ફિલ્મપ્રભાગ (ફિલ્મ્સ ડિવિઝન)

February, 2025

ફિલ્મપ્રભાગ (ફિલ્મ્સ ડિવિઝન) : દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ કરતી દુનિયાભરની અગ્રણી સંસ્થાઓમાંની એક. ભારતની ભાતીગળ સંસ્કૃતિ, રીતરિવાજ, જાતિ-ધર્મ, રહેણીકરણી, પરંપરાઓ વગેરે અંગે દેશના અને વિદેશના લોકોને માહિતી મળી રહે, દેશના લોકો એકબીજાની નિકટ આવે, સરકારી કાર્યક્રમોના અમલમાં ભાગ લેવા લોકોને પ્રોત્સાહન મળે, લોકોમાં રાષ્ટ્રભાવનાનું સિંચન થાય તથા દસ્તાવેજી ચિત્રોની ઝુંબેશને વેગ મળે એવા વ્યાપક હેતુથી 1948માં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત એક પેટાવિભાગની એટલે કે આ પ્રભાગ(division)ની સ્થાપના કરવામાં આવી. પ્રારંભથી જ પ્રભાગનું વડું મથક મુંબઈ રહ્યું છે.

સરકારી પ્રભાગ હોવાને કારણે અમલદારશાહીના ચોકઠા વચ્ચે રહીને પણ ફિલ્મપ્રભાગે વીતેલાં વર્ષોમાં અનેક યાદગાર દસ્તાવેજી ચિત્રો આપ્યાં છે. યુનેસ્કોના એક અહેવાલમાં ફિલ્મપ્રભાગને દુનિયાભરમાં દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ કરતી અગ્રણી સંસ્થાઓમાં એક ગણાવાઈ છે. તેની સરખામણી નૅશનલ ફિલ્મ બૉર્ડ ઑવ્ કૅનેડા, ધ સ્વિડિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ, ધ બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ, ધ ફ્રેન્ચ સેન્ટર નૅશનલ દ લા સિનેમાગ્રાફિક અને પૉલિશ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કરવામાં આવી છે.

ફિલ્મપ્રભાગની કામગીરી ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે : નિર્માણ, વિતરણ અને વહીવટ. સંસ્થાની વડી કચેરી મુંબઈમાં હોવા ઉપરાંત દિલ્હી, કોલકાતા અને બૅંગાલુરૂમાં ત્રણ નિર્માણ-કેન્દ્રો છે. નિર્માણ-કેન્દ્રોમાં મુખ્યત્વે ચાર પ્રકારનાં ચિત્રો બનાવાય છે : દસ્તાવેજી ચિત્રો, સમાચાર- ચિત્રો, ગ્રામીણ જનતા માટે લઘુચિત્રો અને કાર્ટૂન-ફિલ્મો. આ ચિત્રોનું નિર્માણ હિંદી અથવા અંગ્રેજીમાં કરાય છે. એ પછી મુખ્ય 14 પ્રાદેશિક ભાષાઓમાં તેમને ડબ કરાય છે; જરૂર મુજબ વિદેશી ભાષામાં પણ ડબ કરાય છે. ડબ કરવાનું કામ કૉમેન્ટરી વિભાગ સંભાળે છે.

ખાસ વિષયનાં ચિત્રો માટે કેટલાક સહાયક એકમો પણ છે. તેમાં નવી દિલ્હી ખાતે એક એકમ પરિવારકલ્યાણ મંત્રાલય તથા ખાદ્ય અને કૃષિ મંત્રાલય માટે શૈક્ષણિક ચિત્રો બનાવે છે. બીજું એક એકમ નાગરિક સંરક્ષણ અને તાલીમને લગતાં ચિત્રોનું નિર્માણ કરે છે. છઠ્ઠી પંચવર્ષીય યોજનાના અંતે ફિલ્મપ્રભાગે પોતાની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરીને પોતાના કાર્યનો વિસ્તાર કોલકાતા અને બૅંગાલુરૂમાં કર્યો. આ બંને સ્થળોએ ગ્રામીણ પ્રજા માટે 16 મિમી. ફિલ્મોનું નિર્માણ શરૂ કરાયું. ગ્રામીણ પ્રજાને અંધવિશ્વાસ, ખોટી માન્યતાઓ, દહેજ, અસ્પૃશ્યતા, બાલવિવાહ વગેરે સામાજિક દૂષણો સામે જાગ્રત કરવાનો તેનો હેતુ રહ્યો.

ફિલ્મપ્રભાગે બનાવેલાં ચિત્રોનું દેશભરમાં વિતરણનું પણ મહત્ત્વનું કાર્ય છે. વડી કચેરી ઉપરાંત દેશભરમાં દસ શાખાઓ કાર્યરત છે; જે બૅંગાલુરૂ, ચેન્નઈ, કોલકાતા, હૈદરાબાદ, લખનૌ, મદુરાઈ, મુંબઈ, નાગપુર, તિરુવનંતપુરમ્ અને વિજયવાડા ખાતે આવેલી છે. દરેક શાખા જે તે પ્રદેશનાં લગભગ 1500 જેટલાં છબીઘરોને ફિલ્મપ્રભાગે બનાવેલાં ચિત્રોનું વિતરણ કરે છે. દરેક છબીઘરે ફિલ્મપ્રભાગે બનાવેલી અને જેની લંબાઈ 609.60 મીટરથી વધુ ન હોય એવું ચિત્ર મુખ્ય ચિત્રની પહેલાં દર્શાવવું ફરજિયાત હતું. આ શરતે જ છબીઘરને પરવાનો અપાતો. ઘણાં વર્ષો આ નિયમનું પાલન કરાયું; પણ તાજેતરનાં વર્ષોમાં આ નિયમમાં છૂટછાટ મૂકીને ફિલ્મપ્રભાગ દ્વારા નિર્મિત ચિત્ર દર્શાવવું મરજિયાત બનાવાયું છે.

દસ્તાવેજી ચિત્રોને પ્રોત્સાહન માટે ફિલ્મપ્રભાગ દર બે વર્ષે મુંબઈમાં દસ્તાવેજી ચિત્રો, લઘુચિત્રો અને કાર્ટૂન ફિલ્મોનો આંતરરાષ્ટ્રીય મહોત્સવ યોજે છે. પ્રથમ મહોત્સવ માર્ચ 1990માં યોજાયો હતો. છબીઘરોને ચિત્રો આપવા ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં 16 મિમી.નાં ચિત્રોનું પ્રદર્શન પ્રવાસી સિનેમા (mobile unit) દ્વારા કરવામાં આવે છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક ઉપયોગ માટે, સંસ્થાઓને બિનધંધાકીય પ્રવૃત્તિ માટે વિડિયો-કૅસેટ પણ ફિલ્મપ્રભાગ દ્વારા આપવામાં આવે છે.

ફિલ્મપ્રભાગમાં દસ્તાવેજી ચિત્રોનું નિર્માણ સંસ્થામાં કાર્યરત દિગ્દર્શકો દ્વારા જ કરવામાં આવે છે; પણ અપવાદ રૂપે ક્યારેક સંસ્થા દ્વારા બહારના સર્જકો પાસે આવાં ચિત્રોનું નિર્માણ કરાવાય છે.

ફિલ્મ ડિવિઝન દ્વારા કેટલીક મહત્ત્વની વ્યક્તિઓ ઉપર પણ દસ્તાવેજી ફિલ્મો સર્જવામાં આવી છે. આ ફિલ્મોમાં સત્યજિત રાય (દિગ્દર્શક શ્યામ બેનેગલ), અમઝદ અલીખાન (દિગ્દર્શક ગુલઝાર) વગેરે અત્યંત મહત્ત્વની છે. આ શૈલીમાં કેટલાક સંગીતકારો, ચિત્રકારો, શિલ્પકારો વગેરે પર ફિલ્મોનું સર્જન કરવામાં આવેલું છે. ફિલ્મ ડિવિઝનની આવી ફિલ્મોનું વેચાણ પણ થાય છે. અને કોઈપણ વ્યક્તિ તે ફિલ્મોને ખરીદી શકે છે. પહેલાં વિડિયો કેસેટના રૂપમાં અને ત્યારબાદ કોમ્પેક્ટ ડિસ્કના રૂપમાં તેનું વિતરણ થાય છે. આ સંસ્થા હેઠળ નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા (NMIC)ની સ્થાપના પણ મુંબઈના મુખ્યાલયના પરિસરમાં 2019થી કરવામાં આવેલું છે.

ફિલ્મ ડિવિઝનને 2022ની સાલમાં નેશનલ ફિલ્મ ડેવલોપમેન્ટ કોર્પોરેશનની સાથે મર્જ કરવામાં આવ્યું છે.

હરસુખ થાનકી

અભિજિત વ્યાસ