ફિલ્મનિર્માણ : છબીઘરના પડદા પર પ્રદર્શિત કરાતા ચલચિત્રનું નિર્માણ. ચલચિત્ર અથવા ફિલ્મને નિર્માણના અનેક તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. ફિલ્મનિર્માણની પ્રક્રિયામાં જુદા જુદા તબક્કે જુદા જુદા કસબીઓ સંકળાયેલા હોય છે. આ બધામાં બે જણ સૌથી મહત્વના હોય છે. એક તો નિર્માતા, જે ફિલ્મ બનાવવાનો ઇરાદો ધરાવે છે, અને તે માટે જરૂરી નાણાંનું રોકાણ કરે છે. બીજો છે દિગ્દર્શક, જેનું મહત્વ કોઈ જહાજના કપ્તાન જેટલું છે. સમગ્ર ફિલ્મ તેના નિર્દેશો મુજબ તૈયાર થતી હોય છે. વાર્તાલેખક, પટકથાલેખક, સંવાદલેખક, ગીતકાર, સંગીતકાર, ધ્વનિમુદ્રક, પ્રકાશસંયોજક, સંકલનકાર, છબીકાર, નૃત્યસંયોજક, ફાઇટમાસ્ટર તથા અન્ય ટેક્નિશિયનો ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલા આવશ્યક કસબીઓ છે. આ કસબીઓમાં કેટલાક એકથી વધુ જવાબદારીઓ પણ નિભાવતા હોય છે. નિર્માતા-દિગ્દર્શક એક વ્યક્તિ હોઈ શકે; પટકથાલેખક-સંવાદલેખક-વાર્તાલેખક એક વ્યક્તિ હોઈ શકે, દિગ્દર્શક અને કૅમેરામૅન પણ એક વ્યક્તિ હોઈ શકે. ઘણા કિસ્સાઓમાં નિર્માતા-દિગ્દર્શક પટકથાનો લેખક પણ હોય છે અને ઘણા કિસ્સાઓમાં તે ફિલ્મનો નાયક પણ હોય છે; પણ ફિલ્મનિર્માણનાં વિવિધ પાસાંને જુદી જુદી રીતે જોઈએ તો કોઈ પણ નિર્માતા જ્યારે ફિલ્મ બનાવવાનો વિચાર કરે છે અને એ માટે પૂરતાં નાણાંની વ્યવસ્થા કરે છે ત્યારે પ્રથમ તે દિગ્દર્શકનો સંપર્ક કરે છે અને ચિત્રનિર્માણના આયોજનનું કામ દિગ્દર્શકને સોંપે છે. નિર્માતા અને દિગ્દર્શક સાથે મળીને વાર્તાની પસંદગી કરે છે. એ વાર્તાને ફિલ્મના ઢાંચામાં ઢાળવા માટે પટકથા લખવામાં આવે છે, જેમાં દિગ્દર્શકે ફિલ્મની જે રીતે કલ્પના કરી હોય તે રીતે તેને કાગળ પર ઉતારાય છે. ચલચિત્ર ર્દશ્ય માધ્યમ છે. તેમાં પાત્રો પડદા પર કેવળ સંવાદો ઉચ્ચારે અથવા કેવળ કથાનકનું વર્ણન ચાલે તેવી પટકથા ઉપયોગની નથી. ચોટદાર સંવાદો, ઊર્મિઓના આવેગો, અણધારી ઘટનાઓ, અવનવાં સ્થાનો આદિનો મહિમા ઘણો છે. તેમના વિના ચિત્ર પ્રભાવક બની શકતું નથી કે પ્રેક્ષકનો રસ જળવાતો નથી. તેથી, મૂળ કથાનક ઉપરથી પટકથા એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તેમાં આ તત્વોને પૂરતી માવજત મળે – તે ઊપસી આવે અને વાર્તા પકડ જમાવે. પટકથા તૈયાર થયા પછી સંવાદો લખવામાં આવે છે. સંવાદો લખતી વખતે પાત્રોની ભૂમિકાનું – એની બોલવાની ઢબનું; ફિલ્મની વાર્તા કોઈ ચોક્કસ સમયગાળાની, કોઈ ચોક્કસ પરિવેશની, કોઈ ચોક્કસ સંસ્કૃતિની હોય તો તેનું ધ્યાન રાખવામાં આવે છે. એ પછી પાત્રોને અનુરૂપ કલાકારોની પસંદગી કરવામાં આવે છે.

ફિલ્મનું શૂટિંગ વાર્તાને અનુરૂપ સેટ સ્ટુડિયોમાં તૈયાર કરીને, જરૂર પડ્યે સાર્વજનિક સ્થળ પર, પ્રાકૃતિક વાતાવરણમાં કે જરૂર મુજબના ચોક્કસ સ્થળે કરવામાં આવે છે. સ્ટુડિયોમાં સેટ ઊભા કરવાનું કામ સેટડિઝાઇનર કરે છે; પણ સમગ્ર ફિલ્મ દરમિયાન આ જવાબદારી કલાનિર્દેશક સંભાળે છે. કોઈ વાર બહારના સ્થળનો પૂરા માપનો અથવા મિશ્ર માપનો સેટ ઊભો કરવામાં આવે છે; જેમ કે, ‘ચાણક્ય’ શ્રેણીમાં પાટલિપુત્ર નગરનો પૂરા કદનો સેટ પ્લાસ્ટર ઑવ્ પૅરિસ તથા ઘાસના મિશ્રણથી ઊભો કરવામાં આવ્યો હતો. વિજય ભટ્ટના ‘નરસી ભગત’માં કનુ દેસાઈની કલ્પના અનુસાર ગોપનાથ મંદિર ઘડવામાં આવ્યું હતું. વાર્તાને અનુરૂપ અમુક ચોક્કસ ર્દશ્યોમાં કેવા સેટની જરૂર પડશે એનો તે ખ્યાલ રાખે છે. વાર્તાને અનુરૂપ પાત્રોનાં વસ્ત્રો તૈયાર કરવાની જવાબદારી વેશભૂષાનિર્દેશક (costume-designer) સંભાળે છે.

ફિલ્મના શૂટિંગમાં છબીકાર પણ મહત્વનો કસબી છે. અમુક ર્દશ્યને દિગ્દર્શક કઈ રીતે રજૂ કરવા માગે છે તે છબીકારને સમજાવે છે. નીવડેલો છબીકાર તેમાં પોતાની સૂઝનો ઉપયોગ કરીને એ ર્દશ્યનું શૂટિંગ કરે છે. શૂટિંગ વખતે અદાકારો જે સંવાદો બોલે છે તેને ધ્વનિમુદ્રિત કરી લેવામાં આવે છે. છૂટાં છૂટાં ર્દશ્યોનું ચિત્રાંકન અનુકૂળતા મુજબ કરવામાં આવે છે. તેમાં કથાનકનો સમયક્રમ જળવાતો નથી. દિગ્દર્શકની કલ્પના મુજબ તમામ ર્દશ્યોનું શૂટિંગ પૂરું થયા બાદ ફિલ્મની પટ્ટીને લૅબોરેટરીમાં મોકલવામાં આવે છે. ત્યાં રાસાયણિક પ્રક્રિયા પૂરી થયા બાદ પ્રથમ પ્રિન્ટનાં છૂટાં ર્દશ્યોના ટુકડાઓ તૈયાર થાય છે. આ ટુકડાઓનું સંકલન કરીને સળંગ કથાનક તૈયાર કરવામાં આવે છે. ફિલ્મનું શૂટિંગ વાર્તામાં આવતાં ર્દશ્યો મુજબ ક્રમસર ન કરાયું હોવાથી સંકલનકાર તેને ક્રમ મુજબ અને ર્દશ્યો વધુ ને વધુ અસરકારક બને તે રીતે એકબીજાંની સાથે સાંકળે છે. ફિલ્મ સાથે ધ્વનિનું સંયોજન કરવામાં આવે છે. ર્દશ્યોને અનુરૂપ પાર્શ્વસંગીત ઉમેરવામાં આવે છે. ર્દશ્ય અને ધ્વનિ જુદી પટ્ટીઓ ઉપર અંકિત કરી તેમનું પણ સંકલન કરવામાં આવે છે. રાજ કપૂર તેમનાં ચિત્રોનું સંકલન ઘણુંખરું જાતે કરતા.

શૂટિંગ વખતે કલાકારો દ્વારા બોલાયેલા સંવાદો બરાબર ઉઠાવ ન પામ્યા હોય તો જે તે કલાકાર પાસે તે ફરી બોલાવડાવીને ફિલ્મ સાથે તેનું સંયોજન કરવામાં આવે છે. આ ક્રિયાને ‘ડબિંગ’ કહે છે. અમુક કિસ્સામાં કલાકારને ફિલ્મમાં પ્રયુક્ત ભાષા બરાબર બોલતાં ન આવડતી હોય તો એ ભાષાના સંવાદો મળતા ધ્વનિવાળા કલાકાર પાસે બોલાવડાવીને ફિલ્મ સાથે તેમનું સંયોજન કરવામાં આવે છે.

કોઈ વાર બધું શૂટિંગ પૂરું થયા બાદ દિગ્દર્શકને અમુક ર્દશ્ય સંતોષકારક ન લાગે અથવા તો એ ર્દશ્યને સ્થાને નવેસરથી કોઈ બીજું ર્દશ્ય ગોઠવવા વિચારે ત્યારે ફરી શૂટિંગ કરવામાં આવે છે. આવા છેલ્લી ઘડીના શૂટિંગને થાગડથીંગડ (patch work) પણ કહે છે. કલાકારની માંદગી કે અવસાન જેવા પ્રસંગે પણ આવું કરવું પડે છે. ર્દશ્યપરિવર્તન અથવા ભળતા કલાકારના ઉપયોગ જેવી પ્રયુક્તિ પણ કરાય છે.

આમ, બધી ટૅકનિકલ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ ફિલ્મ સંપૂર્ણપણે તૈયાર થતાં જાહેરમાં પ્રદર્શિત કરવા માટેનું પ્રમાણપત્ર મેળવવા સેન્સર-બૉર્ડમાં મોકલવામાં આવે છે. ત્યાંથી પ્રમાણપત્ર મળ્યા બાદ તેને છબીઘરમાં પ્રદર્શિત કરવાની તૈયારીઓ કરવામાં આવે છે. એ જવાબદારી ફિલ્મના વિતરકોની હોય છે. ફિલ્મ માટે પહેલેથી જ તેમણે દેશભરમાં છબીઘરો રોકી રાખ્યાં હોય છે.

હરસુખ થાનકી