ફિશર, અર્ન્સ્ટ ઑટો

February, 1999

ફિશર, અર્ન્સ્ટ ઑટો (જ. 10 નવેમ્બર 1918, મ્યુનિક) : જર્મન  રસાયણવિદ. ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપકના પુત્ર ફિશરે મ્યુનિક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં અભ્યાસ કરી 1952માં ત્યાંથી પીએચ.ડી.ની પદવી મેળવી હતી. 1957થી 1964 દરમિયાન તેમણે મ્યુનિક યુનિવર્સિટીમાં અકાર્બનિક રસાયણના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું અને 1964માં ઇનૉર્ગૅનિક કૅમિસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટના નિયામક પણ બન્યા. ફિશરનું અકાર્બનિક સંકીર્ણો ઉપરનું સંશોધન ખૂબ નોંધપાત્ર રહ્યું છે.

અર્ન્સ્ટ ઑટો ફિશર

1951માં કીલી અને પોઝન નામના બે રસાયણજ્ઞોએ ફેરોસીન સંયોજન (C5H5)2Fe બનાવ્યું તથા સૂચવ્યું કે તેમાંનો Fe પરમાણુ પ્રત્યેક વલયના કાર્બન પરમાણુ સાથે સંયોજાયેલો હોય છે. ફિશરને આ સૂચન બરાબર ન લાગ્યું, કારણ કે તેનાથી કાર્બન-આયર્ન-કાર્બન બંધનું સ્થાયિત્વ પૂરતું સાબિત થતું નથી. બ્રિટિશ રસાયણજ્ઞ જૅફરી વિલ્કિન્સને તેનાથી વિશેષ નવીન બંધારણ સૂચવ્યું કે આયર્નનો પરમાણુ પાંચ-કાર્બનવાળા બે સમાંતર સપાટ વલયો વચ્ચે દબાયેલો (sandwitch થયેલો) હોવો જોઈએ અને આમ તે વૈયક્તિક કાર્બન પરમાણુઓ સાથે નહિ, પણ વલયમાંના ઇલેક્ટ્રૉન સાથે બંધ (bonds) બનાવતો હોવો જોઈએ. આ પ્રકારનાં સંયોજનોને સૅન્ડવિચ-સંયોજનો કહે છે. કાળજીભર્યા ઍક્સ-કિરણ-વિશ્લેષણ દ્વારા ફિશરે વિલ્કિન્સન દ્વારા સૂચવેલી રચના સાચી ઠેરવી બતાવી. મેટલોસિન ઉપરના કાર્ય માટે વિલ્કિન્સન સાથે સંયુક્ત રીતે તેમને 1973નું નોબેલ પારિતોષિક મળ્યું હતું. ત્યારબાદ ફિશરે આ પ્રકારનાં સંકીર્ણો (સંકુલ) ઉપર સંશોધન ચાલુ રાખ્યું અને અત્યારે તેઓ કાર્બ-ધાત્વિક (organometallic) રસાયણના અગ્રણી વિજ્ઞાની ગણાય છે.

બીજા વિશ્વયુદ્ધ પહેલાં અને યુદ્ધ દરમિયાન તેમણે જર્મન લશ્કરમાં સેવાઓ આપી હતી. તેઓ અનેક અમેરિકન યુનિવર્સિટીઓના મુલાકાતી પ્રાધ્યાપક હતા.

જ. પો. ત્રિવેદી