ફિલ્મઉદ્યોગ (ભારત) : ભારતમાં વિકસેલો ફિલ્મનો ઉદ્યોગ. પૅરિસમાં લુમિયર બંધુઓએ સૌપ્રથમ વાર ચલચિત્ર રજૂ કર્યું. તે પછી સાત મહિને 1896ના ડિસેમ્બરમાં મુંબઈની વૉટસન હોટલમાં ભારતમાં સૌપ્રથમ ચલચિત્ર દર્શાવાયું. એ ર્દષ્ટિએ ભારતમાં 1996માં સિનેમાના આગમનને સો વર્ષ પૂરાં થયાં. જોકે ભારતીય ફિલ્મઉદ્યોગનો પાયો નાખનાર દાદાસાહેબ ફાળકેએ તેમનું પ્રથમ ચલચિત્ર ‘રાજા હરિશ્ચંદ્ર’ 1913માં પ્રદર્શિત કર્યું હતું. ભારતીય ફિલ્મઉદ્યોગનો વિકાસ એ પછી, પહેલાં ધીમી ગતિએ પણ પછીનાં વર્ષોમાં ખૂબ ઝડપથી થયો.
ભારતીય ફિલ્મઉદ્યોગ સાથે સંકળાયેલી વ્યક્તિઓની વર્ષોની એવી માગ હતી કે સરકાર ફિલ્મઉદ્યોગને વિધિવત્ ઉદ્યોગનો દરજ્જો આપે. તેમની આ માગણી છેક 1998માં સંતોષાઈ. માહિતી અને પ્રસારણ ખાતાના તત્કાલીન પ્રધાન સુષમા સ્વરાજે ફિલ્મઉદ્યોગને ઉદ્યોગનો દરજ્જો આપવાની વિધિવત્ જાહેરાત કરી. જોકે ‘ઉદ્યોગ’ શબ્દ તો આ વ્યવસાય સાથે પ્રારંભથી જ જોડાયેલો હતો જ.
દાદાસાહેબ ફાળકેએ 1913માં ભારતીય ફિલ્મઉદ્યોગનો પાયો નાખ્યા પછી મુંબઈમાં શરૂ થયેલો આ ઉદ્યોગ દેશનાં તમામ મોટાં શહેરોમાં પહોંચી ગયો. મુંબઈની જેમ જ કલકત્તા, મદ્રાસ (હવે ચેન્નઈ) અને લાહોરમાં તે ધમધમવા માંડ્યો; પણ ભારતીય ફિલ્મઉદ્યોગનું કેન્દ્ર તો મુંબઈ જ બની રહ્યું. એ જમાનામાં મુંબઈ શહેર અને પ્રાંતમાં જે મહત્ત્વની ફિલ્મકંપનીઓ શરૂ થઈ તેમાં ઓરિયેન્ટલ ફિલ્મ મૅન્યુફૅક્ચરિંગ કંપની, કોહિનૂર ફિલ્મ કંપની, રણજિત ફિલ્મ કંપની, ઇમ્પીરિયલ ફિલ્મ કંપની, મહારાષ્ટ્ર ફિલ્મ કંપની, કોલ્હાપુર ફિલ્મ કંપની અને હિન્દુસ્તાન ફિલ્મ કંપની મુખ્ય હતી.
1921 સુધી ભારતીય ફિલ્મોનું નિર્માણ અલ્પ સંખ્યામાં જ હતું. વિદેશી ચિત્રોની મોટા પ્રમાણમાં આયાત થતી હતી. પ્રારંભિક વર્ષોમાં ફિલ્મઉદ્યોગની પ્રગતિ ખૂબ ધીમી હતી; પ્રથમ વિશ્વયુદ્ધની પણ વિપરીત અસર થઈ હતી. 1919 સુધી આખા દેશમાં 100 જેટલાં સિનેમાથિયેટરો હતાં, જે 1927 સુધીમાં વધીને 251 જેટલાં થયાં હતાં. તે પૈકી એકલા મુંબઈ શહેર અને પ્રાંતમાં જ 77 હતાં. એ પછી નવી નવી ફિલ્મ-કંપનીઓ શરૂ થતાં ફિલ્મનિર્માણમાં વેગ આવ્યો. 1921–22માં દેશમાં કુલ 63 ફિલ્મોનું નિર્માણ થયું, જેમાં 45 તો એકલા મુંબઈમાં જ બની હતી. આ આંકડો વધીને 1926–27માં 108 થયો.
કલકત્તામાં ચાર ફિલ્મનિર્માણ સંસ્થાઓ હતી, જેમાં સૌથી અગ્રણી હતી માદન થિયેટર્સ લિમિટેડ. 1927–28માં ફિલ્મનિર્માણ વર્તમાન સમયના પ્રમાણમાં બહુ ખર્ચાળ નહોતું. સરેરાશ ફિલ્મ 15થી 20 હજાર રૂપિયામાં બની જતી; કારણ કે ખર્ચાળ સેટ ઊભા કરાતા નહોતા, પોશાકો પાછળ વધારે ખર્ચ કરાતો નહોતો. કલાકારોને અપાતી મહેનતાણાની રકમ જંગી નહોતી. ઊલટાનું મોટી કંપનીઓ કલાકારોને સ્થાયી વેતન પર રાખતી, જે માસિક રૂ. 30થી માંડીને રૂ. 1000 સુધીનું રહેતું.
1931માં બોલપટના આગમન સાથે ફિલ્મનો વિકાસ ઝડપી બન્યો. 1936માં દેશમાં 110 ફિલ્મનિર્માણની કંપનીઓ હતી. થિયેટરોની સંખ્યા પણ ઝડપભેર વધવા માંડી હતી. 1931માં દેશમાં 419 સિનેમાઘરો હતાં, તે 1939માં વધીને 1265 થયાં. બીજા વિશ્વયુદ્ધની ફિલ્મઉદ્યોગ પર માઠી અસર પડી; પણ યુદ્ધ પૂરું થયા બાદ ફિલ્મનિર્માણમાં વેગ આવ્યો. 1940માં 162 ફિલ્મોનું નિર્માણ થયું હતું, 1946માં તે વધીને 197 થયેલું.
પછીનાં વર્ષોમાં ભારતીય ફિલ્મઉદ્યોગે તેનાં કદ, મૂડીરોકાણ અને ફિલ્મોની સંખ્યાને આધારે વિશ્વમાં હોલિવુડ પછી બીજા નંબરનું સ્થાન મેળવી લીધું. પૂર્વમાં કલકત્તા ખાતે અને દક્ષિણમાં મદ્રાસ (હવે ચેન્નઈ) ખાતે પણ સ્વતંત્ર એકમો તરીકે ફિલ્મનિર્માણનાં કેન્દ્રો વિકસ્યાં, જે સમયાંતરે યુરોપના કોઈ પણ દેશના ફિલ્મઉદ્યોગ કરતાં વધારે વિસ્તાર પામ્યાં.
ફિલ્મઉદ્યોગ બહારથી અત્યંત ઝાકમઝોળભર્યો લાગે છે. પ્રથમ પંક્તિના કલાકારો કરોડો રૂપિયાની આવક મેળવે છે; પણ આ ઉદ્યોગનું સાચું ચિત્ર એ નથી. ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો નાના-મોટા શ્રમજીવીઓ બીજા કોઈ પણ ઉદ્યોગની જેમ જ શોષણનો ભોગ બનતા હોય છે.
એક અંદાજ પ્રમાણે ફિલ્મઉદ્યોગ આઠ લાખ લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી આપે છે. ભારતમાં ફિલ્મઉદ્યોગની શતાબ્દીનાં અંતિમ વર્ષોમાં ફિલ્મનિર્માણ અત્યંત ખર્ચાળ બની ગયું. એક ફિલ્મ સરેરાશ ચારથી પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બને છે. વર્ષે સરેરાશ 500 જેટલી ફિલ્મોનું નિર્માણ થતું હોવાનો અંદાજ છે. એ ર્દષ્ટિએ ફિલ્મઉદ્યોગમાં વર્ષે રૂપિયા 25 અબજથી અધિક મૂડીરોકાણ થાય છે. ટિકિટબારી પરથી વેચાતી દરેક ટિકિટ પર સરકાર મનોરંજન કર લે છે. દરેક રાજ્યમાં આ કરની ટકાવારી જુદી જુદી હોય છે. એકંદરે સરકારને રૂ. 7.50 અબજ જેટલો વેરો ફિલ્મોમાંથી મળી રહે છે.
વીસમી સદીના છેલ્લા દોઢ-બે દાયકામાં ઘણાં સિનેમાઘરો બંધ થઈ ગયાં. દેશમાં અંદાજે 13,000 જેટલાં સિનેગૃહો છે, જે પૈકી 9,000 સ્થાયી છે અને બાકીનાં હરતાં ફરતાં અને લશ્કરી સિનેગૃહો છે. એક અંદાજ પ્રમાણે દેશમાં રોજ દોઢ કરોડથી વધુ પ્રેક્ષકો થિયટરોમાં ફિલ્મો જુએ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પરદેશમાં પણ, ખાસ કરીને જ્યાં ભારતીય મૂળના લોકો વધુ રહે છે ત્યાં ભારતીય ચિત્રોને ખૂબ સારો આવકાર મળવા માંડ્યો છે. વિશ્વના લગભગ 50 દેશોમાં ભારતીય ફિલ્મોની નિકાસ કરવામાં આવે છે.
1980ના દાયકામાં ભારતમાં ફિલ્મનિર્માણ ભારે વેગમાં હતું. સરેરાશ વર્ષે 850 ફિલ્મો બનતી હતી, પણ પછીનાં વર્ષોમાં ટેલિવિઝનનો વ્યાપ વધતાં ફિલ્મનિર્માણને અસર થઈ; તેમ છતાં આ આંકડો સરેરાશ વર્ષે 500 જેટલો તો છે જ, તેમાં સરેરાશ 200થી વધુ હિંદી ફિલ્મો હોય છે. ટિકિટબારી પર ભારે સફળતા તો વર્ષે 5થી 6 ફિલ્મોને જ મળે છે. 10થી 15 ફિલ્મો સામાન્ય સફળતા મેળવે છે. કેટલીક ફિલ્મો પોતાનો ખર્ચ સરભર કરી લે છે. બાકીની મોટાભાગની ફિલ્મો ખોટમાં જાય છે.
સારણી 1 : ભારતની વિવિધ ભાષાઓમાં ઊતરેલાં પ્રથમ ચલચિત્રો
વર્ષ | ચિત્રપટનું નામ | ભાષા |
1912 | પુંડલિક | મૂક |
1931 | આલમઆરા | હિન્દી |
1931 | જમઈષષ્ઠી | બંગાળી |
1931 | કાલિદાસ | તમિળ |
1931 | ભક્ત પ્રહલાદ | તેલુગુ |
1932 | નરસિંહ મહેતા | ગુજરાતી |
1932 | અયોધ્યેચા રાજા | મરાઠી |
1934 | સીતાવિવાહ | ઊડિયા |
1934 | ભક્ત ધ્રુવ | કન્નડ |
1935 | જયમતી | અસમી |
1935 | શીલા | પંજાબી |
1935 | અલહિલાલ | ઉર્દૂ |
1938 | બાલન | મલયાળમ |
1941 | લયલામજનૂં | પુશ્તો |
1942 | નજરાના | મારવાડી-રાજસ્થાની |
1942 | એકતા | સિંધી |
1961 | ગંગાજમુના | ભોજપુરી |
1966 | ગલ્લાં હોઇમાં બીટિયાં | ડોંગરી |
1981 | ઈમાગી નિંગતેમ | મણિપુરી |
1983 | માણિક રામતોંગ | કોંકણી |
1983 | આદિ શંકરાચાર્ય | સંસ્કૃત |
1990 | વોસોબિયો | કરબી |
દેશભરમાં ફિલ્મોનું વિતરણ કરવા દેશને પાંચ ભાગમાં વહેંચી નંખાયો છે. દરેક ભાગને પ્રદેશ કહે છે. વિતરકો પોતપોતાના પ્રદેશ પ્રમાણે નિર્માતાને ભાવ આપીને ફિલ્મો ખરીદીને પોતાના પ્રદેશમાં તેનું વિતરણ કરે છે. ભાવ ઉચ્ચક રીતે અથવા વકરાના ટકાની રીતે કે મિશ્ર રીતે નક્કી કરવામાં આવે છે.
ફિલ્મઉદ્યોગ એક સ્વતંત્ર ઉદ્યોગ તરીકે સ્વીકાર પામી ચૂક્યો છે; પણ, તેનું મહત્વ તેથી વિશેષ છે. તે બીજા અનેક ઉદ્યોગોનો પોષક માતૃ-ઉદ્યોગ છે; જેમ કે, કાચી ફિલ્મ, ચિત્રીકરણ-સામગ્રી, ધ્વનિઅંકન-સામગ્રી, ચિત્રપ્રદર્શન-સામગ્રી, ચિત્રપ્રક્રિયા-શાળા, ફિલ્મપ્રક્રિયાનાં રસાયણો, વેશભૂષા-સામગ્રી, સ્ટુડિયો, ગીતરચના, સંગીતરચના, પ્રચાર-વ્યવસ્થા, વિતરણ-વ્યવસ્થા, છબીઘર-નિર્માણ અને સંચાલન વગેરે. ભારતીય ચલચિત્ર-ઉદ્યોગની કેટલીક વિશેષતાઓ છે. ફ્રાંસના જે લુમિયર બંધુઓએ ફ્રાંસમાં પ્રથમ ચલચિત્ર પ્રદર્શન યોજયું, તેના સાત મહિનામાં ભારતમાં મુંબઈમાં 1896માં ચલચિત્રો પ્રદર્શિત કર્યાં. બે જ વર્ષમાં, 1898માં કલકત્તામાં હીરાલાલ સેને ચિત્રો ઉતારવાનો આરંભ કર્યો. એ જ વર્ષે કલકત્તામાં સ્ટાર થિયેટર બંધાયું. 1902થી ભારતે પડોશી દેશોમાં મૂક ચિત્રોની નિકાસ કરવા માંડી. 1904માં માણેક શેઠનાએ પ્રવાસી સિનેમાની મુંબઈથી શરૂઆત કરી. દાદા
સારણી 2 : હિંદી ચલચિત્ર–ઉદ્યોગમાં ગુજરાતીઓ
(નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા, લેખક, પટકથાલેખક, સંગીતકાર, ગીતકાર, છબીકાર, વિતરક, ધ્વનિઆલેખક વગેરે)
અજિત મરચન્ટ | કેકી મોદી | નંદલાલ જસવંતલાલ | રઘુનાથ બ્રહ્મભટ્ટ |
અબદુલઅલી યૂસુફઅલી | કેતન મહેતા | નાનાભાઈ ભટ્ટ | રતિભાઈ પુનાતર |
અમૃતલાલ શેઠ | ગોરધનભાઈ પટેલ | નાનુભાઈ બ. વકીલ | રમણભાઈ બ. દેસાઈ |
અરદેશર મેરવાનજી ઈરાની | ગોવિંદ સરૈયા | નાનુભાઈ વ. દેસાઈ | રવિશંકર રાવળ |
અરવિંદ ત્રિવેદી | ગોહર (કયુમ મામાજીવાળા) | નિરૂપા રૉય (કોકિલા) | રવીન્દ્ર દવે |
અરુણા ઈરાની | ચતુર્ભુજ દોશી | પરેશ રાવલ | રામચંદ્ર ઠાકુર |
અવિનાશ વ્યાસ | ચંદુલાલ જેશિંગભાઈ શાહ | પુરુષોત્તમ વિશ્રામ માવજી | રામદાસ દ્વારકાદાસ સંપત |
આણંદજી વીરજી શાહ | ચાંપશીભાઈ નાગડા | પૂજા ભટ્ટ | રુસ્તમ ભરૂચા |
આશા બચુભાઈ પારેખ | ચિમનલાલ મૂળજીભાઈ લુહાર | પ્રભુલાલ દ્વિવેદી | લીલા દેસાઈ |
ઇન્દુલાલ યાજ્ઞિક | ચિમનલાલ વ. દેસાઈ | ફલી મિસ્ત્રી | વનરાજ ભાટિયા |
ઈ. બીલીમોરિયા | જમશેદજી ફરામજી માદન | ફાતિમા બેગમ | વિજય યજ્ઞેશ્વર ભટ્ટ |
ઉદય ક. શુક્લ | જમશેદજી વાડિયા | બળવંત ભટ્ટ | વિજયા મહેતા |
ઉમાકાન્ત દેસાઈ | જયકિશન ડાહ્યાભાઈ પંચાલ | બાબુભાઈ મિસ્ત્રી | વિઠ્ઠલદાસ માસ્તર |
ઊર્મિલા માર્કંડ ભટ્ટ | જયંતીલાલ ઝીણાભાઈ દેસાઈ | બિંદુ ઝવેરી | વિષ્ણુકુમાર મગનલાલ વ્યાસ |
કનુ હકૂમતરાય દેસાઈ | જ્હૉન કાવસ | મનમોહન દેસાઈ | શંકરભાઈ ભટ્ટ |
કલ્યાણજી વીરજી શાહ | ઝુબેદા | મયાશંકર મૂ. ભટ્ટ | શાંતિકુમાર દવે |
કાનજીભાઈ જ. રાઠોડ | દયારામ શાહ | મહેબૂબખાન | સરસ્વતીદેવી |
કાંતિલાલ રાઠોડ | દલસુખ પંચોલી | મહેશ ભટ્ટ | સંજીવકુમાર (હરિભાઈ જરીવાળા) |
કુંદન શાહ | દિનશા બીલીમોરિયા | મંગલદાસ પારેખ | સોરાબ મોદી |
કૃષ્ણ શાહ | દીના પાઠક | મીનુ કાત્રક | હરિપ્રસાદ ભટ્ટ |
કૃષ્ણકાન્ત ભૂખણવાળા | દ્વારકાદાસ નારાયણદાસ સંપત | મેહુલ કુમાર | હીરાલાલ ડૉક્ટર |
કૃષ્ણદાસ દ્વારકાદાસ | ધીરુભાઈ દેસાઈ | મોહનલાલ ગોપાળજી દવે | હોમી બોમન વાડિયા |
ફાળકેએ 1913માં મુંબઈમાં પ્રદર્શિત કરેલું પ્રથમ કથાચિત્ર ‘રાજા હરિશચંદ્ર’ 1914માં લંડનમાં પ્રદર્શિત કર્યું. 1916માં નટરાજ મુદલિયારે યુનિવર્સલ પિક્ચર્સ નામે ભારતમાં હોલિવુડનાં ચિત્રો ભાડે દર્શાવવાનું ચાલુ કર્યું. 1918માં ભારતીય ચલચિત્ર ધારો ઘડાયો. 1920માં પ્રથમ ચલચિત્ર સાપ્તાહિક ‘વીજળી’ બંગાળીમાં પ્રગટ થયું. 1921માં ‘કોહિનૂર’ના ભક્ત વિદુર ઉપર સિંધ અને મદ્રાસમાં પ્રતિબંધ મુકાયો. 1922માં મનોરંજન-કર લેવાનો આરંભ થયો. મુસલમાન કુંવરી હિંદુને પ્રેમ કરે છે તેવી કથાવાળા નાનુભાઈ દેસાઈના ‘રઝિયા બેગમ’ને હૈદરાબાદમાં 1924માં પ્રદર્શિત કરવા જતાં ધીરેન ગાંગુલીને નિઝામે રાજ્ય બહાર કાઢી મૂક્યા. 1931માં ભારતનું પ્રથમ બોલપટ ‘આલમ આરા’ અરદેશર ઈરાનીએ પ્રસ્તુત કર્યું. 1932માં પહેલું ગુજરાતી બોલપટ ‘નરસિંહ મહેતા’ પ્રદર્શિત થયું. 1935માં ભારતમાં 228 ચલચિત્રો ઊતર્યાં. 1937માં ફિલ્મ ઉદ્યોગના પહેલા સંઘ નિર્માતા-મંડળની સ્થાપના થઈ.
આ બધાં વર્ષો દરમિયાન ભારતે 51 ભાષાઓમાં ચલચિત્ર-નિર્માણ કર્યું. ભારતની પ્રાદેશિક ભાષાઓમાં – પ્રમુખ ભાષાઓમાં તો પ્રારંભિક વર્ષોથી જ ફિલ્મનિર્માણ ચાલુ થયું હતું, પણ સીમા પારની ભાષાઓમાં પણ તે થયું એ નોંધપાત્ર છે. આ બહારની ભાષાઓમાં અરબી, અંગ્રેજી, ઈરાની, જર્મન, થાઈ, નેપાળી, પુશ્તો, ફારસી, રશિયાઈ તથા સિંહલ જેવી ભાષાઓનો સમાવેશ થાય છે.
ગુણવત્તાની ર્દષ્ટિએ ભારતીય ચલચિત્રો પાછળ રહ્યાં નથી. સંખ્યાબળમાં પણ તેમણે વિશ્વકેન્દ્ર હોલિવુડને પાછળ રાખી દીધું છે. ચલચિત્રનિર્માણનો વાર્ષિક આંક ઉત્તરોત્તર વધતો જઈ 1990માં 1000 નિકટ પહોંચી ગયો. જોકે પાછળનાં વર્ષોમાં તકનીકની ર્દષ્ટિએ ચિત્રો ચડિયાતાં થવા છતાં અભિનય તથા ગીતસંગીતમાં ટીકાપાત્ર બન્યાં છે.
એક વધુ નોંધપાત્ર વાત એ છે કે ભારતીય ચલચિત્ર-ઉદ્યોગના વિકાસમાં ગુજરાતી સાહસિકોનો ફાળો ઘણો મોટો છે. મૂક ચિત્રોના આરંભ સાથે ઉદ્યોગના દરેક ક્ષેત્રમાં – નિર્માણ, દિગ્દર્શન, વાર્તા, પટકથા, કૅમેરાસંચાલન, કલાનિર્દેશન, ચમત્કારિક ર્દશ્યરચના, ગીત, સંગીત, નૃત્ય, અભિનય, વિતરણ, પ્રદર્શન વગેરેમાં – ગુજરાતીઓ મોખરે રહ્યા છે, જે પૈકી થોડાં નામ આ સાથે સારણી 2માં આપ્યાં છે.
હરસુખ થાનકી