષણ કરી બતાવ્યું હતું.
જ. પો. ત્રિવેદી